નાણાકીય વર્ષ 2023-24માં દેશમાં રેકોર્ડ સંરક્ષણ ઉત્પાદન થયું છે. આ સમયગાળા દરમિયાન દેશમાં 1.27 લાખ કરોડ રૂપિયાના શસ્ત્રો અને સંરક્ષણ સાધનોનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે આ એક નાણાકીય વર્ષમાં અત્યાર સુધીનું સૌથી વધુ સંરક્ષણ ઉત્પાદન છે. તેમણે કહ્યું કે મેક ઈન ઈન્ડિયા અભિયાન હેઠળ આ એક માઈલસ્ટોન છે.
રાજનાથ સિંહે કહ્યું કે સરકાર ભારતને ટોચનું વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદન હબ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, ’વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ વર્ષ-દર વર્ષે નવા સીમાચિહ્નો પાર કરી રહ્યું છે. ભારતે 2023-24માં સંરક્ષણ ઉત્પાદનમાં સૌથી વધુ વધારો નોંધાવ્યો છે. 2023-24માં 1,26,887 કરોડ રૂપિયાનું સંરક્ષણ ઉત્પાદન, જે પાછલા નાણાકીય વર્ષ કરતાં 16.8 ટકા વધુ છે.
રાજનાથ સિંહે આ સિદ્ધિ માટે જાહેર ક્ષેત્રની સંરક્ષણ કંપનીઓ અને સંરક્ષણ ઉત્પાદનોનું ઉત્પાદન કરતી ખાનગી ક્ષેત્રની કંપનીઓને અભિનંદન પાઠવ્યા હતા.સંરક્ષણ નિકાસમાં પણ વધારો થયો છે સરકારે કહ્યું કે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે આ મહત્વપૂર્ણ છે. સરકારે કહ્યું કે નાણાકીય વર્ષ 2022-23માં દેશમાં સંરક્ષણ ઉત્પાદન 1,08,684 કરોડ રૂપિયાનું હતું, વર્ષ 2023-24માં કુલ સંરક્ષણ ઉત્પાદનમાંથી 79.2 ટકા સંરક્ષણ ઉત્પાદન સરકાર અને અન્ય જાહેર ક્ષેત્રની કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું છે.
જ્યારે 20 ટકા ઉત્પાદન ખાનગી કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું છે.સરકારી નિવેદન અનુસાર, છેલ્લા 10 વર્ષમાં સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં લાવવામાં આવેલી સરકારી નીતિઓ અને સુધારાઓને કારણે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. નોંધનીય છે કે 2023-24માં ભારતની સંરક્ષણ નિકાસ પણ વધી છે અને આ નાણાકીય વર્ષમાં તે 21,083 કરોડ રૂપિયા રહી હતી. જે નાણાકીય વર્ષ 2022-23 કરતા 32 ટકા વધુ છે.