Sunday, July 21, 2024
HomeFeatureકોઈ પાસે બહુમતી ન હોય ત્યારે સ્પીકર પાસે જ 'પાવર', હાલ ભાજપ...

કોઈ પાસે બહુમતી ન હોય ત્યારે સ્પીકર પાસે જ ‘પાવર’, હાલ ભાજપ પર દબાણ, જાણો કેમ છે તેનું મહત્ત્વ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હવે સૌનો સાથ જોઈએ કેમ કે 2014 અને 2019માં તો ભાજપ પાસે બહુમતી સાથે 272થી વધુ બેઠકો હતી પરંતુ આ વખતે ભાજપની ગાડી 240 પર અટકી ગઈ છે. જો કે એ સ્પષ્ટ થઈ ગયું છે કે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે અને 9 જૂને શપથ લઈ શકે છે.

જો કે ત્રીજી વખત એનડીએની સરકારમાં નરેન્દ્ર મોદીને જે બે પક્ષની સૌથી વધુ જરૂર છે. તેમાંથી એક છે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ના ચંદ્રબાબુ નાયડુ અને બીજી છે નીતીશ કુમારની જેડીયુ. આ બંને પક્ષના 28 સાંસદ છે અને પાંચ વર્ષ સુધી એનડીએની સરકાર બનાવવા માટે તેમનો સાથ જરૂરી બની શકે છે.

નીતિશ કુમારની જેડીયુ અને ચંદ્રબાબુ નાયડુની ટીડીપી, એનડીએ સરકારમાં ઘણાં મહત્ત્વના પદ ઈચ્છે છે. નીતિશ કુમારે ચાર સાંસદો પર એક મંત્રીની ફોર્મ્યુલા આપી છે. ટીડીપીએ માર્ગ પરિવહન, આરોગ્ય અને કૃષિ જેવા મોટા મંત્રાલય માગ્યા છે. આ સાથે જ ટીડીપીની નજર લોકસભા સ્પીકરની ખુરશી પર છે. ટીડીપી લોકસભા સ્પીકરનું પદ પણ માગી રહી છે.

આ પહેલા વાજપેયી સરકારમાં પણ ટીડીપીએ લોકસભા સ્પીકરનું પદ રાખ્યું હતું. અટલ બિહારી વાજપેયીની સરકારમાં ટીડીપીના દિવંગત નેતા જીએમસી બાલયોગી લોકસભાના અધ્યક્ષ હતા. હવે જ્યારે ટીડીપી એક વખત ફરી એનડીએમાં મહત્ત્વની ભૂમિકામાં આવી છે તો તેની નજર પાછી સ્પીકરની ખુરશી પર ટકેલી છે.

પ્રોટેમ સ્પીકર, પછી સ્પીકર

સામાન્ય ચૂંટણી થવી અને નવી સરકારની રચના બાદ નવા સભ્યોને શપથ અપાવવા માટે પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરવામાં આવે છે. પ્રોટેમ સ્પીકર સામાન્ય રીતે લોકસભાના સૌથી સીનિયર સાંસદને બનાવવામાં આવે છે.

પ્રોટેમ સ્પીકરની દેખરેખ હેઠળ જ લોકસભા સ્પીકરની ચૂંટણી થાય છે. સામાન્ય ચૂંટણી બાદ સરકાર અને વિપક્ષ મળીને સ્પીકર માટે ઉમેદવારનું નામ જાહેર કરે છે. તે બાદ વડાપ્રધાન અને સંસદીય કાર્ય મંત્રી ઉમેદવારના નામનો પ્રસ્તાવ મૂકે છે. જો એકથી વધુ ઉમેદવાર હોય તો પછી વારાફરતી પ્રસ્તાવ મૂકવામાં આવે છે અને જરૂર પડ્યે વોટિંગ પણ કરાવવામાં આવે છે. જેના નામનો પ્રસ્તાવ મંજૂર થાય છે તેને સ્પીકર પસંદ કરવામાં આવે છે.

સ્પીકરનો કાર્યકાળ તેના ચૂંટણીની તારીખથી લઈને આગામી લોકસભાની પહેલી બેઠકના પહેલા સુધી હોય છે. જ્યાં સુધી 18મી લોકસભાની પહેલી બેઠક ન થાય ત્યાં સુધી ઓમ બિરલા જ સ્પીકર રહેશે.

લોકસભા સ્પીકરનો પાવર શું?

લોકસભા સ્પીકરનું પદ બંધારણીય પદ હોય છે. ગૃહની સૌથી મુખ્ય વ્યક્તિ સ્પીકર જ હોય છે. ગૃહમાં સ્પીકરની મંજૂરી વિના કંઈ પણ થઈ શકતું નથી.

સ્પીકરને ગૃહની મર્યાદા અને વ્યવસ્થા જાળવી રાખવાની હોય છે. જો આવું થતું ન હોય તો તે ગૃહને સ્થગિત કરી શકે છે કે પછી સસ્પેન્ડ કરી શકે છે. એટલું જ નહીં, મર્યાદાનું ઉલ્લંઘન કરનાર સાંસદોને પણ સ્પીકર સસ્પેન્ડ કરી શકે છે.

પક્ષ બદલનારા સભ્યોની અયોગ્યતા પર પણ સ્પીકર પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ નિર્ણય કરે છે. જોકે 1992માં સુપ્રીમ કોર્ટે એક મુદ્દામાં સ્પષ્ટ કરી દીધું હતું કે સ્પીકરના નિર્ણયને કોર્ટમાં પડકાર આપી શકાય છે.

જો કે, તેમ છતાં પક્ષપલટાના મામલે સ્પીકરની પાસે મહત્ત્વનો પાવર હોય છે. ગયા વર્ષે મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ નાર્વેકર પર ધારાસભ્યોની અયોગ્યતા મામલે સુનાવણી કરવા દરમિયાન પક્ષપાતી વલણ અપનાવવાનો આરોપ લાગ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે ઠાકરે જૂથથી અલગ થઈને એકનાથ શિંદે અને તેમના ધારાસભ્યો વિરુદ્ધ પક્ષપલટા વિરોધી કાર્યવાહીને સાંભળી અને અંતિમ નિર્ણય લેવાની તક આપી હતી.

આઝાદી બાદથી અત્યાર સુધી લોકસભા સ્પીકરનું પદ શાસક પક્ષ કે ગઠબંધનની પાસે જ જાય છે, જ્યારે ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને મળે છે. જોકે, ડેપ્યુટી સ્પીકરના પદની બાધ્યતા નથી. ગત લોકસભામાં ડેપ્યુટી સ્પીકરનું પદ ખાલી રહ્યું હતું.

શા માટે સ્પીકરની ખુરશી પર નજર?

ટીડીપી અત્યાર સુધી ઘણાં ગઠબંધનનો ભાગ રહી ચૂકી છે. વાજપેયી સરકારમાં ટીડીપી, એનડીએની સહયોગી હતી અને તે સમયે પણ સ્પીકરનું પદ તેણે જ રાખ્યું હતું.

લોકસભા સ્પીકરનું પદ ખૂબ મહત્ત્વનું હોય છે. જ્યારે ગૃહમાં બહુમત સાબિત કરવાની વાત આવે છે કે પછી પક્ષપલટા વિરોધી કાયદો લાગુ થાય છે તો સ્પીકરની ભૂમિકા મહત્ત્વની થઈ જાય છે. જો ભવિષ્યમાં એનડીએની કોઈ પણ પક્ષ તૂટે છે કે તેના અમુક સાંસદ પાર્ટી બદલે છે, તો પછી તેમની અયોગ્યતા પર નિર્ણય સ્પીકર જ લેશે.

આ સિવાય જ્યારે પણ ગૃહમાં કોઈ પણ વિવાદની સ્થિતિ બને છે તો સ્પીકરનો નિર્ણય જ અંતિમ હોય છે.

લોકસભા સ્પીકર સાથે જોડાયેલી અમુક રોચક વાતો

પહેલા સ્પીકર: 1951-52માં થયેલી પહેલી સામાન્ય ચૂંટણી બાદ પહેલી લોકસભાની ચૂંટણી થઈ તો તેમાં કોંગ્રેસના ગણેશ વાસુદેવ માવળંકરની સ્પીકર તરીકે નિમણૂક કરાઈ હતી. 1956માં તેમના નિધન બાદ કોંગ્રેસના જ અનંતસયનમ આયંગરે સ્પીકરનું પદ સંભાળ્યું હતું.

પહેલા દલિત સ્પીકર: અટલ બિહારી વાજપેયીની સરકારમાં ટીડીપીના જીએમસી બાલયોગી લોકસભા સ્પીકર હતા. તેઓ આ પદ પર લગભગ ચાર વર્ષ રહ્યા. બાલયોગી લોકસભાના પહેલા દલિત સ્પીકર હતા.

જ્યારે રાષ્ટ્રપતિ બન્યા સ્પીકર: 1977માં છઠ્ઠી લોકસભાની રચના બાદ નીલમ સંજીવ રેડ્ડી સ્પીકર બન્યા. રેડ્ડી પહેલા બિન-કોંગ્રેસી સ્પીકર હતા. તે 109 દિવસ જ આ પદ પર રહ્યા અને જુલાઈ 1977માં રાષ્ટ્રપતિ બની ગયા.

પહેલી મહિલા સ્પીકર: 2009ની ચૂંટણી બાદ યુપીએ-2ની સરકારમાં કોંગ્રેસની મીરા કુમાર લોકસભાની અધ્યક્ષ બની. મીરા કુમાર લોકસભાની પહેલી મહિલા સ્પીકર હતી. તે બાદ 2014માં એનડીએની સરકારમાં સુમિત્રા મહાજન સ્પીકર બની.

જ્યારે સ્પીકરને જ પાર્ટીમાંથી કાઢી મૂકાયા

2004થી 2009ની યુપીએ-1ની સરકારમાં લોકસભા સ્પીકરનું પદ સીપીએમની પાસે હતું. સીપીએમના સોમનાથ ચેટર્જી લોકસભા સ્પીકર હતા. કોંગ્રેસની અધ્યક્ષતાવાળી આ સરકારને સીપીએમે પણ સમર્થન આપ્યું હતું.

2008માં ભારત-અમેરિકાની વચ્ચે ન્યૂક્લિયર ડીલ થવાથી નારાજ સીપીએમે યુપીએ સરકારથી સમર્થન પાછું લઈ લીધું હતું. સીપીએમે સોમનાથ ચેટરજી પર પણ રાજીનામું આપવાનું દબાણ બનાવ્યું પરંતુ તેમણે બિન-પક્ષપાતી હોવાનો હવાલો આપતા તેનાથી ઈનકાર કરી દીધો. જે બાદ ચેટરજીને સીપીએમથી કાઢી મૂકાયા.

ઓગસ્ટ 2018માં સોમનાથ ચેટર્જીના નિધન બાદ તેમના પરિવારજનોએ સીપીએમ નેતાઓને તેમના અંતિમ સંસ્કારમાં પણ સામેલ થવા દીધા નહીં. સાથે જ પરિવારજનોએ તેમના મૃતદેહને સીપીએમના ધ્વજથી લપેટવાથી પણ ઈનકાર કરી દીધો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!