ત્રાસવાદીઓને ટેકો આપનારાને પણ છોડતા નહીં: ચાર દિવસમાં ચાર હુમલા થયા: ધર્મસ્થળો પર નજર: ઉચ્ચ કક્ષાની બેઠક યોજતા અમિત શાહ
જમ્મુ-કાશ્મીરમાંથી કોઇપણ ભોગે આતંકવાદને ખત્મ કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હુંકાર કર્યો છે. આની સાથે સાથે તેમણે આગામી અમરનાથ યાત્રાની સુરક્ષા પણ સુનિશ્ર્ચિત કરવા તાકિદ કરી છે. રાજધાની દિલ્હીમાં ટોચના અધિકારીઓ સાથે ચાલેલી આશરે 7 કલાકની મેરેથોન મીટીંગમાં અમિત શાહે રાજ્યમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલાની ગંભીર નોંધ લીધી હતી અને સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આદેશ જારી કર્યો છે.

અમિત શાહે સુરક્ષા દળોને કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરના જમ્મુ ક્ષેત્રમાં ઉભરી રહેલા આતંકવાદને કચડી નાખવા અને કાશ્મીર ખીણમાં ફરી સક્રિય થઇ રહેલી આતંકવાદી ગતિવિધિઓને કચડી નાખવા સૂચના આપી છે.

ગૃહમંત્રી અમિત શાહે રવિવારે નવી દિલ્હીમાં એક હાઇલેવલની બેઠક યોજી હતી. જેમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિને લઇને સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજસિંહા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહાકર અજીત દોવાલ, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે, નવનિયુક્ત સેના પ્રમુખ લેફટેનન્ટ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી, આઇબીના ડાયરેક્ટર તપન ડેકા, જમ્મુ-કાશ્મીરના ચીફ સેક્રેટરી અટલ ડુલ્લુ, સીઆરપીએફના ડીજી અનીશ દયાલસિંહ, જમ્મુ-કાશ્મીરના ડીજીપી આર.આર. સ્વૈન અને ડીજીપી (કાયદો-વ્યવસ્થા) વિજયકુમાર તથા સૈન્ય જાસૂસી એજન્સીના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ બેઠક દરમિયાન અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં વર્તમાન કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે, ગૃહમંત્રીએ આતંકવાદને સમર્થન કરનાર લોકોની સામે આકરી કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. આ સાથે ગૃહમંત્રીએ નેશનલ હાઇવે, સંવેદનશીલ પ્રતિષ્ઠાનો અને સંવેદનશીલ સ્થળો પર 24 કલાક દેખરેખ રાખવા પણ કહ્યું છે.

અમિત શાહે આતંકવાદ અને આતંકવાદીઓને ટેકો આપી રહેલા અસામાજિક તત્વો પર પ્રહાર કરવા માટે કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટીતંત્રને દરેક પ્રકારના સંશાધન ઉપલબ્ધ કરાવવા માટે ભરોસો આપ્યો છે.

અહીંયા નોંધવું રહ્યું કે, આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ પ્રકારની બેઠક યોજી હતી. જેમાં તેમણે સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી આતંકવાદને દૂર કરવા પગલું લેવા સૂચના જારી કરી હતી.

આતંકવાદીઓએ છેલ્લા ચાર દિવસોમાં જમ્મુ કાશ્મીરના સ્યિાસી, કથુઆ અને ડોડા જિલ્લામાં ચાર સ્થળોએ હુમલો કર્યો છે. જેમાં નવ તીર્થયાત્રીઓ અને સીઆરપીએફના એક જવાનનું મોત થયું તથા સાત સુરક્ષા કર્મી સહિત અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે.

કથુઆ જિલ્લામાં સુરક્ષા દળોની સાથેની જૂથ અથડામણમાં શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદી પણ માર્યો ગયો હતો. આ આતંકવાદી પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારુગોળો મળી આવ્યો હતો. આ ઘટના દક્ષિણ કાશ્મીર હિમાલયમાં અમરનાથ ગુફા મંદિરની વાર્ષિક તીર્થયાત્રા પહેલા બની છે.

અમરનાથ યાત્રા 29 જૂનથી શરુ થવાની છે અને 7 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. અમનાથ યાત્રા માટે તીર્થયાત્રીઓ જમ્મુ-કાશ્મીરમાં બે માર્ગ બલતાલ અને પહેલગામથી યાત્રા કરી શકે છે.
















































