
નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે યોજાયેલી 53મી જીએસટી કાઉન્સિલની બેઠક બાદ જણાવ્યું કે ઈન્ડિયન રેલવેની ઘણી સેવાઓને જીએસટીમાંથી બહાર કરી દેવામાં આવી છે. હવે પ્લેટફોર્મ ટિકિટ પર જીએસટી લાગશે નહીં. આ સાથે સોલર કુકર અને સ્ટીલ એન્ડ એલ્યુમિનિયમથી બનેલ મિલ્ક કેન પર 12 ટકા જીએસટી લગાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ સિવાય પેપર અને પેપર બોર્ડથી બનેલા કાર્ટુન પર 12 ટકા જીએસટી લાગૂ કરવાની ભલામણ કરવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યું કે અમે કારોબારને પ્રોત્સાહન આપવા અને ટેક્સ આપનારને રાહત પહોંચાડવા માટે ઘણા નિર્ણયો લીધા છે.

આધારથી લાગશે ફેક ટેક્સ ક્રેડિટ લેવા પર લગામ
નાણામંત્રીએ જણાવ્યું કે બધા પ્રકારના સ્પ્રિંકલર્સ પર પણ 12 ટકા જીએસટી લગાવવાની ચર્ચા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે પેપર કાર્ટન બોક્સ અને સ્પ્રિંક્લર પર જીએસટી ઘટાડવાથી હિમાચલ અને જમ્મુ તથા કાશ્મીરના સફરજન ઉત્પાદકોને ખાસ લાભ મળશે. આ સિવાય દેશભરમાં આધાર આધારિત બાયોમેટ્રિક ઓળખ નક્કી કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. તેનાથી નકલી ઇનવોઇસ દ્વારા ખોટા ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાની ઘટનાઓ પર લગામ લાગશે.

જીએસટી અપીલેટ ટ્રિબ્યૂનલ માટે મોનેટ્રી લિમિટ 20 લાખ રૂપિયા

આ સાથે જીએસટી કાઉન્સિલની બેઠક દરમિયાન કેસ ઓછા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે હેઠળ હવે જીએસટી અપીલેટ ટ્રિબ્યૂનલ માટે મોનેટ્રી લિમિટ વધારી 20 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. હાઈકોર્ટ માટે આ રકમ 1 કરોડ રૂપિયા અને સુપ્રીમ કોર્ટ માટે 2 કરોડ રૂપિયા હશે.

બેટરીથી ચાલતા વાહનો અને રેલ્વેની ઇન્ટ્રા રેલવે સેવાઓ પર પણ ટેક્સમાં છૂટ આપવામાં આવી છે. આ બેઠકમાં ગોવા અને મેઘાલયના મુખ્યમંત્રીઓ, બિહાર, હરિયાણા, મધ્યપ્રદેશ અને ઓડિશાના નાયબ મુખ્યમંત્રીઓ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણા મંત્રીઓ (વિધાનમંડળ સહિત) અને કેન્દ્ર સરકાર અને રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી.


































