ગીરસોમનાથ, ભાવનગર, દ્વારકા, અને નર્મદા જિલ્લામાં એન.ડી.આર.એફ.ની ટીમો તૈનાત

ગુજરાતમાં મેઘો મહેરબાન થયો છે. સોમવારે (24મી જૂન) મોડી રાત્રે અમદાવાદ સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. તો આજે (25 જૂન) વહેલી સવારે રાજ્યના કુલ 52 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ત્રણ દિવસ યલો એલર્ટ જાહેર કરાયું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આજથી પાંચ દિવસ ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત ત્રણ દિવસ માટે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજયમાં સાર્વત્રિક વરસાદ મામલે અગમચેતીના ભાગરૂપે ગીર સોમનાથ, ભાવનગરમાં દ્વારકા અને નર્મદામાં ગઉછઋની ટીમ તહેનાત કરવામાં આવી છે.

સોમવારે મોડી રાત્રે અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વહેલી સવારથી જ વરસી રહ્યો છે. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં કુલ 52 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં વડોદરા અને પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.

જો રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો કુલ 153 તાલુકમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખેડાના માતરમાં ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.



































