આંતરરાષ્ટ્રીય સંસ્થા સંયુક્ત રાષ્ટ્રએ ભારત, ચીન અને વિશ્વની વસ્તીને લઈને રસપ્રદ ડેટા જાહેર કર્યો છે. યુએનના ‘વર્લ્ડ પોપ્યુલેશન પ્રૉસ્પેક્ટ્સ-2024’ના રિપોર્ટ મુજબ 2060ના દાયકાની શરૂઆતમાં ભારતની વસ્તી 1.7 અબજ થવાનો અંદાજ છે. રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે, ભારતમાં આ વસ્તી વધારો થયા બાદ 12 ટકાનો ઘટાડો પણ થશે, પરંતુ તેમ છતાં ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ જ રહેશે.
2080 સુધીમાં વૈશ્વિક વસ્તી પહોંચશે 10.3 અબજ પર
રિપોર્ટમાં જણાવાયું છે કે, આગામી 50-60 વર્ષમાં વિશ્વભરમાં વસ્તી વધતી રહેશે. 2024ના મધ્ય સુધીમાં વૈશ્વિક વસ્તી લગભગ 8.2 અબજ સુધી પહોંચી ગઈ છે અને આગામી 60 વર્ષમાં તેમાં વધુ બે અબજનો વધારો થવાની તેમજ 2080 સુધીમાં લગભગ 10.3 અબજ પર પહોંચી જવાની ધારણા છે. જોકે આ વસ્તી વધારો થયા બાદ તેમાં ધીમે ધીમે ઘટાડો પણ થશે અને સદીના અંત સુધીમાં વિશ્વભરની વસ્તી 10.2 અબજ પર પહોંચી જશે.
રિપોર્ટમાં ભારત અંગે શું કહેવાયું છે?
ભારત ગયા વર્ષે ચીનને પછાડીને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો હતો અને 2100 સુધી તે જ સ્થાન પર રહેશે. રિપોર્ટમાં કહેવાયું છે કે, આ સદીમાં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ જ રહેવાની સંભાવના છે, જોકે વર્ષ 2060ના દાયકાની શરૂઆતમાં ભારતની વસ્તી 1.7 અબજ પર પહોંચ્યા બાદ તેમાં 12 ટકાનો ઘટાડો થવાનો પણ અંદાજ છે. રિપોર્ટ મુજબ ભારતની વસ્તી 2024માં 1.45 અબજ સુધી પહોંચી શકે છે. જ્યારે 2054માં વધીને 1.69 અબજે પહોંચવાની શક્યતા છે. આ મુજબ એવો અંદાજ છે કે, સદીના અંત સુધીમાં 2100માં ભારતની વસ્તી ઘટીને 1.5 અબજ પર પહોંચી જશે, જોકે તેમ છતાં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ રહેશે.
ભારતની જેમ ચીનની વસ્તી પણ ઘટશે
રિપોર્ટમાં જણાવાયું છે કે, ચીનની જનસંખ્યા વર્ષ 2054માં ઘટીને 1.21 અબજ પર પહોંચવાની ધારણા છે. વર્તમાનમાં ચીનની વસ્તી 1.41 અબજ છે.