પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો અને ભારત સરકારની પ્રાદેશિક કચેરીના વડા તરીકે એડિશનલ ડાયરેક્ટર જનરલનો પદભાર સંભાળતા હતાં
પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોના વરિષ્ઠ અધિકારી ડો. ધીરજ કાકડિયાને પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સેક્રેટરી તરીકે નિયુક્ત કરાયા છે. ડો. ધીરજ કાકડિયા પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો અને ભારત સરકારની પ્રાદેશિક કચેરીના વડા તરીકે એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકેનો પદભાર સંભાળ્યા બાદ હવે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સેક્રેટરી તરીકે તેમને પદભાર સંભાળી લીધો છે.

ગુજરાત સરકારમાં મનોરંજન કર કમિશનર તરીકે તેઓ અગાઉ ફરજ બજાવી ચૂકેલા અને ડો. ધીરજ કાકડિયા સારા લેખક પણ છે. તેમના દ્વારા લિખિત ‘મહાત્મા : અ ગ્રેટ કોમ્યુનિકેટર’ પુસ્તક પ્રકાશિત થયું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, આ પુસ્તકની પ્રસ્તાવના ભારત રત્ન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામ દ્વારા લખવામાં આવી હતી.

વર્ષ ૧૯૯૧ માં અમદાવાદની એલડી એન્જિનિયરીંગ કોલેજમાંથી બીઈ-ઈલેક્ટ્રોનિક કર્યા પછી એલએલબી, એમ.બી.એ. અને પીએચડીની પદવી પણ મેળવી હતી. તેઓ વર્ષ-૧૯૯૩ ની બેન્ચના આઈ.આઈ.એસ. અધિકારી છે. ગ્રામીણ વિકાસ વિભાગમાં સ્પેશિયલ કમિશનર તથા રાજય ગ્રામ વિકાસ સંસ્થામાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે પણ તેમણે રાજ્ય સરકારમાં સેવા આપી છે. એક દસકા સુધી દૂરદર્શન કેન્દ્ર અમદાવાદમાં સમાચાર વિભાગના ડાયરેક્ટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.






















































