જન્માષ્ટમીના મેળા માટે કલેકટરની બેઠક બાદ નિર્ણય : ટીઆરપી ગેમ ઝોનની ઘટના બાદ વધુ સાવચેતીના પગલા સાથે મેળો યોજાશે
રાજકોટ લોકમેળા સમિતિ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આગામી જન્માષ્ટમીના તહેવારોમાં તા.24 ઓગસ્ટથી પાંચ દિવસના ભાતિગળ લોકમેળાનું રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની તૈયારીઓ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત લોકમેળા સમિતિની પ્રથમ બેઠક આજે કલેક્ટર કચેરી દ્વારા કલેક્ટર પ્રભવ જોષીના અધ્યક્ષ સ્થાને આયોજીત કરવામાં આવી હતી.
જેમાં લોકમેળાના સુચારુ આયોજન માટે વિવિધ 19 સમિતિઓની રચના કરવામાં આવી હતી. તેની સાથોસાથ લોકમેળામાં ગીચતા રોકવા આ વખતે સ્ટોલની સંખ્યામાં ઘટાડો કરવામાં આવેલ છે તેમજ ટીઆરપી ગેમઝોન બાદ લોકમેળામાં આ વખતે રાઇડ્સ સેફટી માટે ખાસ નિયમો અમલી બનાવવામાં આવેલ છે. આ માટે ખાસ એસઓપી જાહેર કરવામાં આવી છે અહીં ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના ભાતિગળ લોકસંસ્કૃતિની ઝલક દર્શાવતા જન્માષ્ટમીના આ લોકમેળામાં પ્રતિ વર્ષ 15 લાખ જેટલા લોકો મેળાની મોજ માણવા ઉમટી પડે છે. કલેક્ટર કચેરી ખાતે આજે યોજાયેલી આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર ચેતન ગાંધીએ શરૂઆતમાં ઉપસ્થિત તમામ સમિતિઓના સભ્યોને આવકાર્યા હતા.
લોક મેળા અમલીકરણ સમિતિના સભ્ય સચિવ અને પ્રાંત અધિકારી ચાંદનીબેન પરમારે પી.પી.ટી.ના માધ્યમથી લોકમેળાના આયોજન અંગેની તમામ બાબતો આ બેઠકમાં રજૂ કરી હતી.આ બેઠકમાં મેળાની રાઈડઝ તથા દુકાનોમાં 40 % ઘટાડો કરી યોગ્ય રીતે ક્રાઉડ મેનેજમેન્ટ કરવા, સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવા, વાસી ખોરાકનો નાશ કરી લોકોના આરોગ્યની જાળવણી કરવા, છાપેલા ભાવ કરતાં વધુ ભાવે ખાદ્ય સામગ્રીનું વેચાણ ન થાય તેનું ધ્યાન રાખવા, કંટ્રોલરૂમ-એમ્બ્યુલન્સ-ફાયર સેફ્ટી વગેરેની યોગ્ય વ્યવસ્થા કરવા, સરકારી ફિટનેસ સર્ટિફિકેટ મળ્યા બાદ જ રાઈડઝ ચાલુ કરવા, રાત્રે 11.30 વાગ્યે એન્ટ્રી બંધ કરાવવા, એન્ટ્રી-એક્ઝિટ તથા ખોવાયેલા બાળકો માટે સી.સી.ટી.વી. કેમેરા લગાવવા, તથા મેળાના ઉદ્ઘાટન તથા પાંચ દિવસ દરમિયાન યોજાનારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, એન.ડી.આર.એફ. અને ડીઝાસ્ટરની ટીમ તૈયાર રાખવા, વગેરે તમામ બાબતો વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ડી.સી.પી. જગદીશ બંગારવા, જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રીબેન રંગવાણી, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, પ્રાંત અધિકારી નિશા ચૌધરી અને વિમલ ચક્રવર્તી, સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર બી.એ.અસારી, એ.સી.પી. સર્વશ્રી યાદવ, ગઢવી તથા રાધિકા ભારાઈ, જિલ્લા યુવા વિકાસ અધિકારી દિહોરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.પી.સિંઘ, તથા લોકમેળા સાથે સંબંધિત તમામ સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.