
થોડા સમય પહેલા પુષ્પા નામની એક ફિલ્મ આવી હતી. જે ફિલ્મમાં ચંદનના લાકડાની કેવી રીતે તસ્કરી કરવામાં આવે છે, તે બતાવવામાં આવી હતી, ત્યારે આવું જ કઈ સુરતના માંડવીના પેક જંગલોમાંથી ખેરના લાકડા ચોરી કરી મધ્યપ્રદેશ લઈ જવામાં આવતા હતા.

જ્યાં ખેરના લાકડામાંથી કાથો બનાવવામાં આવતો હતો. પરંતુ માંડવી વનવિભાગની તકેદારીના કારણે આ લાકડા ચોરીનું નેટવર્ક બહાર આવ્યું છે.
થોડા સમય પહેલા પુષ્પા નામની ફિલ્મ માં ફિલ્મનો હીરો પુષ્પા ઝૂકેગા નહીં અને વન વિભાગને ચકમો આપી ચંદન ચોરી કરતા બતાવ્યો છે. પરંતુ રિયલ સ્ટોરી અલગ છે. મધ્ય પ્રદેશના લાકડા ચોર માત્ર સુરત જ નહીં, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, દાહોદ, ભરુચ જિલ્લાના જંગલમાંથી અનામત કેટેગરીમાં આવતા ખેરના ઝાડ કાપી લાકડાં સગેવગે કરવાના મસમોટા રેકેટનો પર્દાફાશ થયો છે.

આ ફિલ્મમાં વનવિભાગ સામે પુષ્પા ભલે ઝૂકેગા નહીં, પરંતુ રિયલમાં માંડવી વનવિભાગ સામે મધ્ય પ્રદેશના લાકડા ચોર (પુષ્પા )ઝૂકેગા ભી ઓર જેલ મેં ભી જાયેગા.
16 જૂનના રોજ સુરત જિલ્લાના માંડવી દક્ષિણ રેંજના કાર્યક્ષેત્ર વિસ્તારમાંથી વહેલી સવારે ખેરના લાકડા ભરેલી ટ્રક ઝડપાઈ હતી. આ ટ્રકમાં તપાસ કરતા તેમાંથી ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો . ટ્રક ભરીને અનામત વૃક્ષ ખેરના લાકડાં મળતાં વન વિભાગના અધિકારીઓ ચોંકી ઊઠયા હતા. તેમની પાસેથી કોઈપણ પ્રકારની પાસ-પરમિટ નહીં મળતા મામલો ગંભીર જણાયો હતો.

ટ્રક ડ્રાઈવરની પુછપરછ કરતા તેણે આપેલા જવાબથી વન વિભાગના અધિકારીઓના પગતળેથી જમીન સરકી ગઈ હતી. દક્ષિણ ગુજરાતમાંથી ખેરનું લાકડું મધ્યપ્રદેશના અલીરાજપુર લઈ જઈ ત્યાંથી સમગ્ર વહીવટ કરાતો હોવાનું સામે આવ્યું હતું.

ડ્રાઈવરની કબુલાતને આધારે અલીરાજપુરમાં તપાસ કરતા સમગ્ર રેકેટ પરથી પડદો ઊંચકાયો હતો. અનામત એવા ખેરના લાકડાં ચોરીનું ભોપાળું ચાર વર્ષથી ધમધમી રહ્યું હોવાનું વન વિભાગના અધિકારીઓની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સપ્તાહ પહેલા વન વિભાગની ટીમે પાડેલા દરોડામાં મધ્યપ્રદેશના ડેપોમાંથી 5.13 કરોડની કિંમતનું 2055 મેટ્રિક ટન લાકડું મળી આવ્યું હતું.

છેલ્લા ચાર વર્ષમાં લાકડાચોરોએ કરોડો રૂપિયાની કિંમતના ખેરના ઝાડ કાપી બારોબાર લાકડા વેચી દીધા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. હાલ તો લાકડાચોરોએ ચાર વર્ષમાં કેટલું લાકડું વેચ્યું તેનો તાગ મેળવવાની દિશામાં તપાસ ચાલી રહી છે.

































