મોરબીમાં ભાગીદારનો વિશ્વાસ કેળવીને તેઓની જાણ બહાર ચેકબુકમાં પોતાની રીતે રકમ લખીને કંપનીના પાર્ટનરની ખોટી સહી કરીને બેંક સીસીની રકમ ઉપાડીને પોતાના અંગત ખાતાઓમાં જમા કરાવી લીધી હતી તેમજ વેપારીઓ પાસેથી ધંધાના રૂપિયા મેળવીને તે રૂપિયા પણ પોતાના અંગત એકાઉન્ટમાં જમા કરવી લીધા હતા. અને બેંકમાંથી આવતા મેસેજ ડીલીટ કરી ખોટા સહી સિક્કાનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો જે 1,62,74,435 ની છેતરપિંડીના ગુનામાં પકડાયેલ આરોપીના કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.
મોરબીમાં રહેતા પ્રવીણભાઇ ગોવિંદભાઇ ભોરણીયા (48)એ તેમની ભાગીદારી પેઢીમાં ઓફિસ બોય તરીકે ઓફિસનું કામકાજ કરતાં કિશન રમેશભાઇ બરાસરા રહે. એવન્યુ પાર્ક રવાપર રોડ મોરબી સામે ફરીયાદ નોંધાવી હતી કે, કિશન બરાસરા ફરિયાદીની શુભમ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી ખાતે તા.30-6-23 થી તા.27-4-24 દરમ્યાન ઓફીસ બોય તરીકે કામ કરતો હતો ત્યારે ફરીયાદી તથા અન્ય ભાગીદારોનો વિશ્વાસ જીતી બેંકની ચેકબુકમાં જાણ બહાર પોતાની રીતે રકમ લખી સાહેદ (ભાગીદાર) ધર્મેન્દ્રભાઇની ખોટી સહી કરી બેંકની કેશ ક્રેડીટ (સીસી) ઉપાડી તેમજ અલગ અલગ વેપારીઓ પાસેથી વેપારના રૂપીયા પોતાના અંગત એકાઉન્ટમાં મેળવી પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા.
તેમજ યુપીઆઇ દ્રારા પોતાના બેંક ખાતામાં રૂપીયા ટ્રાન્સફર કરી તેમજ કંપનીનુ મટીરીયલ્સ ઓછા ભાવે વેપાર કરી માર્કેટીંગ કરીને ફરીયાદી તથા સાહેદો સાથે વિશ્ર્વાસઘાત કર્યો હતો અને બેંકમાંથી આવતા મેસેજોને ડીલીટ કરી નાખ્યા હતા. તેમજ ચેકોમાં પોતે ખોટી સહી કરીને તેનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો અને ફરિયાદીની ભાગીદારી પેઢી સાથે 1,62,74,435 ની છેતરપીંડી કરી હતી જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં પીએસઆઇ સી.એસ.સોદરવા અને ભાવેશભાઈ ગઢવીએ આરોપી કિશન રમેશભાઇ બરાસરા જાતે પ્રજાપતિ (25) રહે. એવન્યુ પાર્ક રવાપર રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે.
વધુમાં પોલીસે પાસેથી મળતી માહિતી મુજબ આરોપીએ પેઢી સાથે છેતરપિંડી કરીને જે રૂપિયા મેળવ્યા હતા તે રૂપિયા તેને શેર બજારમાં ગુમાવ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે અને આ આરોપીને મોરબી કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેથી કરીને હવે આ શખ્સે કેવી રીતે નાણાં મેળવ્યા હતા અને કઈ રીતે તેનો ઉપયોગ કરેલ છે. તેના વ્યવહારોની તપાસ કરવામાં આવશે તેવું પોલીસ પાસેથી જાણવા મળે છે.