સૈન્ય જવાનોએ મોટા પથ્થરો મુકીને ચમત્કારીક કામગીરી કરી
સેના, પોલીસ અને ટ્રાફિક પોલીસે રામબન જિલ્લાના નાચિલાના વિસ્તારમાં અમરનાથ યાત્રીઓની બસને ખાઈમાં પડતા બચાવીને મોટી દુર્ઘટના ટાળી હતી. અમરનાથ બાબાના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બસની બ્રેક નાચિલાના વિસ્તારમાં ફેઈલ થઈ ગઈ હતી.
બસની બ્રેક ફેલ થઈ ગઈ હોવાની જાણ થતાં જ બસમાં મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુઓ ડરી ગયા અને ચીસો પાડવા લાગ્યા.આ દરમિયાન કેટલાક મુસાફરો ચાલતી બસમાંથી નીચે કુદી પડ્યા હતા. જેના કારણે તેઓ ઘાયલ થયા હતા.
બાદમાં આર્મી, પોલીસ અને ટ્રાફિક પોલીસના જવાનોએ બસનો પીછો કર્યો હતો અને બસના આગળના અને પાછળના ટાયર નીચે પથ્થરો મૂકીને તેને રોકી હતી. જો બસ ઉભી ન રહી હોત તો ઉંડી ખાઈમાં પડી હોત જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હોત. ઘાયલ થયેલા તમામ મુસાફરો સુરક્ષિત છે અને તેમને આર્મી કેમ્પમાં સારવાર આપવામાં આવી છે. વાહન યાત્રા માટે રજિસ્ટર્ડ થયેલું ન હતું.
બ્રેક ફેલ થયા બાદ ભક્તો ચાલુ બસમાંથી કૂદી રહ્યાં હતા તે અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો સેના અને પોલીસની તત્પરતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી.