Sunday, July 21, 2024
HomeBusinessછેતરપિંડી, બળાત્કાર, સ્નેચિંગ, લિંચિંગ... જાણો નવા કાયદામાં કયા ગુનાની કેવી સજા મળશે?

છેતરપિંડી, બળાત્કાર, સ્નેચિંગ, લિંચિંગ… જાણો નવા કાયદામાં કયા ગુનાની કેવી સજા મળશે?

ભારતમાં સોમવારથી ત્રણ નવા ફોજદારી કાયદા — ભારતીય ન્યાયિક સંહિતા (BNS), ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા (BNSS) અને ભારતીય સાક્ષ્ય (પુરાવા) અધિનિયમ (BSA) — અમલમાં આવ્યા છે. ‘ભારતીય દંડ સંહિતા’ (IPC) 1860, ‘ક્રિમિનલ પ્રોસિજર કોડ’ (CrPC) 1973 અને ‘ભારતીય પુરાવા અધિનિયમ’ 1872 જેવા જૂના કાયદાનું સ્થાન આ નવા કાયદા લેશે. આ ત્રણે કાયદા ડિસેમ્બર 2023માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યા હતા.

ભારતમાં આઝાદી બાદથી સંસ્થાનવાદી યુગના ફોજદારી કાયદા અમલમાં હતા. જોકે, સમયાંતરે એમાં સુધારા પણ કરવામાં આવ્યા હતા. પરંતુ લાંબા સમયથી એમાં મોટા ફેરફારોની માંગ હતી. નવા કાયદાની જાહેરાત કરતા સમયે સરકારે કહ્યું કે, ‘આ કાયદા ભારતીયો દ્વારા ભારત માટે બનાવવામાં આવેલા કાયદા છે.’

છેતરપિંડીથી શારીરિક સંબંધ

ભારતીય ન્યાય સંહિતા (BNS) માં ઘણા નવા ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક કલમ છે 69, જેમાં છેતરપિંડી દ્વારા શારીરિક સંબંધ બાંધવાના ગુના માટે સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ કલમ મુજબ ‘કોઈ પુરુષ કોઈ મહિલાને લગ્ન કરવાનું જૂઠું વચન આપીને એની સાથે શારીરિક સંબંધ બાંધે તો એ પુરુષને દસ વર્ષ સુધીની જેલ તથા નાણાકીય દંડની સજા સંભળાવી શકાશે. આ કલમમાં ‘છેતરપિંડી’ના અર્થમાં ‘નોકરી અથવા બઢતીનું ખોટું વચન આપવું’, ‘કોઈ પ્રકારનું દબાણ કરવું’ અથવા ‘સાચી ઓળખ છુપાવીને લગ્ન કરવા’નો સમાવેશ થાય છે.

સગીર પત્ની પર બળાત્કાર

ભારતીય ન્યાયિક સંહિતા (BNS)માં સગીર પત્ની સાથેના શારીરિક સંબંધને પણ બળાત્કાર ગણવામાં આવ્યો છે. સગીર પત્નીની સહમતી હોય તો પણ આ પ્રકારનો સંબંધ બળાત્કાર જ ગણાશે.

લિંચિંગ જેવા ગુના

ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 103 હેઠળ પહેલીવાર જાતિ, કોમ અથવા સમુદાયના આધારે કરાયેલી હત્યાને અલગ ગુના તરીકે માન્યતા આપવામાં આવી છે. 2018માં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને લિંચિંગ માટે અલગ કાયદો બનાવવાનો નિર્દેશ આપ્યો હતો, જેને અમલમાં મૂકીને આ કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. તાજેતરના વર્ષોમાં જાતિ અને ધર્મના આધારે આચરવામાં આવેલ હત્યાની સંખ્યાનું પ્રમાણ વધી ગયું હોવાથી આ કાયદાની જરૂર હતી જ. આવા ગુનાઓ આ નવી જોગવાઈ દ્વારા સજાપાત્ર થશે.

સંગઠિત ગુનાખોરી

BNS માં સંગઠિત અપરાધ અને આતંકવાદ જેવા ગુનાઓનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. અગાઉ આ ગુનાઓ જુદા જુદા કાયદાના દાયરામાં આવતા હતા. જેમ કે, આતંકવાદ માટે ‘ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ’ UnlawfulActivities(Prevention)Act–UAPA અને રાજ્યના પોતાના મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ.( Maharashtra Control of Organised Crime Act ) –MCOCA કાયદા હતા.  

આતંકવાદ

BNSમાં આતંકવાદ સંબંધિત જોગવાઈઓમાં UAPA ના નિયમોમાંથી ઘણા નિયમો લેવામાં આવ્યા છે. સંગઠિત ગુનાનો સમાવેશ કલમ 111(1)માં કરવામાં આવ્યો છે, જેમાં અપહરણ, લૂંટ, વાહન ચોરી, ખંડણી, જમીન પડાવી લેવી, સોપારી આપીને હત્યા કરાવવી, ગંભીર પરિણામ લાવે એવા સાયબર ગુના, ડ્રગ્સની ફેરફેર, ગેરકાયદે ચીજવસ્તુઓ અને શસ્ત્રોની દાણચોરી, વેશ્યાવૃત્તિ અને ખંડણી માટે માનવ તસ્કરીનો સમાવેશ કરાયો છે.

સ્નેચિંગ

ભારતીય ન્યાય સંહિતા (BNS)માં પ્રથમ વખત સ્નેચિંગને પણ નવા અપરાધની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યું છે. સંહિતાની કલમ 304(1)માં જણાવાયું છે કે, ‘જો ગુનેગાર ચોરી કરવાના ઈરાદાથી કોઈ વ્યક્તિની માલિકીની વસ્તુ/મિલકત બળજબરીથી છીનવી લે છે અથવા જપ્ત કરે છે, તો તે આ કાયદાના દાયરામાં આવશે…’ આ કાયદા અંતર્ગત ચોરી અને સ્નેચિંગ બંને માટે ત્રણ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

ભાગેડુ ગુનેગારોની હવે ખેર નહીં

નવા ફોજદારી કાયદાની સૌથી મહત્વની વાત એ છે કે હવે ગુનેગારની ગેરહાજરીમાં પણ ટ્રાયલ થશે. આપણા દેશમાં ગુનેગારો મોટાભાગે ગુના કર્યા બાદ સજાથી બચવા માટે દેશ છોડીને બીજા દેશમાં ભાગી જતા હોય છે. આવી સ્થિતિમાં તેને સજા કરી શકાતી નથી. ગુનેગારને દેશમાં પાછો લવાય એ પછી જ એના પર કાયદાકીય કાર્યવાહી કરી શકાતી. હવે આવું નહીં થાય. હવેથી ગુનેગારની ગેરહાજરીમાં પણ એના પર કેસ ચાલશે.  

એક અનોખી સજા…

નવા કાયદાની વિશેષતા એ છે કે તેમાં અમુક ગુનાઓ માટે વૈકલ્પિક સજા તરીકે ‘સમુદાયિક સેવા’ (Community Service)નો સમાવેશ કરવામાં આવ્યો છે. નાની ચોરી, બદનક્ષી, આત્મહત્યાનો પ્રયાસ અને સરકારી કર્મચારીના કામને અવરોધવા જેવા ગુનાઓમાં આ પ્રકારની સજા સંભળાવવામાં આવશે. ભારત માટે નવી એવી ‘સમુદાયિક સેવાની સજા’ પશ્ચિમી દેશોમાં વર્ષોથી ચાલતી આવી છે.

આ સિવાય હવે ઝીરો એફઆઈઆર દાખલ કર્યા બાદ 15 દિવસમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવાનું ફરજિયાત રહેશે. ઉપરાંત, ઈલેક્ટ્રોનિક માધ્યમથી સમન્સ પાઠવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!