એટીએમ સંગઠને ઇન્ટર ચેન્જ ચાર્જ વધારી દેવા રીઝર્વ બેંક સમક્ષ માંગણી મૂકી : વહેલી તકે વધારો આપવા દબાણ
કેન્દ્રમાં નવી સરકારના ગઠન બાદ નવા નવા ઝાટકા લાગી રહ્યા હોય તેમ હવે એટીએમમાંથી નાણા ઉપાડવાનું મોંઘુ થઇ શકે છે. દેશના એટીએમ ઓપરેટરોએ ઇન્ટર ચેન્જ ફી ન્યુનતમ રૂા. 23 કરી દેવાની માંગણી રીઝર્વ બેંક તથા પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સમક્ષ કરી છે.

કન્ફેરેડરેશન ઓફ એટીએમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રીઝર્વ બેંક તથા નેશનલ પેમેન્ટ કોર્પોરેશનને કરાયેલી રજુઆતમાં એમ જણાવવામાં આવ્યું છે કે, ઇન્ટર ચેન્જ રેટ બે વર્ષ પૂર્વે વધારવામાં આવ્યો હતો. સંગઠન દ્વારા રૂા. 21નો રેટ માંગવામાં આવ્યો છે. ત્યારે કેટલાક એટીએમ ઉત્પાદકોએ તે રૂા. 23 કરવાની માંગણી કરી છે. બે સાલ પૂર્વે ઘણા વર્ષો બાદ ફી વધારો થયો હતો.

હવે વહેલી તકે તેમાં વધારો કરી દેવાની માંગ કરવામાં આવી છે. 2021માં એટીએમમાંથી નાણા ઉપાડવા માટેનો ઇન્ટર ચેન્જ ચાર્જ રૂા.15થી વધારીને રૂા.17 કરી દેવામાં આવ્યો હતો. સુત્રોના કહેવા પ્રમાણે ઇન્ટર ચેન્જ રેટ વધારવા માટે જબરદસ્ત લોબીંગ કરવામાં આવી રહ્યું છે. બેંકો પણ આ માટે સંમત થઇ છે.


આ રેટ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન દ્વારા નકકી કરવામાં આવતો હોય છે. હાલમાં બેંગ્લોર, ચેન્નાઇ, હૈદરાબાદ, કલકતા, મુંબઇ અને નવી દિલ્હીમાં બેંકો બચત ખાતા ધારકોને પાંચ એટીએમ વ્યવહાર મફત આપે છે અને અન્ય બેંકોના એટીએમનો ઉપયોગ કરવાનો ત્રણ વ્યવહારોની છુટ છે.




















































