Sunday, July 21, 2024
HomeFeatureરાજકોટમાં રૂપાલાનું રોલર, સામા પૂરે તરી ઐતિહાસિક લીડથી વિજેતા

રાજકોટમાં રૂપાલાનું રોલર, સામા પૂરે તરી ઐતિહાસિક લીડથી વિજેતા

ક્ષત્રિય આંદોલનની અસર પણ નહિવત, પ્રથમ રાઉન્ડથી અંત સુધી લીડ જાળવી રાખી


લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થવા લાગ્યા છે ત્યારે દેશભરમાં સૌથી ચર્ચાસ્પદ બેઠક રાજકોટ સંસદીય બેઠક ક્ષત્રિય આંદોલન વચ્ચે પણ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ મેદાન મારી સામાપુરે તરીને ઐતિહાસિક લીડથી વિજેતા બન્યા છે. રાજકોટની લોકસભાની બેઠકના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ અત્યાર સુધીના ભાજપના વિજેતા ઉમેદવાર થતાં વધુ લીડ મેળવી ઈતિહાસ રચી ફરી એક વખત કેન્દ્રીય મંત્રી મંડળમાં પોતાનું સ્થાન પાકુ કરી લીધું છે.

લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાજકોટ સંસદિય મત વિસ્તારના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ એક જાહેરસભામાં ક્ષત્રિય સમાજની બહેન-દિકરીઓ પર અભદ્ર ટીપ્પણી કરી હતી જેની સામે વિરોધ વંટોળ ઉઠ્યા બાદ પરસોતમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગણી સાથે ક્ષત્રિય અસ્મિતા આંદોલન શરૂ કરવામા આવ્યું હતું. પરંતુ ટીકીટ રદ નહીં થતા ક્ષત્રિય સમાજે આંદોલનને દેશવ્યાપી બનાવી ભાજપ વિરુદ્ધ આંદોલન કર્યુ હતું.

ક્ષત્રિય સમાજના આંદોલનના કારણે દેશભરના રાજકોટની બેઠક હાઈવોલ્ટેજ સાબિત થઈ હતી. રાજકોટની બેઠક પર સમગ્ર દેશની નજર મંડાયેલ હતી આમ છતાં ક્ષત્રિય સમાજના ઉગ્ર આંદોલનની ભાજપના ગઢ સમાન રાજકોટની બેઠક ઉપર કોઈ જ અસર જોવા મળી ન હતી. અત્યાર સુધીમાં રાજકોટની બેઠક પર વિજેતા થયેલા ભાજપના ઉમેદવારો કરતા પરસોતમ રૂપાલાએ સૌથી વધુલીડ મેળવી ઈતિહાસ રચી દીધો છે. અને કેન્દ્રીયમંત્રી મંડળમાં ફરી એક વખત પોતાનું સ્થાન પાકુ કરી લીધું છે.

પ્રારંભીક તબક્કે મતગણતરી શરૂ થયા બાદ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ લીડ ઝાળવી રાખી અને છેક સુધી લીડને યથાવત રાખી હતી. 10 રાઉન્ડના અંતે જ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પોતાની હાર સ્વીકારીને ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાને વિજયીની શુભેચ્છા પાઠવી મતગણતરી કેન્દ્ર છોડીને જતા રહ્યા હતાં.

રાજકોટ સંસદિય બેઠક પર પ્રથમ રાઉન્ડના અંતે ભાજપને 25,652, બીજા રાઉન્ડમાં 54,172, ત્રીજા રાઉન્ડમાં 81,126, ચોથા રાઉન્ડમાં 99,640, પાંચમાં રાઉન્ડમાં 1,33,032, છઠ્ઠા રાઉન્ડમાં 1,67,372, સાતમા રાઉન્ડમાં 2,05,357, આઠમાં રાઉન્ડમાં 2,30,366, નવમાં રાઉન્ડમાં 2,49,111, દસમાં રાઉન્ડમાં 2,68,867, અગિયારમાં રાઉન્ડમાં 2,85,383, બારમાં રાઉન્ડમાં 3,05,493 આમ 18 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાને 744384 મત મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને 318330 મત મળ્યા હતાં આમ ભાજપના ઉમેદવારને 426054ની લીડ મળી હતી.

રાજકોટ સંસદિય મત વિસ્તારમાં 21 લાખથી વધુ મતદારોની નોંધણી થઈ છે ત્યારે આ વખતની લોકસભાની ચુંટણીમાં 12,60,768 મત મળ્યા હતાં. જેની આજે સવારે ગણતરી શરૂ કરવામાં આવી હતી જેમાં 7 હોલમાં 149 રાઉન્ડ પૂર્ણ કરી મતગણતરી કરવામા ંઆવી છે.

છેલ્લે મળતા અહેવાલ મુજબ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાને 812202 મત મળ્યા હતાં અને 465446ની લીડ મળી છે. હજુ બે રાઉન્ડ ગણવાના બાકી હોય અત્યાર સુધીમાં સાડા અગીયાર લાખ મત ગણાણા છે અને હજુ એક લાખ મત ગણવાના બાકી હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટમાં ‘નોટા’ ત્રીજા નંબરે અપક્ષ ઉમેદવાર કરતા વધુ મત મળ્યા

રાજકોટ સંસદિય બેઠકની ચૂંટણીનું આજે પરિણામ ઘોષિત થયું છે જેમાં ક્ષત્રિય સમાજના અસ્મિતા આંદોલન વચ્ચે પણ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ઐતિહાસિક લીડથી જીત મેળવી છે. ત્યારે આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત સાત અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઉતર્યા હતા. પરંતુ સૌપ્રથમ ક્રમે ભાજપના ઉમેદવારને મત મળ્યા હતા. ત્યારે બીજા ક્રમે કોંગ્રેસના ઉમેદવારને મત મળ્યા હતા. અને ત્રીજા ક્રમે નાટો જોવા મળ્યું હતું. 18 રાઉન્ડના અંતે નાટોને 13146 મત મળ્યા હતાં. આમ અપક્ષ ઉમેદવાર કરતા નાટોને સૌથી વધુ મત મળ્યા હતાં.

હું જનતાના જનાદેશને સ્વીકારુ છું: પરેશ ધાનાણી

રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણીએ હાર સ્વીકારતા પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન કોંગ્રેસ ઉમેદવારે કહ્યું હતું કે આ લડાઈ માત્ર વ્યક્તિથી વ્યક્તિની વિરુદ્ધ નહીં. વિચારધારાથી વિચારધારાની નહીં પણ વ્યવસ્થાને બદલવા માટેની હતી. લોકોએ પ્રયાસ કર્યો. મને આનંદ થાય છે કે રાજકોટવાસીઓના હ્રદયને જીતવામાં હું સફળ થયો. ચૂંટણીઓ લડવી મહત્ત્વની છે, હાર જીતતો જનતાની અદાલત નક્કી કરતી હોય છે અને જનતાના જનાદેશને હું સ્વીકારુ છું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!