કલેકટર તંત્રએ અડધો ડઝન મેદાન ચકાસ્યા પણ મેળ પડતો નથી, નવી જઘઙના કારણે મેળો યોજવો કે કેમ ? સરકાર પાસે મગાયું માર્ગદર્શન
રાજકોટમાં દર વર્ષે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં સૌરાષ્ટ્રભરમાંથી લાખો લોકો આ મેળાનો લાભ લે છે ત્યારે રેસકોર્ષનું ગ્રાઉન્ડ લોક મેળા માટે નાનુ પડતું હોય તેમ ટ્રાફીકની સમસ્યા પણ સર્જાતી હોય આ વખતે લોક મેળાનું સ્થળ બદલાવવા માટેનો વિચાર આવ્યો હતો અને તેના માટે રાજકોટ શહેરની આજુબાજુનાં વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો હતો.

પરંતુ અડધો ડઝન ગ્રાઉન્ડની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં લોકમેળાનું આયોજન કરતી વખતે ખર્ચ વધી રહ્યો છે. જેને ધ્યાને લઈને આ વર્ષે પણ લોકમેળાનું આયોજન રેસકોર્ષમાં જ યોજાઈ તેવા નિર્દેશો મળી રહ્યાં છે. બીજી બાજુ નવી એસઓપીને ધ્યાને રાખીને લોકમેળો યોજવો કે કેમ ? તે અંગે રાજ્ય સરકારનું માર્ગદર્શન માંગવામાં આવ્યું છે.


શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો છે ત્યારે રાજકોટમાં યોજાતા સૌરાષ્ટ્રનાં સુપ્રસિધ્ધ લોક મેળાની અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટનાં કલેકટર દ્વારા દર વર્ષે આ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. વર્ષોથી લોકમેળો રેસકોર્ષ ગ્રાઉન્ડમાં યોજાય છે અને તેમાં સૌરાષ્ટ્ર ભરમાંથી 15 લાખથી વધુ લોકો લાભ લે છે.

દર વર્ષે યોજાતા રાજકોટનાં લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો આવતાં હોય જેના કારણે રેસકોર્ષ ગ્રાઉન્ડ હવે નાનુ પડી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ રેસકોર્ષ ગ્રાઉન્ડ શહેરની મધ્યમાં આવતું હોય જેના કારણે ટ્રાફીકના પણ મોટા પ્રશ્ર્નો સર્જાય છે. જેને ધ્યાને લઈને આ વર્ષે લોક મેળો રાજકોટ શહેરની બહાર લઈ જવાનો એક વિચાર રજુ થયો હતો.

જેના પગલે કલેકટરે મેળા માટે નવું મેદાન શોધવા પ્રાંત અધિકારી અને મામલતદારોને જવાબદારી સોંપી હતી.
પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા અટલ સરોવર, કણકોટ નજીક આવેલ ગર્વમેન્ટ એન્જીનિયરીંગ કોલેજ સહિતના અડધો ડઝન સ્થળોએ ખુલ્લા મેદાનની ચકાસણી કરી હતી પરંતુ આ તમામ સરકારી જગ્યાઓ ખાડા ટેકરા વાળી હોય જેના પર હાલના સંજોગોમાં મેળાનું આયોજન થઈ શકે તેમ નથી. એટલું જ નહીં પરંતુ આ અડધો ડઝન સરકારી જગ્યાઓને લેવલ કરવા માટે પણ કરોડોનો ખર્ચ કરવો પડે તેમ છે. જે હાલ લોકમેળા સમિતિને પરવડે તેમ ન હોય આ વર્ષે પણ લોકમેળો રેસકોર્ષના મેદાનમાં જ યોજાય તેવા સંકેતો મળી રહ્યાં છે.

બીજી બાજુ ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે ફાયર એનઓસી માટે નવી એસઓપી જાહેર કરી છે ત્યારે આ વર્ષે રાજકોટમાં લોકમેળો યોજવો કે કેમ ? તે અંગે પણ જિલ્લા કલેકટરે રાજ્ય સરકાર પાસે માર્ગદર્શન માગ્યું છે. રાજ્ય સરકારના નિર્ણય બાદ લોકમેળાનું આયોજન કરવું કે કેમ ? તે અંગેનો નિર્ણય લેવામાં આવશે તેમ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.


















































