મોરબી જિલ્લાના હળવદમાં ગઇકાલે સુરેન્દ્રનગરના સાંસદનો અભિવાદન સમારોહ યોજાયો હતો ત્યારે બ્રાહ્મણી ડેમ-2 માથી સિંચાઇ માટેનું પાણી મેળવતા 10 ગામના સરપંચો, આગેવાનો અને ખેડૂતો ત્યાં આવ્યા હતા અને કાર્યક્રમ પહેલા જ ખેડુતોએ પિયતના પાણી મુદ્દે સાંસદને ઘેરી લીધા હતા. અને જો બે દિવસમાં તેઓને કેનાલ મારફતે સિંચાઇ માટેનું પાણી ન મળે તો તેનો વાવણી કરેલ પાક અને મહેનત નિષ્ફળ જશે તેનો આક્રોશ ખેડૂતોએ વ્યક્ત કર્યો હતો.
ગઇકાલે હળવદમાં સાંસદના અભિવાદન સમારોહ પહેલા સાંસદ ચંદુભાઈ સિહોરાને પાણી માટે જુદાજુદા 10 ગામના ખેડૂતો રજૂઆત કરવા માટે આવ્યા હતા ત્યારે સાંસદની સાથે હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા પણ ત્યાં હાજર હતા અને ખેડૂતોએ તેના ખેતરોમાં આગોતરું વાવેતર ઉનાળુ પાક લેવા માટે કરી નાખ્યું છે ત્યારે આ ખેડૂતોને જો હાલમાં સિંચાઇ માટેનું પાણી ન મળે તો તેનો પાક અને મહેનત બને નિષ્ફળ જાય તેવી શક્યતા છે જેથી કરીને ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાંથી સિંચાઇ માટેનું નર્મદાનું પાણી મેળવતા ખેડૂતોએ સાંસદને કેનાલમાંથી સિંચાઇ માટેનું પાણી આપવામાં આવે તેવી માંગ કરી છે
વધુમાં ખેડૂતોએ જણાવ્યુ હતુ કે, હાલમાં ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાં પાણી છોડવામાં આવેલ છે જેથી કરીને હાલમાં બ્રાહ્મણી ડેમ-2 સુધી પાણી આવેલ છે ત્યારે જો ડેમમાંથી ભરતનગર ગામ તરફ જતી કેનાલનો દરવાજો ખોલીને પાણી તેમાં છોડવામાં આવે તો હળવદ તાલુકાનાં સુસવાવ, ઈશ્વરનગર, દેવળીયા,ધનાળા, મયુરનગર, ધુળકોટ સહિતના 10 ગામના ખેડૂતોને સીંચાઈના પાણીનો લાભ મળે તેવી શક્યતા છે આટલું જ નહીં પરંતુ જો ભરતનગર ગામ સુધી પાણી કેનાલમાં પહોચે તો કુલ મળીને 21 ગામોને પાણીનો લાભ મળી શકે છે જો કે, કેનાલની બાજુમાં પથરવામાં આવેલ પાઇપ લાઇનમાં હાલમાં પાણી આપવામાં આવે જ છે જામનગર તરફ રિલાઇન્સમાં મોકલાવવામાં આવે છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે અને જો આજ કે કાલ સુધીમાં ખેડૂતોને કેનાલમાંથી સિંચાઇ માટેનું પાણી ન મળે તો પછી ખેડૂતોને તેના ખેતરમાં વાવણી કરેલ પાકને બચાવવા અશક્ય બની જશે.