બાંધકામ મંજૂરી માટે અરજી કરી છે: જુની દિવાલ પર ચણતર કરતા હોવાની પત્રકાર પરિષદમાં કબૂલાત: લોકોના હિત માટે બધું કરીશું: વિવાદ વચ્ચે ખુલાસા
મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બની રહેલા સ્વામિનારાયણ મંદિરના બાંધકામ અને ત્યાં બનાવવામાં આવેલ દિવાલને લઈને પ્રશ્ર્નો ઉભા થયા હતા જે બાબતે ખુલાસો કરવા માટે ગઇકાલે સંસ્થા દ્વારા મંદિરના પટાંગણમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થા વતી હરિભક્તે માહિતી આપતા જણાવ્યું હતું કે જે બાંધકામ ચાલી રહ્યું છે.

તેના માટે તંત્ર પાસે ગત એપ્રિલ માસમાં મંજૂરી માંગવા માટે એપ્લિકેશન કરવામાં આવેલ છે અને જે દીવાલને લઈને પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા છે તે દિવાલ નવી બનાવવામાં આવી નથી જે જૂની દીવાલ હતી તેના ઉપર જ ક્ધસ્ટ્રક્શન કરવામાં આવ્યું છે તેમ છતાં પણ જો લોકોના હિત માટે તંત્ર તરફથી તે દિવાલ હટાવવા માટેની સૂચના આપવામાં આવશે તો સંસ્થા તે દિવાલ હટાવવા માટે થઈને તૈયાર છે.

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ભવ્ય મંદિર બનાવવા માટેની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે દરમિયાન મંદિરના બાંધકામ અને મંદિર પાસે મચ્છુ નદીના કાંઠે બનાવવામાં આવેલ દિવાલને લઈને પ્રશ્ર્નો ઊભા થયા હતા અને તેને લઈને કલેક્ટર સુધી અરજીઓ કરવામાં આવી હતી જેની તપાસ હાલમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.


મંદિર પટાંગણમાં સંસ્થા દ્વારા જાહેર હિતમાં માહિતી પહોંચાડવા માટે થઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થા વતી સંસ્થા સાથે જોડાયેલા ભરતભાઈ બોપલિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં મંદિરનું તેમજ મંદિર પરિસરમાં જે બાંધકામ કરવામાં આવી રહ્યું છે તે સંસ્થાની માલિકીની જ જમીન છે અને તેના બાંધકામની પરવાનગી લેવા માટે ગત તા. 15/4/2024 ના રોજ એપ્લિકેશન કરવામાં આવેલ છે જોકે ટેકનિકલ કારણોસર તે અરજી પેન્ડિંગ છે અને જે દીવાલને લઈને વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે તે દિવાલ નવી બનાવવામાં આવી નથી જેથી કરીને તેની મંજૂરી લેવાનો કોઈ પ્રશ્ર્ન ઊભો થતો જ નથી.

વર્ષો પહેલા રાજાશાહીના વખતમાં મચ્છુ નદીમાં જે દિવાલ હતી તેના ઉપર જ બાંધકામ કરીને દીવાલને ઊંચી બનાવવામાં આવેલ છે તેમ છતાં પણ જો મોરબીના લોકોના હિતને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા જે કોઈપણ નિર્ણય લેવામાં આવશે તેને સંસ્થા અનુસરસે અને જો આ દિવાલને તોડી પાડવા માટેની સૂચના આપવામાં આવશે તો દિવાલ તોડી પાડવા માટે પણ સંસ્થા તૈયાર છે કેમ કે, આ મંદિર લોકોના હિત અને સુખ-શાંતિ માટે બનાવવામાં આવી રહ્યું છે ત્યારે વહીવટી તંત્ર અને કાયદાની સાથે રહીને સંસ્થા દ્વારા કામગીરી કરવામાં આવશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી.



















































