સુવિધા વિનાના એકમોને નોટીસ સાથે 7 િદિવસની મુદ્દત: 1 હોસ્પિટલ, લેબ અને જીમને સુવિધાના અભાવે કરાયું સીલ
મોરબી જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ સર્વે માટેની વિવિધ ટીમ બનાવી જિલ્લામાં ફનઝોન, હોસ્પિટલ, સ્કૂલ/કોલેજ, બિલ્ડીંગ્સ વગેરે એકમોની સઘન તપાસ કરીને સીલ કરવાની કામગીરી, તાત્કાલિક અસરથી બંધ કરાવવાની તેમજ નોટિસ આપી સમય મર્યાદામાં યોગ્ય કામગીરી કરવા અર્થે સુચના આપવા સહિતની કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવી છે.

રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોનમાં બનેલ દુર્ઘટનાના પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લઈ જિલ્લામાં આવેલા ફનઝોન ત્વરીત બંધ કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ કલેક્ટરની સૂચનાથી જિલ્લામાં 6 થી વધુ સર્વે ટીમ બનાવવામાં આવી છે જે ટીમ દ્વારા સર્વે કરી ફનઝોન, હોસ્પિટલ, સ્કૂલ/કોલેજ બિલ્ડીંગ્સ વગેરે એકમોને સીલ કરવાની તેમજ નોટિસ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.

નાગરિકોની સુરક્ષા અન્વયે કરવામાં આવી રહેલી કામગીરીના ભાગરૂપે અત્યાર સુધી જિલ્લામાં 56 હોસ્પિટલ, 42 સ્કૂલ/કોલેજ, 321 હઈરાઈઝ બિલ્ડીંગ, 41 કોમ્પ્લેક્ષ, કોમર્શિયલ અને એસેમ્બલી તેમજ બિલ્ડીંગ અને 4 હોટલ્સ મળી કુલ 464 એકમોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ પરથી તાત્કાલિક ધોરણે 1 હોસ્પિટલ, 1 લેબ તેમજ 1 જીમને ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાના કારણે સીલ કરી દેવામાં આવ્યા છે.

જ્યારે પાપાજી ફન વર્લ્ડ, કામધેનું, લેવલ અપ, થ્રીલ એન્ડ ચીલ, યોગાટા અને દેવ ફન વર્લ્ડ જેવા ગેમઝોન તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવ્યા છે. આ તપાસ મુજબ જિલ્લામાં 40 હોસ્પિટલ, 27 સ્કૂલ/કોલેજ, 41 હાઈરાઈઝ બિલ્ડીંગ, 19 કોમ્પ્લેક્ષ તેમજ કોમર્શિયલ બિલ્ડીંગ અને 2 હોટલ્સ મળી કુલ 129 એકમો ફાયર સેફટીના સાધનોની યોગ્ય વ્યવસ્થા ધરાવે છે. જ્યારે જિલ્લામાં કુલ 7 હાઈરાઈઝ બિલ્ડીંગ એન.ઓ.સી. મુજબ બનાવવામાં આવી છે.

ત્યારે ફાયર સેફ્ટીના સાધનોની વ્યવસ્થા તેમજ એન.ઓ.સી. સહિતની વ્યવસ્થાઓ વગરના એકમોને તાત્કાલિક ધોરણે નોટિસ આપવામાં આવી છે અને આ વ્યવસ્થાઓની પૂર્તતા 7 દિવસમાં કરવામાં ન આવે તો સંબંધિત એકમો સીલ કરવાની કાર્યવાહી વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવશે.













































































