કાલાવડ રોડ નજીક ટીઆરપી ગેમ ઝોનમાં આગ ભભૂકી ઊઠી હતી. આ ભીષણ આગમાં 26થી વધુ લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. આ દુર્ઘટના બાદ તરત સાવચેતીના ભાગરૂૂપે મનપા તંત્ર દ્વારા નાનામૌવા રોડ, બાલભવન સહિતનાં સ્થળોએ ચાલતા ખાનગી વેકેશન મેળા ફાયર એનઓસી સહિત તમામ સુવિધાઓ હોવા છતાં બંધ કરાયા છે. અચાનક મેળાઓ બંધ કરવામાં આવતા સંચાલકોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

શહેરનાં નાનામૌવા રોડ, બાલભવન તેમજ ફનવર્લ્ડનાં ગ્રાઉન્ડમાં જુદા-જુદા વેકેશન મેળાઓ ચાલી રહ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો બાળકોની સાથે મેળાનો આનંદ માણવા જતા હતા. જોકે, ગેમઝોન ખાતે આગની દુર્ઘટના બન્યાની ગણતરીની કલાકોમાં જ આ તમામ મેળાઓ મનપા તંત્ર દ્વારા બંધ કરાવી દેવામાં આવ્યા હતા. આજદિન સુધી તમામ મેળાઓ બંધ છે. તેમજ હવે વેકેશન ખુલવાની તૈયારી હોવા છતાં આ મેળાઓ ક્યારે ખુલે તે પણ નક્કી નથી. જેના કારણે હવે સંચાલકો દ્વારા તમામ વસ્તુઓ હટાવવા તૈયારીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રોયલ મેળાનાં સંચાલક નિલેશભાઈએ જણાવ્યું હતું કે, ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બની ત્યારે મનપાનાં અધિકારીઓ અહીં આવ્યા હતા અને તાત્કાલિક મેળો બંધ કરવા જણાવ્યું હતું. જેને પગલે એકાદ કલાકમાં લોકોને બહાર કાઢી મેળો બંધ કરી દેવામાં આવ્યો હતો. અમારી પાસે ફાયર એનઓસી તેમજ સેફટીનાં પૂરતા સાધનો હોવા છતાં મેળો બંધ કરાવ્યો હતો. આ સાથે નોટિસ આપી હતી કે, નવો આદેશ ન આવે ત્યાં સુધી બંધ રાખવો. આ વાતને આજે એક સપ્તાહ જેટલો સમય થયો છે, છતાં મેળો શરૂૂ કરવાનો આદેશ આવ્યો નથી. ટૂંક સમયમાં મંજૂરી મળવાની શક્યતા પણ દેખાતી નથી.

આગની દુર્ઘટના બની તેના બીજા દિવસથી દરરોજ મનપાનાં અધિકારીઓ આવે છે અને મેળો બંધ હોવાની નોંધ કરે છે. જોકે, હજુસુધી મેળો શરૂૂ કરવા મંજૂરી મળી નથી. જેને કારણે બહારથી આવેલા કામદારો પણ પરત ફરવા લાગ્યા છે.















































































