
મોરબી જીલ્લામાં હાલમાં ચાર તાલુકામાં પાલિકા હતી જો કે, ટંકારામાં પાલિકા ન હતી અને તેવામાં થોડા સમય પહેલા ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સરકારે ટંકારાને પાલિકા આપવાની જાહેરાત કરી હતી અને હાલમાં આ પાલિકામાં ચીફ ઓફિસર સહિતના અધિકારીઓને મૂકવામાં આવેલ છે.

ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જન્મ સ્થળ હોવા છતાં તેનો વિકાસ જોઇએ તેવો થયો ન હતો જેથી કરીને વર્ષોથી ટંકારાને પાલિકા આપવાની માંગ કરવામાં આવી રહી હતી તેવામાં ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના હાજર હતા ત્યારે ટંકારા ગ્રામ પંચાયતને નગરપાલિકા આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને હવે આ પાલિકાને ધમધમતી કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

હાલમાં અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ ટંકારા પાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ મામલતદારને નગરપાલિકાના વહીવટદાર જાહેર કરવામાં આવ્યા છે. અને વાંકાનેર પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાને ટંકારા પાલિકાના ચીફ ઓફિસરનો વધારાનો ચાર્જ આપવામાં આવેલ છે. જેથી તેઓ આજે ટંકારા પાલિકાનો ચાર્જ સંભાળવાના છે. તે ઉપરાંત માળિયા પાલિકાના ઈજનેર વિવેક ગઢીયા અને ગોંડલ પાલિકાના મ્યુનિસિપલ ડે. એકાઉન્ટન્ટ સોનલબેન કાચાને ટંકારા પાલિકામાં વધારાનો ચાર્જ આપવામાં આવેલ છે.




































