નવલખી બંદર ઉપર આવતા કોલસાના જથ્થામાંથી 80 મેટ્રિક ટન કોલસો જેની કિંમત અંદાજે 4 લાખ થાય છે તે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરીને ટ્રકમાં ભરીને લેવાં આવ્યો હતો. જેની શ્રીજી શિપિંગ કંપનીના સ્ટાફને જાણ થતાની સાથે જ સાઇટ ઉપર સ્ટાફ આવ્યો હતો.
ત્યારે જુદા જુદા બે ટ્રકમાં ભરેલ કોલસો ત્યાં જ છોડીને તેના ડ્રાઈવરો ભાગી ગયા હતા જેથી ટ્રકના ડ્રાઈવરો, ટ્રકોના માલિકો અને શ્રીજી શિપિંગ કંપનીની ડુપ્લીકેટ લોડિંગ સ્લીપ બનાવી આપનાર સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ હતી જેના આધારે પોલીસે હાલમાં બંને ટ્રકના ડ્રાઈવરની ધરપકડ કરેલ છે. નવલખી બંદર ઉપર આવતા ઇંડોનેશિયાથી કોલસનો મોટો જથ્થો આવે છે.
જેમાંથી યેન કેન પ્રકારે કોલસાની ચોરી કરવામાં આવે છે અથવા તો વિશ્વાસઘાત અને છેતરપિંડી કરીને ટ્રકમાં કોલસો ભરીને લઈ જવામાં આવે છે આવી જ રીતે એક મહિના પહેલા નવલખી પોર્ટ ઉપર શ્રીજી શિપિંગ કંપનીની બનાવટી લોડીંગ સ્લીપના આધારે એન્ટ્રી પાસ બનાવીને તેનો ખરા તરીકે ઉપયોગ કરીને બે ટ્રકમાં કુલ મળીને 80 મેટ્રિક ટન કોલસો જેની કિંમત 4 લાખ થાય છે તે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરીને લઈ જવાની તૈયારી કરવામાં આવી હતી. જો કે, તેની જાણ સ્ટાફને થઈ જતાં સ્ટાફ સાઇટ ઉપર આવે ત્યાં ટ્રકના ચાલકો તેના વાહન છોડીને નાશી ગયા હતા.
જે બનાવમાં મૂળ જામખંભાળિયાના રહેવાસી અને હાલમાં મોરબીના નવા બસ સ્ટેશન પાસે આવેલ સ્વામીનારાયણ મંદિરની બાજુમાં અક્ષર એપાર્ટમેન્ટ બ્લોક નંબર 601 માં રહેતા ઉદયભાઇ દામોદરભાઈ લાલ જાતે લોહાણા (50) એ હાલમાં ટ્રક નં જીજે 36 વી 38388 ના ડ્રાઈવર તેમજ માલિક તથા ટ્રક નંબર જીજે 36 ટી 6700 ના ડ્રાઈવર તથા માલિક તેમજ શ્રીજી શિપિંગ કંપનીની ડુપ્લીકેટ લોડિંગ સ્લીપ બનાવનાર અને તપાસમાં ખુલે તે તમામ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ હતી.
જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને આ ગુનામાં પોલીસે હાલમાં બંને ટ્રકના ડ્રાઈવર કેતન ગુણવંતભાઈ વ્યાસ (45) રહે. નવલખી રોડ ત્રિમંદિર પાસે મોરબી અને સુરેશભાઇ રામજીભાઇ સરવૈયા (45) રહે. હજનારી વાળની ધરપકડ કરી હતી અને આ બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને અને બંને ટ્રકના માલિક સહિત બીજા જે કોઈ આ ગુનામાં સંડોવાયેલ હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.