
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદને કારણે પાણી ભરાઇ જતાં ઘણા ગામોના રસ્તા બંધ થઇ ગયા છે. જુનાગઢ શહેર અને જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબક્યો છે. અતિ ભારે વરસાદના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.


જૂનાગઢ: સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદને કારણે પાણી ભરાઇ જતાં ઘણા ગામોના રસ્તા બંધ થઇ ગયા છે. જુનાગઢ શહેર અને જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબક્યો છે. અતિ ભારે વરસાદના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. લીંબુડા ગામે જ્યાં લીંબુડા ગામથી ઇન્દ્રા તરફના રસ્તા બંધ થયા છે. અંદાજિત બારથી વધુ ગામને જોડતો રસ્તો બંધ થયો છે. ટ્રેક્ટર સહિતના જ વાહનો દ્વારા એક ગામથી બીજા ગામે જઈ શકાય છે. ટુ વ્હીલર અને ફોર વ્હીલરથી એક ગામથી બીજા ગામે જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી.

ગુજરાતીની ટીમ કોડવાવ ગામ પહોંચી છે. એકલેરાથી કોડવાવ તરફ જવાનો રસ્તો બંધ થયો છે. કોડવાવ અને તેના ઉપરના ગામો જેવા કે સમેગા, થાપલા, વેવદરા, ધરશન, ગઢવાણાં સહિત ગામો તરફ જવાના રસ્તા બંધ થયા છે. ખુદ ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ પોતાના ગામ કોડવાવમાં ફસાયાના સમાચાર છે. એકલેરા ગામના ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે.

જૂનાગઢમાં બામણાસા અને મટીયાણા પાસે ઓઝત નદીનો પાળો તૂટ્યો છે. જેના પગલે બાલાગામ, ઝાલાવાડ ગામોમાં નદીના પાણી ઘૂસ્યા છે. ધસમસતા પ્રવાહમાં ગામો બેટમાં ફેરવાયા છે. ઉપરવાસમાં આવેલ વરસાદે ઓઝત નદીમાં પૂર આવ્યા છે.

જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયો છે. શહેરની મધ્યમાં આવેલ વિલિંગ્ડન ડેમ છલોછલ થયો છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા ડેમ ઓવરફ્લો થયો છે. શહેરને પાણી પુરૂ પાડતા 3 જળાશયો માંથી બે ઓવરફ્લો થયા છે. આણંદપુર વીયર અને વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયા છે. જ્યારે સૌથી મોટા ડેમ હસ્નાપુરમાં પાણીની જંગી આવક થઇ છે.

માણાવદરનું પાજોદ ગામ પાણીમાં ગરકાવ થયું છે. ભારે વરસાદને પગલે પાજોદ ગામ બેટમાં ફેરવાયું છે. ઓઝત નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે. ગામમાં સવારથી જ પાણી ભરાતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી છે. કલ્યાણપુરમાં 7 તો ખંભાળિયા અને માણાવદરમાં સાડા છ ઈંચ વરસાદ ખાબક્યો છે.

































