Sunday, July 14, 2024
HomeFeature41 વર્ષમાં ઓસ્ટ્રિયા દેશની મુલાકાતે પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

41 વર્ષમાં ઓસ્ટ્રિયા દેશની મુલાકાતે પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની રશિયાની મુલાકાત બાદ આજે ઓસ્ટ્રિયાની મુલાકાતે છે. અહીં તેમણે ભારત-ઓસ્ટ્રિયાનું સંયુક્ત ઘોષણાપત્ર જાહેર કર્યું છે. આ દરમિયાન તેમણે ભારત-ઓસ્ટ્રેયિના સંબંધોનો વિકાસ, રશિયા-યુક્રેન યુદ્ધ, વિશ્વભરમાં ચાલી રહેલો સંઘર્ષ, આતંકવાદ સહિતના મુદ્દે વાતચીત કરી હતી. વડાપ્રધાનની આ યાત્રાની સૌથી મહત્વની વાત એ છે કે, 41 વર્ષમાં પહેલીવાર કોઈ ભારતીય વડાપ્રધાન ઓસ્ટ્રિયાની મુલાકાતે છે.

બંને દેશોએ નવી સંભાવનાઓની ઓળખ કરી : વડાપ્રધાન મોદી

તેમણે કહ્યું કે, ‘મારી આ યાત્રા ખાસ અને ઐતિહાસિક છે. બંને દેશો વચ્ચે દાયકાઓ સુધી સહકાર જળવાઈ રહે તે માટે અમે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી છે. આજે મારી અને ચાંસલર નેહમર વચ્ચે સાર્થક વાતચીત થઈ છે. અમે બંને દેશોના સહયોગને વધુ મજબૂત કરવા માટે નવી સંભાવનાઓની ઓળખ કરી છે. અમે નિર્ણય લીધો છે કે, સંબંધોને વ્યૂહાત્મક દિશા આપવામાં આવશે. અમે બંનેએ આતંકવાદની કડક નિંદા કરી છે.’

મોદી અને નેહમરે વચ્ચે આ મુદ્દાઓ પર થઈ વાતચીત

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘મેં અને ચાંસલર નેહમરે વિશ્વમાં ચાલી રહેલા વિવાદો, રશિયા-યુક્રેન સંઘર્ષ, પશ્ચિમ એશિયાની સ્થિતિ સહિત તમામ મુદ્દે વિસ્તારથી ચર્ચા કરી છે. અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, રિન્યુએબલ એનર્જી, હાઈડ્રોજન, વોટર એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ, એઆઈ ટેકનોલોજી તેમજ બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત કરવા અંગે પણ ચર્ચા કરી છે.’

પીએમ મોદીએ કહ્યું, મેં પહેલા પણ કહ્યું છે કે, આ યુદ્ધનો સમય નથી

તેમણે કહ્યું કે, ‘મેં પહેલા પણ કહ્યું છે કે, આ યુદ્ધનો સમય નથી. યુદ્ધના મેદાનમાં સમસ્યાઓનું નિરાકરણ નથી આવી શકતું. માનવતામાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિ જ્યારે કોઈનો જીવ જાય છે ત્યારે દુઃખી થાય છે. જાનહાનિ અસ્વીકાર્ય છે. ભારત અને ઑસ્ટ્રિયા શાંતિ અને સ્થિરતા સ્થાપવા માટે શક્ય તમામ પ્રયાસો કરવા માટે તૈયાર છે.’

બંને દેશોએ આતંકવાદની નિંદા કરી

વડાપ્રધાન મોદીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘ભારત અને ઓસ્ટ્રિયા આતંકવાદની કડક નિંદા કરે છે. અમે બંને દેશો કોઈપણ પ્રકારના આતંકવાદનો અસ્વિકાર કરીએ છીએ. લોકશાહી અને કાયદાના શાસન જેવા મૂલ્યોમાં સહિયારી માન્યતા એ ભારત-ઓસ્ટ્રિયા સંબંધોનો મજબૂત પાયો છે. વડાપ્રધાન તરીકેના મારા ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં ઓસ્ટ્રિયાની મુલાકાત લેવાની તક મળતાં મને ખુશી થઈ છે.’

‘યુક્રેનમાં ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત થવું જોઈએ’

ઓસ્ટ્રિયાના ચાંસલર કાર્લ નેહમરે (Austrian Chancellor Karl Nehammer) એક્સ પર ટ્વિટ કરીને વડાપ્રધાન મોદી દ્વારા કરાયેલા તમામ મુદ્દાઓ પર સંમતી સાધી છે. તેમણે કહ્યું કે, પશ્ચિમ અને દક્ષિણના દેશોએ સ્વિત્ઝરલેન્ડમાં શાંતિ શિખર સંમેલનમાં લેવાયેલા નિર્ણયો પર આગળ વધવા માટે એક થવું જોઈએ. આ સંબંધોમાં પણ ભારતની મહત્વની ભમિકા છે. નેહમરેએ કહ્યું કે, યુક્રેનમાં ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત થવું જોઈએ. આ માટે બંને દેશો વચ્ચે સંવાદ સ્થાપિત કરવા માટે ઓસ્ટ્રિયા તમામ શક્ય પ્રયાસો કરશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!