
મોરબી જિલ્લા આજથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આજે ટંકારા તાલુકાના વીરપર, નસીતપર તેમજ નાના રામપર ગામે નાયબ નિયામક (લીગલ) અને ટેકનિકલ શિક્ષણ કમિશ્નર એમ. જે. અઘારાના અધ્યક્ષસ્થાને ગામની પ્રાથમિક શાળાઓમાં નાના નાના ભૂલકાઓને પ્રવેશ અપાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાનના દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નાના ભૂલકાઓના ઉજ્જવળ ભાવિનો ઉત્સવ બન્યો છે.

ત્યારે મોરબી જિલ્લામાં ટંકારા તાલુકામાં લજાઈ ક્લસ્ટરમાં આવેલાં ગામોમાં મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતીમાં વીરપર પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં ૯, બાલવાટિકામાં ૨૦ અને ધોરણ-૧ માં ૨૨ બાળકો, નસીતપર પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં ૧૧, બાલવાટિકામાં ૧૨ અને ધોરણ-૧ માં ૧૭ બાળકો તેમજ નાના રામપર પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં ૯, બાલવાટિકામાં ૧૨ અને ધોરણ-૧ માં ૧૮ બાળકો મળી કુલ ૧૩૦ બાળકોને પા પા પગલી કરાવી શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે એમ.જે. અઘારાએ જણાવ્યું હતું કે, ભણતરનું મહત્વ વધે તેમજ બાળકોને ભણવાની પ્રેરણા મળે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. શિક્ષણ જીવનમાં શું પરિવર્તન લાવી શકે તેના તો અનેક ઉદાહરણો છે. આજે આ કાર્યક્રમના કારણે શિક્ષણમાં પરિવર્તન આવી રહ્યું છે, અનેક બાળકો ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે. શિક્ષણનું સ્તર સુધારવા માટે વાલી અને શિક્ષકો બંનેની મહત્વની ભૂમિકા છે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, લક્ષ્ય વિનાનું જીવન નકામું છે જેથી બાળકોના લક્ષ નિર્ધારિત કરવા માટે વાલી અને શિક્ષકો મદદ કરે તે જરૂરી છે.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન કડીવાર, ટંકારા મામલતદાર , બી.આર.સી. કોર્ડીનેટર તેમજ શાળાના આચાર્ય શિક્ષક ગામના સરપંચ તેમજ ગ્રામજનો અને બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


































