નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓને વધુ કર મુકિત મળવાની સંભાવના: કર સ્લેબ સીમાને ત્રણ લાખથી વધારીને પાંચ લાખ કરી શકાય છે: લોકો પાસે પૈસા વધશે તો ખરીદી વધશે અને અર્થતંત્રમાં ગતિ આવશે

કેન્દ્ર સરકાર જુલાઈ મહિનામાં નાણાંકીય વર્ષ 2024-25 માટે પૂર્ણ બજેટ રજુ કરવાની તૈયારી કરી રહી છે. માનવામાં આવે છે કે તેમાં કરદાતાઓને મોટી રાહત આપવામાં આવી શકે છે. આ વખતે બજેટમાં આવક વેરાની મુકિતની સીમા વધારવામાં આવી શકે છે. આ ફેરફાર નવી કર વ્યવસ્થા અંતર્ગત થઈ શકે છે.

વિશેષજ્ઞોનું કહેવુ છે કે, સરકારે ઈચ્છે છે કે વધુ લોકો નવી કર વ્યવસ્થા પસંદ કરે તેને વધુ આકર્ષક બનાવવા માટે પગલા લેવામાં આવી શકે છે. હાલમાં નવી કર વ્યવસ્થા ત્રણ લાખથી વધુની આવક પર પાંચ ટકા કર લાગે છે.

માનવામાં આવે છે કે આ સ્લેબમાં કર મુકિતની સીમાને ત્રણ લાખથી વધારીને પાંચ લાખ રૂપિયા સુધી કરવામાં આવી શકે છે.જયારે વાર્ષિક 15 લાખથી વધુની કમાણી પર 30 ટકા કરની જોગવાઈ છે. આ આવક સીમાને વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે.

લોકો પાસે વધુ પૈસા બચશે
સરકારના આ પગલાથી તેમની કર જવાબદારી 10,400 રૂપિયા સુધીની થઈ જશે.વાર્ષિક કમાણી 7.6 લાખ રૂપિયાથી 50 લાખ રૂપિયાની સીમામાં આવે છે. જયારે 5.0 લાખથી એક કરોડ રૂપિયાનાં ટેકસ સ્લેબમાં આવતા લોકોએ 11400 રૂપિયા ઓછો ટેકસ ચુકવવો પડશે.

આ માટે રાહતની સંભાવના
વિશેષજ્ઞોનું માનવુ છે કે ભારતીય અર્થ વ્યવસ્થા ઘટતા વપરાશની સમસ્યાનો સામનો કરી રહી છે એનો સામનો કરવા માટે નીતિનાં ઘડવૈયાઓ આવકવેરા માળખાને તર્કસંગત બનાવવાનાં પક્ષમાં છે. ખાસ કરીને નિમ્ન આવક ધરાવતા વર્ગ માટે કરકપાતથી વ્યકિતઓની આવકમાં વધારો થશે જેમ જેમ આવક વધશે તેમ લોકો વધુ ખર્ચ કરશે.

હાલમાં થયેલા સર્વે અનુસાર લોકોએ મોંઘવારી બેરોજગારી અને ઓછી થતી આવકને લઈને ચિંતા વ્યકત કરી હતી જયારે ભારતીય અર્થ વ્યવસ્થા 2023-24 માં 8.2 ટકાના દરથી વધી છે.જયારે બીજી બાજુ વપરાશમાં એથી પણ અડધી ગતિએ વધારો થયો છે.

































