Monday, December 2, 2024
HomeBusinessવોલમાર્ટના સ્ટોર્સમાં હવે પ્રોડક્ટ્સના શેલ્ફ પર નહીં દેખાય પ્રાઈસ સ્ટીકર!

વોલમાર્ટના સ્ટોર્સમાં હવે પ્રોડક્ટ્સના શેલ્ફ પર નહીં દેખાય પ્રાઈસ સ્ટીકર!

ટેક્સાસના એક સ્ટોરમાં કરવામાં આવેલો પ્રયોગ સફળતા રહેતા હવે વોલમાર્ટ પોતાના 2300 સ્ટોર્સમાં પ્રાઈસ સ્ટીકર્સ હટાવવાનું કામ શરૂ કરશે

દુનિયાની સૌથી મોટી રિટેઈલ ચેન વોલમાર્ટના સ્ટોર્સમાં મળતી પ્રોડક્ટ્સ પર જોવા મળતા પ્રાઈસ સ્ટીકર્સ હવે ગાયબ થઈ જવાની તૈયારીમાં છે. વોલમાર્ટે જૂન 2024ની શરૂઆતમાં જ જાહેરાત કરી હતી કે તેણે ટેક્સાસના સ્ટોરમાં પ્રાઈસ સ્ટીકર્સને બદલે ડિજિટલ શેલ્ફ લેબલ્સનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે, કંપનીએ કરેલો આ એક્સપિરિમેન્ટ સફળ રહેતા હવે વોમાર્ટ આગામી બે વર્ષમાં પોતાના 2300 જેટલા સ્ટોર્સમાં વેચાતી પ્રોડક્ટ્સ પરથી પ્રાઈસ સ્ટીકર્સ હટાવવાની તૈયારીમાં છે.

કંપનીના જણાવ્યા અનુસાર પ્રાઈસ સ્ટીકર્સની જગ્યા હવે ડિજિટલ શેલ્ફ લેબલ્સ લેશે જેનો સૌથી મોટો ફાયદો એ છે કે જ્યારે કોઈ પ્રોડક્ટની પ્રાઈસ બદલાશે ત્યારે વોલમાર્ટના સ્ટાફને દરેક પ્રોડક્ટ્સના શેલ્ફ પર નવા સ્ટીકર્સ લગાવવાની જરૂર નહીં પડે. હવે આ કામ એક મોબાઈલ એપ દ્વારા ગણતરીની મિનિટોમાં જ થઈ જશે, જેનાથી એક લાખ જેટલી આઈટમ્સની પ્રાઈસ ચપટી વગાડતા ચેન્જ કરી શકાશે. વોલમાર્ટનો દાવો છે કે ડિજિટલ શેલ્ફ લેબલ્સ સમયમાં ખાસ્સી બચત કરશે અને તેની સાથે જ આ ટેક્નોલોજીથી સ્ટોકનો રેકોર્ડ રાખવાનું પણ સરળ બનશે તેમજ સ્ટાફ કસ્ટમર્સની હેલ્પ કરવામાં વધુ સમય આપી શકશે.

વોલમાર્ટ એક તરફ ડિજિટલ શેલ્ફ લાઈફ લેબલ્સના ફાયદા ગણાવી રહી છે ત્યારે તેના લાગુ થયા બાદ વોલમાર્ટ ડાયનેમિક પ્રાઈસિંગ હેઠળ જે વસ્તુની ડિમાન્ડ વધુ હશે તેની કિંમત પણ વધારી દેશે તેવી ચર્ચા થઈ રહી છે. જોકે, તેના પર સ્પષ્ટતા કરતા વોલમાર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ ટેક્નોલોજી ડાયનેમિક પ્રાઈસિંગ માટે ડિઝાઈન નથી કરવામાં આવી, તેનો હેતુ સમય અને રિસોર્સ બચાવવાનો છે. જોકે, કેટલાક કસ્ટમર્સ વોલમાર્ટના આ ખુલાસા પર વિશ્વાસ કરતા અચકાઈ રહ્યા છે.

અમરેકિામાં હાલ ઈન્ફ્લેશનને કારણે ઘણી ડેઈલી યુઝની વસ્તુના ભાવ રોજેરોજ ચેન્જ થાય છે, તેવામાં વોલમાર્ટ આ ટેક્નોલોજીથી હવે ઝડપથી પ્રાઈસ ચેન્જ કરી શકશે. એક અંદાજ અનુસાર વોલમાર્ટ પોતાના સ્ટોર્સમાં 1.20 લાખ જેટલી અલગ-અલગ પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે અને દરેક પ્રોડક્ટ્સના શેલ્ફ પર તેનું પ્રાઈસ ટેગ લગાવાયેલું હોય છે. જ્યારે પણ પ્રાઈસમાં ફેરફાર થાય કે નવી આઈટમ સ્ટોરમાં એડ થાય ત્યારે તેના શેલ્ફ પર લગવાયેલા સ્ટીકર્સ બદલવામાં આવતા હોય છે. વોલમાર્ટનો દાવો છે કે આ કામમાં ઘણીવાર બે દિવસ જેટલો સમય લાગી જતો હોય છે, પરંતુ ડિજિટલ શેલ્ફ લેબલ્સ દ્વારા આ કામ એક મિનિટમાં જ થઈ જશે.

અમેરિકામાં હાલ ઘણા બિઝનેસ સર્જ પ્રાઈસિંગને લાગુ કરી રહ્યા છે, જેનું કારણ હાલ રેકોર્ડ સ્તરે પહોંચેલું ઈન્ફ્લેશન છે. યુએસની ફેમસ ફાસ્ટફૂડ રેસ્ટોરાં ચેઈન વેન્ડિઝે 2024ની શરૂઆતમાં જ ડિજિટલ મેનુ બોર્ડ્સ અને ડાયનેમિક પ્રાઈસિંગ લાગુ કરવાની જાહેરાત કરી હતી પરંતુ તેનો જોરદાર વિરોધ થયો હતો. કંપનીએ ત્યારે એવી ચોખવટ કરી હતી કે ડિજિટલ મેનુ બોર્ડ્સ દ્વારા તેને ડિસ્પ્લે ચેન્જ કરવાની ફ્લેક્સિબિલિટી મળશે અને ફીચર્ડ આઈટમ્સને પણ તે ચેન્જ કરી શકશે, તેમજ વેન્ડિઝે એવું પણ કહ્યું હતું કે જે ફુડ આઈટમની વધુ ડિમાન્ડ હોય તેની પ્રાઈસમાં વધારો કરવાનો તેનો કોઈ ઈરાદો નથી. તેવી જ રીતે વોલમાર્ટનું પણ એવું જ કહેવું છે કે સર્જ પ્રાઈસિંગ તેની ‘એવરીડે લૉ પ્રાઈસ’ પોલિસીની વિરૂદ્ધ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!