મોરબી-3, ટંકારા 1.5, હળવદ-1 ઇંચ: મચ્છુ-3 નો એક દરવાજો ખોલ્યો: બ્રાહ્મણી-2 ડેમ 90 ટકા ભરાયો
મોરબી શહેર અને જીલ્લામાં ગઇકાલે સવારે અગિયાર વાગ્યાથી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી હતી અને એક કલાકમાં મન મૂકીને મેઘરાજાએ હેત વરસાવ્યું હતું ત્યાર બાદ આજે સવાર સુધી હળવો વરસાદ ચાલુ જ હતો અને ધીમીધારે વરસાદ ચાલુ રહેતા છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લાના પાંચ પૈકીના ત્રણ તાલુકામાં એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છેસમગ્ર ગુજરાતની અંદર વિધિવત રીતે ચોમાસુ શરૂ થઈ ગયુ છે.
ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જો વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં મોરબીમાં ત્રણ ઇંચ, ટંકારામાં દોઢ ઇંચ અને હળવદમાં એક ઇંચ વરસાદ નોંધાયેલ છે જો કે, બાકીના બે તાલુકામાં નોંધપાત્ર વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ નથી. જો ડેમની વાત કરીએ તો મોરબી જિલ્લાના 10 પૈકીનાં બે ડેમમાં પાણીની સારી આવક ગઇકાલે થયેલ હતી જેથી કરીને મચ્છુ-3 ડેમનો એક દરવાજો એક ફૂટખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું અને બ્રાહ્મણી-2 ડેમમાં પણ પાણીની સારી આવક થયેલ છે.
મોરબી શહેરમાં છેલ્લા 24 કલાકમાં 76 મીમી એટ્લે કે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેથી કરીને મોરબી નજીકના મચ્છુ-3 ડેમમાં પાણીની આવક વધી છે માટે હાલમાં મચ્છુ-3 ડેમનો એક એક દરવાજો એક ફૂટ ખોલી ડેમમાંથી 899 ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને ડેમમાંથી પાણી છોડતા પહેલા મચ્છુ-3 ડેમના નીચાણ વાળા વિસ્તારમાં ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા જેમાં મોરબી તાલુકાના 13 અને માળિયા તાલુકાના 8 ગામોનો સમાવેશ થાય છે.
જયારે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ બ્રાહ્મણી-2 ડેમ 90 ટકા ભરાયો હોવાનું સિંચાઇ વિભાગના અધિકારી જણાવ્યુ છે અને વધુમાં માહિતી આપતા જણાવ્યુ હતું કે, હાલમાં ડેમમાં નર્મદાના પાણીની આવક ઉપરાંત વરસાદના પાણીની આવક થયેલ છે જેથી કરીને ડેમમાં પાણીની આવક વધી છે અને બ્રાહ્મણી-2 ડેમ 90 ટકા ભરાયો છે જેથી કરીને ડેમની નીચેના ભાગમાં આવેલા નવ ગામોને સિંચાઇ વિભાગ દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.
અત્રે ઉલેખનીય છે કે, ગઇકાલે સીઝનનો પહેલો સારો વરસાદ સવારે 11 થી 12 વાગ્યામાં પડ્યો હતો અને ત્યારે બે ઇંચ જેટલા વરસાદ પડતાની સાથે જ મોરબી શહેરના સનાળા રોડ, લાતી પ્લોટ, મહેન્દ્રપરા, માધાપરા, ઋષિકેશ વિદ્યાલય સહિતના જુદા જુદા વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાઈ જવાથી રાહદારીઓ, વાહન ચાલકો અને સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઋષિકેશ વિદ્યાલય પાસે વેપારીઓની દુકાનમાં તેમજ લોકોના ઘરની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા હોય જો વધુ વરસાદ થશે તો શું થશે તેની ચિંતા અત્યારથી જ લોકોને સતાવી રહી છે. મોરબીના અનેક વિસ્તારોમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે તેમ છતાં પણ તેનો કાયમી નિકાલ આજ સુધી પાલિકા તંત્ર લાગ્યું નથી જેના કારણે આ ચોમાસામાં પણ લોકોને હેરાન થવું પડશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી.