Sunday, July 14, 2024
HomeFeatureનીતીશ કુમાર ફરીથી ગુલાંટ મારશે? મોદી માટે હવે બિહારમાં ટેન્શન વધશે

નીતીશ કુમાર ફરીથી ગુલાંટ મારશે? મોદી માટે હવે બિહારમાં ટેન્શન વધશે

લોકસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપને જોઈએ તેવી મોટી સફળતા નથી મળી. ભાજપ એકલા હાથે સરકાર બનાવે તેવી સ્થિતિ નથી તેથી ગઠબંધનના સાથીપક્ષોની વેલ્યૂ વધી જશે. આવામાં નીતીશ કુમાર કોઈ પણ બાજુએ જઈ શકે તેમ કહેવાય છે. નીતીશ અત્યાર સુધી પાટલી બદલતા આવ્યા છે અને આ વખતે પણ તેઓ કોઈપણ બાજુએ જઈ શકે છે.

લોકસભાની ચૂંટણીના પરિણામો કેટલીક જગ્યાએ આશ્ચર્યજનક છે જેમાં બિહારનો સમાવેશ થાય છે. બિહારમાં તેજસ્વી યાદવ ચોંકાવનારા પરિણામોની વાત કરતા હતા. તેજસ્વી યાદવની અપેક્ષા પ્રમાણે તો પરિણામ નથી આવ્યા, પરંતુ સ્થિતિ સુધરી જરૂર છે. તેજસ્વીએ તાજેતરમાં દાવો કર્યો હતો કે ચોથી જૂન પછી નીતીશ કુમાર મોટો ખેલ કરી શકે છે. તેમણે એવા સંકેત આપ્યા હતા કે નીતીશ કુમાર ઈન્ડિયા બ્લોકમાં સામેલ થઈ શકે છે.

લોકસભા ચૂંટણીના પરિણામો ભાજપની અપેક્ષા મુજબ નથી જેના કારણે ભાજપને જરૂર નિરાશા થઈ હશે. પરંતુ બિહારમાં ભાજપના સહયોગી દળોને ફાયદો થતો હોય તેવું લાગે છે. સખત ગરમીમાં પણ લોકો વોટિંગ કરવા ગયા હતા જ્યાં હિંદુ, મુસલમાન, પાકિસ્તાન, અનામત, બંધારણ, મંદિર વગેરેના મુદ્દે ભાષણો થયા હતા.

આ દરમિયાન એવી વાતો થઈ રહી છે કે ગુલાંટ મારવા માટે જાણીતા નીતીશ કુમાર વધુ એક વખત પોતાના કારનામા દેખાડશે. ઉત્તર પ્રદેશ અને બિહાર માટે એવું કહેવાય છે કે દિલ્હીની ગાદી જોઈતી હોય તો આ બે જગ્યાએથી જવું પડે. બિહાર પોતાનો અલગ એજન્ડા સેટ કરે છે. નીતીશે વિપક્ષી ગઠબંધનનો આધાર બનાવ્યો પરંતુ પછી તેનાથી અલગ થઈ ગયા અને એનડીએ સાથે હાથ મિલાવ્યો હતો. હવે નવી બદલાયેલી સ્થિતિમાં નીતિશ પોતાની વફાદારી ફરીથી બદલી શકે છે.

નીતીશ કુમારને પહેલેથી તક જોઈને ગુલાંટ મારનાર ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે. 2013માં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા ત્યારે તેમણે મોદીનો વિરોધ કર્યો અને એનડીએમાંથી નીકળી ગયા હતા. 2017માં તેઓ ફરીથી એનડીએ સાથે જોડાયા પરંતુ 2022માં તેમને આરજેડીમાં વધુ ફાયદો દેખાયો અને આરજેડી સાથે જોડાઈ ગયા. ત્યાર પછી માત્ર 17 મહિનાની અંદર તેઓ ફરીથી એનડીએ સાથે જોડાઈ ગયા. હવે ભાજપ નબળો પડ્યો છે ત્યારે નીતીશને કદાચ તેમની સાથે રહેવામાં પણ ફાયદો દેખાતો નથી. તેના કારણે તેઓ ક્યારે ગુલાંટ મારે તે કહેવાય નહીં. તેજસ્વી યાદવે નીતિશ કુમાર માટે જે વાત કરી હતી તે કદાચ સાબિત થઈ જશે.

નીતીશ કુમાર પાસે હવે સત્તાની ચાવી છે એવું કહેવાય છે. હાલમાં આ લખાય છે ત્યારે એનડીએ પાસે 296 બેઠકો પર લીડ છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન 228 બેઠકો પર આગળ છે. અત્યાર સુધીના આંકડા કહે છે કે ભાજપ પોતાની જાતે બહુમતી મેળવી શકે તેમ નથી જે બહુમતી તેને અગાઉની ચૂંટણીમાં મળી હતી. બિહારમાં નીતીશ કુમારનો પક્ષ અત્યારે 15 બેઠકો પર આગળ છે અને ચિરાગ પાસવાનનો પક્ષ પણ સોલિડ સ્થિતિમાં છે. ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી પાંચ લોકસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે.

ભાજપ એકલા હાથે બહુમતની નજીક નહીં પહોંચે તો નીતીશ કુમાર અને ચિરાગ પાસવાનની ડિમાન્ડ વધી જાય તેવી શક્યતા છે. નીતીશ અને ચિરાગ પાસવાન હાલમાં એનડીએમાં છે. તેથી ભાજપ એવી પૂરી કોશિશ કરશે કે તેઓ બંને ઈન્ડિયા ગઠબંધન સાથે નહીં જોડાય.

રાજકારણમાં એવું કહેવાય છે કે સંભાવનાઓ અનલિમિટેડ હોય છે. નીતીશ કુમાર માટે કેટલી સંભાવના છે અને તેઓ કિંગ મેકર અથવા કી પ્લેયર બની શકે છે કે નહીં તે થોડા દિવસોમાં ખબર પડી જશે. અબ કી બાર 400 પારનો નારો બધાએ માની લીધો હતો, પરંતુ હવે આ નારો હાસ્યાસ્પદ લાગે છે. તેથી એક મહિના અગાઉ નીતીશ કુમાર ઉપર જે લોકો હસતા હતા તેઓ હવે તેની ગંભીરતા સમજી રહ્યા છે. ઈન્ડિયા ગઠબંધન પણ 272ના મેજિક આંકડાથી બહુ દૂર છે તેથી તેણે પણ બધી શક્યતાઓ ચકાસવી પડશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!