Sunday, July 14, 2024
HomeFeatureમોદીનો સ્પષ્ટ સંકેત! ગઠબંધન જરૂરી પણ મજબૂરી નહીં, ભાજપે તમામ સમીકરણો ખોટા...

મોદીનો સ્પષ્ટ સંકેત! ગઠબંધન જરૂરી પણ મજબૂરી નહીં, ભાજપે તમામ સમીકરણો ખોટા પાડ્યા

નરેન્દ્ર મોદીએ દેશના પ્રધાનમંત્રી તરીકે સતત ત્રીજી વખત શપથ લીધા બાદ તરત જ મંત્રી મંડળની ઘોષણા કરી દીધી છે. ત્યારે જે રીતે મંત્રીઓને ખાતા સોંપાયા છે, તેના પરથી સ્પષ્ટ થઈ રહ્યુ છે કે અત્યારની સરકાર ભલે ગઠબંધનની બની હોય, પરંતુ પ્રધાનમંત્રી મોદી માટે આ ગઠબંધન મજબૂરી બની શક્યું નથી. અમે આવું કેમ કહી રહ્યા છીએ, જાણવા ચાલો જોઈએ આ રિપોર્ટ…

દેશમાં સતત ત્રીજીવાર મોદી સરકાર

જીહા, મોદી 3.Oમાં ભલે આ વખતે દેશમાં ગઠબંધનની મોદી સરકાર બની હોય,  પરંતુ PM મોદી માટે આ ગઠબંધન મજબૂરી બની શક્યું નથી. વર્ષ 2014થી 2024 વચ્ચે મોદી સરકારે પૂર્ણ બહુમતી માટે સરકાર બનાવી હતી. પરંતુ આ વખતે મોદી સરકારની પોતાના સાથી પક્ષોનો સહારો લઈને કેન્દ્રમાં સરકાર બનાવી પડી છે. લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદથી જ ચર્ચાઓએ જોર પકડયુ હતુ કે મોદી 3.Oમાં ગઠબંધન PM મોદી માટે માથાનો દુખાવો બનશે. સાથી પક્ષો સરકારને સમર્થન આપવાના બદલામાં પોતાની મોટી માંગણીઓ પૂરી કરાવશે. પરંતુ જેવા દેશના PM તરીકે શપથ લીધા અને મંત્રી મંડળની વહેંચવણી કરી તે તરંત જ આ તમામ સવાલો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટીમની વાત કરીએ તો, મોદી 3.Oની સરકારમાં

રક્ષા મંત્રાલય ફરી રાજનાથસિંહને સોંપાયું છે. તો એવી જ રીતે ગૃહ અને સહકાર મંત્રાલય અમિત શાહ સંભાળશે જ્યારે વિદેશ મંત્રાલય એસ.જયશંકર અને નાણા મંત્રાલયની કમાન ફરી નિર્મલા સીતારમણને જ સોંપવામાં આવી છે.  આ સાથે જ પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રીય હિત અને સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ પર નિર્ણય લેનારા CCSના મંત્રાલયોને પણ પોતાની પાસે જ રાખ્યા છે. એટલે કે પ્રધાનમંત્રી મોદીએ પોતાની વિશ્વાસપાત્ર કોર કમિટીને જ જૂના મંત્રાલયો સોંપ્યા છે. જે સ્પષ્ટ કરે છે કે મોદી સરકારે ભલે 3.Oમાં સાથી પક્ષા સાથે ગઠબંધન કર્યુ હોય, પરંતુ આ ગઠબંધન તેમના માટે ક્યારેય મજબૂરી નહીં બને.

1. સાથી પક્ષોઓ સામે નહીં ઝૂકે BJP

2014 અને 2019માં પૂર્ણ બહુમત સાથે લોકસભા ચૂંટણી જીતનારી BJPને આ વખતની લોકસભા ચૂંટણી બાદ પોતાના સાથી પક્ષો મળીને ગઠબંધનની સરકાર બનાવી પડી છે. ચૂંટણી પરિણામો બાદ કિંગમેકર બનીને આગળ આવેલી ચંદ્રબાબુ નાયડુની આગેવાની વાળી TDP અને નીતીશ કુમારની જનતા દળ યુનાઈટેડની મંત્રી મંડળ માટે પોતાની અલગ અલગ માંગ હતી. બંને પક્ષ પોતાનું મનપસંદ મંત્રીમંડળ ઈચ્છી રહ્યા હતા. જેમાં ચંદ્રબાબુ નાયડુની પાર્ટીને સડક અને પરિવહન જોઈતું હતુ. તો નીતીશ કુમારની JDUને રેલ મંત્રાલય જોઈતું હતું. પરંતુ આવું થયું નહીં અને ભાજપે આ તમામ મંત્રાલય પોતાની પાસે જ રાખ્યા છે. આવું કરવા પાછળ પણ મોદી સરકારની રણનીતિ એજ છે કે જૂની સરકારમાં જે રેલવે અને રસ્તાના કામમાં સુધાર થયા છે તેની ગતિ ધીમી ન પડે એટલે જ PM મોદીએ આ મંત્રાલય પોતાના જ વિશ્વાસુ મંત્રીઓને આપ્યા છે. 

2. ધીમી નહીં પડે વિકાસની ગતિ

માત્ર રેલવે અને રોડ-પરિવહન જ નહીં શિક્ષણ અને કાયદા મંત્રાલય પણ મોદીએ પોતાની પાસે રાખીને તેમના જૂના મંત્રીઓને જ આ મંત્રાલયની જવાબદારી સોંપી છે. જે સ્પષ્ટ કરે છે મોદી સરકારના પહેલા અને બીજા કાર્યકાળમાં જે કામો થયા છે, તે ધીમા નહીં પડે, અને જે ગતિએ વિકાસ થઈ રહ્યો હતો, એજ ગતિએ ત્રીજા કાર્યકાળમાં દેશનો વિકાસ થશે. ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષામંત્રી બનાવવાના હોય કે પછી અર્જૂનરામ મેઘવાલને કાનૂન મંત્રી બનાવવાના હોય, એ સ્પષ્ટ એ તરફ ઈશારો કરે છે કે દેશમાં 2024થી જ નવી શિક્ષણ નીતિ લાગૂ થઈ શકે છે, સાથે જ બીજા કાર્યકાળમાં બનેલો નવો અપરાધિક કાયદો પણ 1 જૂલાઈથી જ લાગૂ થઈ જશે.

3. રિસ્ક ફ્રી રહી મોદી સરકાર

ભાજપ અને PM મોદીની ઈમેજ નવાજૂની કરવાવાળી છે. 2014 પછી 2019માં મોદી સરકાર બની ત્યારે PM મોદીની આ ઈમેજ જોવા મળી હતી. જેમાં 2014માં ગૃહમંત્રી રહેલા રાજનાથસિંહને રક્ષા મંત્રાલય સોંપી દેવાયું, તો રક્ષામંત્રી રહેલા નિર્મલા સીતારમણને નાણા મંત્રી બનાવી દેવાયા. બીજી તરફ અમિત શાહને કેબિનેટમાં સામેલ કરીને ગૃહમંત્રાલયની જવાબદારી સોંપી દેવાઈ હતી. ત્યારે આ વખતે પણ લોકોને એવું લાગતુ હતું કે PM મોદી પોતાના મંત્રીમંડળમાં કઈક નવાજૂની કરશે. પરંતુ એવું થયુ નહીં. માત્ર નાણા, રક્ષા અને ગૃહ મંત્રાલય જ નહીં આ સિવાય અનેક મંત્રીઓને પણ PM મોદીએ જૂના જ ખાતા સોંપી દીધા છે. PM મોદીના આ નિર્ણય પરથી એ સ્પષ્ટ થાય છે કે દેશના વિકાસની ગતિ સાથે PM મોદી બાંધછોડ કરવા માગતા ન હતા. એટલે જ તેમણે નવા ચહેરાઓને ન અજમાવીને રિસ્ક ફ્રી સરકાર બનાવી લીધી છે.

4. ગઠબંધન જરૂરી, પણ મજબૂરી નહીં

લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થયા બાદથી જ JDU અને TDP પોતાના મનપસંદ મંત્રાલય મેળવવા માટે ઉછળ કૂદ કરવા લાગ્યા હતા. એટલું જ નહીં BJP પર દબાણ પણ ઉભુ કરવા લાગ્યા હતા. બંને પાર્ટીઓ CCS સાથે સંબંધિત મંત્રાલય માંગી રહી હતી. પરંતુ આવું કઈ થયું નહીં. કેમ કે CCS સંબંધિત મંત્રાલયો તો ઠીક રેલ, કૃષિ, રોડ-પરિવહન, શિક્ષણ અને કાનૂન સહિતના મહત્વપૂર્ણ મંત્રાલયો પણ BJP પોતાની પાસે જ રાખ્યા છે. આવું કરીને BJPએ ગઠબંધન કરનારા સાથી પક્ષોને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ગઠબંધન ભલે કર્યું, પણ મજબૂરીમાં તો ક્યારેય કામ નહીં કરીએ.

પ્રધાનમંત્રી મોદી સતત કહેતા આવ્યા છે કે તેમના ત્રીજા કાર્યકાળમાં મોટા નિર્ણયો થવાના છે. છેલ્લા 10 વર્ષના કામ તો માત્ર ટ્રેલર હતું. મોદી સરકારના બીજા કાર્યકાળમાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવી અને નાગરિકતા અધિનિયમ લાગૂ કરવો એ સૌથી મોટા નિર્ણયોમાંના એક હતા. ત્યારે હવે ત્રીજા કાળમાં મોદી સરકારના મોટા નિર્ણયોની વાત કરીએ તો દેશમાં એક સમાન કાયદો એટલે UCC, તો એક દેશ અને એક ચૂંટણી આ બે મોટા નિર્ણયો છે. જેમાં મોદી સરકાર પોતાના ત્રીજા કાર્યકાળમાં લઈ શકે છે. ત્યારે આ નિર્ણયો કરવા માટે મોદી સરકારે સાથી પક્ષો પર વધુ નિર્ભર ન રહેવું પડે તે માટે જ દેશના મહત્વના મંત્રાલયો પોતાની પાસે રાખીને મોટો રાજકીય દાવ ખેલ્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!