Sunday, October 13, 2024
HomeFeatureગુજરાતમાં દમદાર વરસાદી રાઉન્ડ શરૂ, 12 કલાકમાં 121 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં દમદાર વરસાદી રાઉન્ડ શરૂ, 12 કલાકમાં 121 તાલુકામાં વરસાદ

રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 121 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

લોધીકામાં બે કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભાભરમાં બે કલાકમાં 3.5 ઈંચ, ધોરાજીમાં 3.5 ઈંચ, મહેમદાબાદમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 6 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

માતરમાં 2 ઈંચ, ખેડા, લાઠી, જામકંડોરણા, તારાપુર, વિસાવદર, નડીયાદ, ઓલપાડ, દાંતા, વસો, સુત્રાપાડા દોઢ ઇંચ, જ્યારે અબડાસા, દેહગામ, રાણાવાવમાં 1 ઈંચ વરસાદ પડ્યો છે.

અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખબાક્યો છે. જ્યારે વાંસાવડી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. સાથે જ ચેકડેમ છલકાયો છે.

ગીર જંગલ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તાલાળા, ગીર ગઢડાના જંગલ વિસ્તારના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગીરના જંગલમાં ભારે વરસાદ પડતાં જામવાળાના ઢોરા વિસ્તારમાં પાણી ભરાયા છે. જંગલનું અને ગામનું પાણી ભેગું થતા નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. ઢોરા વિસ્તારમાં રહેતા 100 પરિવારોને પાણી આવવાને કારણે ઘરે પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે.

દ્વારકા ટંકારિયા-પ્રેમસર ગામને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. લોકોએ એક બીજાની મદદથી રેસ્ક્યૂ હાથ ધર્યું છે. અવરજવર કરતા લોકોને દોરડા વડે રેસ્ક્યૂ કરાયા છે.

કચ્છના નખત્રાણામાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા છે. બપોર બાદ નખત્રાણામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ત્યારબાદ મેઘરાજા નખત્રાણા અને આસપાસના વિસ્તારોમાં તૂટી પડ્યા હતા. નખત્રાણા ઉપરાંત ઉખેડા અને કાદિયા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના પગલે રસ્તાઓ પાણી પાણી થયા હતા. કાદિયા ગામમાંથી પસાર થતા વોકળામાં પણ નવા નીરની આવક થઈ હતી. આ વોકળામાંથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો હતો. તો શેરીઓમાંથી પણ પાણી વહેતું થતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

બનાસકાંઠાના ભાભરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભાભરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. લાટી બજાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

 રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદને કારણે સફુરા નદી બે કાંઠે વહેતી થઇ છે. સફુરા નદીમાં પૂર આવતા પંચનાથ મહાદેવ તરફ જવાનો રસ્તો બંધ થયો છે. ભારે વરસાદને કારણે શહેરભરના મુખ્ય રસ્તાઓ પાણી પાણી થયા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!