પાપાજી ફન વર્લ્ડનાં ગેમઝોનમાં નિયમ મુજબનાં કોઇ સાધનો નહતા
મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ પાપાજી ફન વર્લ્ડમાં ગેમ ઝોન ચલાવતા સંચાલક દ્વારા લોકોની સલામતી માટેના નિયમો મુજબના કોઈ સાધનો ત્યાં રાખવામા આવ્યા ન હતા અને લાયસન્સ વગર ગેમ ઝોન ચાલતું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને હાલમાં મોરબીના સર્કલ ઓફિસર દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગેમઝોનના સંચાલક સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

રાજકોટના ગેમઝોનમાં થોડા દિવસો પહેલા આગ લાગી હતી અને તેમાં નિર્દોષ લોકોના જીવ ગયા હતા જેથી કરીને ગેમઝોનમાં કોઈપણ જગ્યાએ ફાયર સેફ્ટીના સાધનો ન હોય કે પછી સલામતીના નિયમ મુજબના સાધનો ન હોય વગેરે જેવી બાબતોની તપાસ કરવામાં આવી રહી છે આટલું જ નહીં પરંતુ અન્ય મિલકતોમાં પણ ફાયર સેફ્ટી બાબતે ચેકિંગ કરીને નોટિસો આપવામાં આવી રહી છે અને તેની સાથે મિલકતો સીલ પણ કરવામાં આવી રહી છે.

તેવામાં ગઈકાલે મોરબી વિસ્તારમાં આવેલ થ્રીલ એન્ડ ચીલ તેમજ લેવલઅપ નામના બે ગેમઝોનના સંચાલકોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારબાદ આજે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ પાપાજી ફન વર્લ્ડ નામના ગેમઝોનમાં લોકોની સલામતી માટેના નિયમ મુજબના કોઈ સાધનો રાખવામાં આવ્યા ન હતા.

ગેમઝોન લાયસન્સ વગર ચલાવતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મોરબી શહેર મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર આકાશકુમાર મહાદેવભાઇ પાવરા (33) રહે. લાલબાગ સરકારી કવાર્ટર વાળાએ પાપાજી ફન વર્લ્ડના સંચાલક પ્રવીણભાઈ આર. હદવાણી રહે. દુર્લભ પાર્ટી પ્લોટ ભક્તિનગર સર્કલ પાસે કંડલા બાયપાસ રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 336 અને જીપી એક્ટની કલમ 131 (એ) મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.














































































