ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. શેરડીના પાક સારા રહેવાના અંદાજની સાથે ખાંડના લઘુત્તમ ટેકાના ભાવ વધવાની શક્યતા છે. કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીને નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, સરકાર ઓક્ટોબરમાં શરૂ થનારી ખાંડની આગામી સિઝન માટે ખાંડના લઘુત્તમ ટેકાના ભાવ વધારવા પર વિચારણા કરી રહી છે.

ઉલ્લેખનીય છે, 2019થી, ખાંડના લઘુત્તમ ટેકાના ભાવ રૂ. 31 પ્રતિ કિલો પર યથાવત છે. સુગર ઈન્ડસ્ટ્રીએ ખાંડના લઘુત્તમ ટેકાના ભાવ વધારી રૂ। 40-41 પ્રતિ કિગ્રા કરવાની લાંબા સમયથી માંગ કરી રહી છે. મીડિયા અહેવાલ મુજબ, ઓલ ઈન્ડિયા સુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના ડિરેક્ટર જનરલ દીપક બલ્લાનીએ જણાવ્યું હતું કે જ્યારે વાજબી અને વળતરયુક્ત ભાવ (FRP) વધે, ત્યારે ખાંડના લઘુત્તમ ટેકાના ભાવ પણ વધવા જોઈએ.

આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ખાંડની સિઝન 2024-25 (ઓક્ટો-સપ્ટે) માટે શેરડીની FRPમાં રેકોર્ડ 7.4% અથવા રૂ. 25 વધારી રૂ. 340 પ્રતિ 100 કિગ્રા કરવા 10.25%ના બેઝલાઇન રિકવરી રેટને મંજૂરી આપી હતી.





















































