પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જૂને વારાણસીમાં એક કાર્યક્રમમાં પીએમ-કિસાન યોજનાનો (Samman Nidhi Yojana) 17મા હપ્તા તરીકે 20 હજાર કરોડ રૂપિયાથી વધારેની રકમ ટ્રાંસફર કરશે. તેનાથી દેશભરના 9.26 કરોડ ખેડૂતોને લાભ મળશે. આ જાણકારી શનિવારે કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આપી છે.

ચૌહાણે કહ્યું કે, ભારત સરકારે આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં આખા દેશમાં 11 કરોડથી વધારે ખેડૂતોને 3.04 લાખ કરોડ રૂપિયાથી વધારે આપ્યા છે. 18 જૂને જાહેર થનારી રકમ સાથે યોજનાની શરુઆતથી લાભાર્થીઓને આપવામાં આવેલી કુલ રકમ 3.24 લાખ કરોડથી વધારે થઈ જાય છે.

ચૌહાણે કહ્યું કે, પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કર્યા બાદ પીએમ મોદી કૃષિ સખી તરીકે નામિત 30 હજારથી વધારે સ્વયં સહાય જૂથને સર્ટિફિકેટ પણ આપશે.

પીએમ મોદીએ 10 જૂને પીએમ કિસાન નિધિનો 17મો હપ્તો જાહેર કરવાની જાહેરાત સાથે પોતાના ત્રીજા કાર્યકાળની શરુઆત કરી હતી. ફેબ્રુઆરી 2019માં શરુ થયેલી આ યોજના ખેડૂતોના બેન્ક ખાતામાં વર્ષમાં બે હજાર રુપિયાના ત્રણ હપ્તા સ્વરુપે છ હજાર રુપિયા ઓનલાઈન ટ્રાંસફર કરવામાં આવે છે.

મંત્રીએ આગળ કહ્યું કે, દેશભરમાં લગભગ 2.5 કરોડ ખેડૂત વીડિયો દ્વારાઆ કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઉપરાંત 732 કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, એક લાખથી વધારે પ્રાથમિક કૃષિ સહકારી ખેડૂતોની વચ્ચે જાગૃતિ વધારવા માટે દેશભરમાંથી કૃષિ વિજ્ઞાન સમિતિઓ અને 5 લાખ કોમન સર્વિસ સેન્ટર પણ આ કાર્યક્રમમાં જોડાશે.




















































