Tuesday, February 11, 2025
HomeBusinessવરસાદના કારણે છેડાઈ ચર્ચા, કાર કે બાઈક પૂરમાં વહી જાય તો વીમાનો...

વરસાદના કારણે છેડાઈ ચર્ચા, કાર કે બાઈક પૂરમાં વહી જાય તો વીમાનો દાવો કરી શકાય?

છેલ્લા કેટલાક સમયથી દેશમાં લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા હતા. ત્યારે ચોમાસાના વરસાદે ગરમીમાં લોકોને ચોક્કસ રાહત આપી છે, પરંતુ ઘણા રાજ્યોમાં રાહતની સાથે સાથે એક મોટી સમસ્યા જોવા મળી રહી છે. જેમાં ઉત્તરાખંડ, ગુજરાત, આસામ કે પછી અરુણાચલ પ્રદેશ હોય અહીં મુશળધાર વરસાદને કારણે ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન પૂરમાં ફસાયેલા વાહનોની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ભારે ટ્રેન્ડ થઈ રહી જોવા મળે છે.

કુદરતી આફતોને કારણે ક્યાંક થોડા અંશે તો ક્યાક ભારે જાનમાલનું નુકસાન થયુ છે. ક્યાંક  પૂર, વરસાદ કે આંધી- તોફાનને કારણે વાહનોને નુકસાન થવાના બનાવો પણ જોવા મળ્યા છે. પરંતુ હવે સવાલ એ થાય છે કે, જો તમારી કાર ભારે વરસાદ કે પૂરમાં ફસાઈ જવાના કારણે બગડે છે, અથવા તો પૂરમાં તણાઈ જાય તો શું મોટર વીમા કંપની તેની ભરપાઈ કરશે? ચાલો વિગતવાર સમજીએ…

વીમો ખરીદતી વખતે દરેક વિગતો પર ધ્યાન આપો

હાલ દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. કેટલીક જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, તો ક્યાંક ભારે વરસાદના કારણે પાણીના જોરદાર પ્રવાહથી રસ્તાઓ ધોવાઈ ગયા હતા. ભારે વરસાદમાં પાણીમાં વહી જતી ગાડીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે, જો તમે મોટર વીમો (vehicle insurance)ખરીદતી વખતે કેટલીક મહત્ત્વની બાબતો પર ખાસ ધ્યાન રાખ્યું હશે, તો જ વીમા કંપની પાસેથી વળતર મેળવી શકશો.

હકીકતમાં, આપણે વાહન વીમો (vehicle insurance) લેતી વખતે માત્ર ગાડીની ચોરી અથવા ગાડીના કોઈપણ ભાગને નુકસાન થાય તેના વળતર પર જ વિચારતા હોઈએ છીએ. પરંતુ એ વાત પર પણ ખાસ ધ્યાન આપો કે, તમે જે વીમો ખરીદો છો, તે વરસાદ કે પૂરમાં નુકસાન થાય તો તેમા વળતર આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નહીં. આ પ્રકારના નુકસાનને ટાળવા માટે સૌથી પહેલા યાદ રાખવાની વાત એ છે કે, તમારે એ પ્રકારનો વાહન વીમો ખરીદવો જોઈએ, જેમાં હેવી એન્જિનનું પણ કવર કરવામાં આવેલ હોય. કુદરતી આપત્તિના કારણે એન્જિન લોક થઈ જાય છે, જેને હાઇડ્રોસ્ટેટિક લોક કહેવામાં આવે છે. આવા કિસ્સાઓમાં વીમા કંપનીઓ ક્લેમ પાસ નથી કરતી, કારણ કે તેને અકસ્માતની શ્રેણીમાં ગણવામાં નથી આવતું.

કોમ્પ્રીહેન્સિવ મોટર ઈન્સ્યોરન્સ શું છે?

મોટર વાહન અધિનિયમ-1988 પ્રમાણે પૂર, વરસાદ, આંધી- તોફાન અથવા અન્ય કોઈપણ કુદરતી આફતને કારણે થતા નુકસાનને નુકસાનના કવર હેઠળ આવરી લેવામાં આવે છે. એટલે તમે એવી વીમા પૉલિસી પસંદ કરો, કે જેમાં એન્જિન પ્રોટેક્શન ઍડ-ઑનનો વિકલ્પ હોય. જો તમે તમારા વાહન માટે કોમ્પ્રિહેન્સિવ મોટર ઈન્સ્યોરન્સ લીધો હશે, તો પછી તમે કોઈપણ કુદરતી આફત જેમ કે તોફાન, ચક્રવાત, વાવાઝોડું અને અતિવૃષ્ટિ, વરસાદ અથવા પૂરથી થતા નુકસાનનો ક્લેમ કરી શકો છો.

વીમાના બે ઘટકો આ રીતે કામ કરે છે

આ પોલીસીમાં બે ઘટકો છે. એક ઓન ડેમેજ પર અને બીજી થર્ડ પાર્ટી કવર પર. ઓન ડેમેજ તમારી કારનો આપત્તિઓ અથવા અન્ય કારણોને લીધે થયેલા નુકસાનને આવરી લે છે, અને વીમા કંપની તમારા નુકસાનની ચૂકવણી કરે છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે, વરસાદ કે પૂરના પાણીમાં ફસાયેલા વાહનોના એન્જિનથી લઈને આખી બોડીને ભારે નુકસાન થાય છે. જો કે, બજારમાં આવી ઘણી વીમા પોલિસી ઉપલબ્ધ છે, જે આવા નુકસાનને કવર કરે છે. એટલે બસ વીમો લેતી વખતે તમારે માત્ર તમારી આંખો અને કાન ખુલ્લા રાખવાની જરૂર છે. પછી તમે આસાનીથી નુકસાન મેળવી શકો છો.

આ રીતે કરો વીમાનો ક્લેમ

તમારા પોલિસી નંબરનો ઉપયોગ કરીને સંબંધિત વીમા કંપનીના ટોલ-ફ્રી નંબર પર ક્લેમ માટે નોંધણી કરાવો.

કંપનીની વેબસાઇટ પરથી ક્લેમ ફોર્મ ડાઉનલોડ કરો અને તેને ભરો. આ સાથે તેમા જણાવેલા દરેક ડોક્યુમેન્ટ એકત્રિત કરો અને ક્લેમ ફોર્મ સબમિટ કરો.

ક્લેમની અરજી કર્યા પછી કંપની સર્વેયર અથવા વિડિયો સર્વેક્ષણ દ્વારા વાહનની તપાસ કરવામાં આવશે. આ સમય દરમિયાન તમામ ડોક્યુમેન્ટ તમારી સાથે રાખો.

વાહનના સર્વેનું કામ પુરુ થઈ ગયા પછી સર્વેયર પોતાનો રિપોર્ટ ફાઇલ કરશે. આટલી પ્રક્રિયા પૂરી થયા પછી તમને વીમાનો ક્લેમ મળશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!