કચ્છ જિલ્લાના અંજાર શહેરમાં બે દિવસ પહેલા રાત્રીના મહાવીર ડેવલોપર્સની ઓફિસ પાસે જ 40 લાખની રોકડ લઈને નિકળેલા કર્મચારી પર હુમલો કરી રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી હતી. સમગ્ર ઘટનાસીસીટીવીમાં કેદ થયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ લુંટનો ભેદ ઉકેલી નાખી લુંટની ટીપ આપનાર મહાવીર ડેવલોપર્સના સગીર પટાવાળા સહિત 4 શખ્સોની ધરપકડ કરી 40 લાખની રોકડ, વાહનો અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ કચ્છના અંજારમાં આવેલ મહાવીર ડેવલોપર્સમાં નોકરી કરતા કર્મચારીઓ ગુરુવારે રાત્રે ઓફિસમાંથી 40 લાખની રોકડ લઈ ઘરે જવા નિકળ્યા હતાં ત્યારે કચેરીની બહાર જ બે કર્મચારીઓના બાઈકને આંતરી ચાર શખ્સોએ છરીની અણીએ કર્મચારી પાસેથી 40 લાખની રોકડ રકમની લુંટ ચલાવી લુંટારુઓ અંધારામાં ઓગળી ગયા હતાં.

સીસીટીવી કેમેરામાં સમગ્ર લુંટની ઘટનાકેદ થયા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરી ગણતરીની કલાકોમાં જ લુંટને અંજામ આપનાર ગાંધીધામના ભૂપેન્દ્ર છોટેલાલ કેવર અને મુંદ્રાના ઈકબાલ મીઠાભાઈ બાયડ, ફરજાના ઉર્ફે મંજુ ઈમરાનખાન મલેક, ઈકબાલ મીઠુભાઈ બાયડની ધરપકડ કરી પૂછપરછ કરતા મહાવીર ડેવલોપરમાં પટ્ટાવાળા તરીકે કામ કરતો સગીર અને તેનો મિત્રએ જ આ લુંટની ટીપ આપી હોવાનું જણાવ્યું હતું.

જેના આધારે બન્ને સગીરને પણ ઝડપીલેવામાં આવ્યા હતાં. પોલીસની તપાસમાં ઓફિસમાં જ કામ કરતા સગીર પટાવાળાએ ટીપ આપ્યા બાદ અન્ય એક સગીરને રેકી કરવાની કામગીરી સોંપી હતી. અને બીજા એક મિત્રને લુંટના દિવસે મેસેજ દ્વારા તમામ માહિતી પુરી પાડવાનું કહ્યું હતું. પોલીસે પકડાયેલા ચાર લુંટારુઓ પાસેથી 40 લાખની રોકડ, 10 મોબાઈલ ફોન અને બે બાઈક મળી 41.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

અને આ ગુનામાં હજુ બે આરોપીના નામ ખુલ્યા છે. જેમાં ફારુક ઝુમા નારેજા અને મામદ બાલવા મથડાની સંડોવણી બહાર આવતા તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી એલસીબીના પીઆઈ એન.એન. ચુડાસમા સહિતનાસ્ટાફે કરી છે.













































































