મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ દ્વારા કરવામાં આવેલી પહેલ અન્વયે મોરબી તાલુકાના વાંકડા ગામ ખાતે ગૌશાળાના પરિસરમાં ૧૨૫ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા.
પ્રદૂષણ, પર્યાવરણની સમતુલા વગેરેના કારણે વાતાવરણમાં આવતા તફાવતોને ધ્યાનમાં લઇ ઉપરાંત મોરબી જિલ્લો ઔદ્યોગિક રીતે અગ્રેસરો હોવાના કારણે વાતાવરણમાં શુદ્ધિ જળવાઈ રહે તે માટે જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ દ્વારા એક અનન્ય પહેલ કરવામાં આવી છે. આ પહેલના અનુસંધાને મોરબી જિલ્લાના તમામ ગામમાં ઓછામાં ઓછા ૧૦૦ વૃક્ષ વાવી તેની જાળવણી કરવામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વૃક્ષોની જાળવણી માટેની જવાબદારી પણ સંબંધીત ગ્રામ પંચાયત તેમજ જિલ્લામાંથી નોડલ અધિકારી પસંદ કરી તેમને સોંપવામાં આવી છે.
પર્યાવરણની જાળવણી માટેની આ પહેલ સંદર્ભે મોરબી તાલુકામાં આવેલ વાંકડા ગામ ખાતે ગામ લોકોના સંયુક્ત સહયોગથી ચાલતી ગૌશાળા ખાતે ગામના સરપંચ ડાયાભાઈ ઘોડાસરા તેમજ તલાટી મંત્રી વિશાલભાઈ અવાડિયાના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. વાંકડા ગામના ગ્રામજનોમાં ડાયાલાલ વડગાસીયા, ભીખાલાલ વડગાસીયા, કેતનભાઇ વડગાસીયા સહિત ગ્રામજનો દ્વારા ગામમાં આવેલી ગૌશાળાના પરિસરમાં ૧૨૫ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા.