સોમવાર પરોઢે ચંદ્ર, મંગળ, શનિ નરી આંખે જોઈ શકાશે : વિજ્ઞાન જાથા
બુધ, ગુરૂ, યુરેનસ, પ્લુટો, નેપચ્યુન ટેલીસ્કોપથી જોઈ શકાશે, સવારે ૫-૩૦ થી ૫-૩૮ સુધી અવકાશી નજારો. અવકાશી નજારો નિહાળવા વિજ્ઞાન જાથાની અપીલ
અવકાશમાં શોધાયેલા ગ્રહો અને વણશોધાયેલા ગ્રહો સૂર્યની આસપાસ નિરંતર સમયાંતરે પરિભ્રમણ કરતા હોય છે ત્યારે અમુક દિવસ, વર્ષ, ચોક્કસ સમય સાથે સમયાંતરે આકાશમાં ખગોળીય ઘટના જોવા મળતી હોય છે. ૩ જુન ને સોમવાર પરોઢે સાડા પાંચથી આઠ મિનિટ સુધી ગ્રહોનો અવકાશી નજારો જોવા મળવાનો છે. અમુક ગ્રહ નરી આંખે જોઈ શકાશે. જયારે બાકીના ગ્રહો આધુનિક ટેલીસ્કોપથી જોવા મળશે. અવકાશમાં સૂર્યના ઉદયના કારણે પરોઢે સમયની મર્યાદામાં જોઈ શકાશે. ખગોળીય ઘટના નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે.

જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે ૩ જૂન, સોમવારના પરોઢે ખગોળીય ઘટના બનવાની છે જેમાં અમુક ગ્રહો નરી આંખે જોઈ શકાશે જયારે બાકી ગ્રહો આધુનિક ટેલીસ્કોપથી આહલાદક જોઈ શકાશે. ચંદ્ર, મંગળ, શનિ ગ્રહ નરી આંખે આહલાદક જોઈ શકાશે. જયારે બુધ, ગુરૂ, યુરેનસ, નેપચ્યુન વિજ્ઞાનના ઉપકરણોથી આહલાદક જોવા મળશે. સૂર્યના ઉદયના કારણે આકાશમાં થોડા સમય માટે આ નજારો જોવા મળશે. ખગોળપ્રેમીઓ પાસે આધુનિક દુરબીન, ટેલીસ્કોપ હોવાના કારણે ખગોળીય આનંદ મેળવતા હોય છે.

વધુમાં જયંત પંડયા જણાવે છે કે સોમવાર પરોઢે અવકાશી ઘટના સંદર્ભે જાથાના કાર્યાલયે અનેક જિજ્ઞાપુઓએ પુછપરછ કરી તેથી આવી ઘટના અવકાશમાં નિરંતર બનતી હોય છે તે માહિતી આપવાનો હેતુ છે. આ ઘટનાને યુતિ સાથે કશી જ લેવા-દેવા નથી. યુરેસ, નેપચ્યુન, પ્લુટો, સૂર્યથી ખૂબ જ દૂર હોવાના કારણે નરી આંખે જોઈ શકાતા નથી, ટેલીસ્કોપથી જોઈ શકાય છે. આમ તો બે ગ્રહો જ સ્પષ્ટ જોવા મળશે. ચંદ્ર તેમાં શોભાયમાન સાક્ષી બનશે. બુધ નરી આંખે જોઈ શકાય છે પરંતુ આ દિવસે જોવા નહિં મળે.

વિજ્ઞાન જાથાનું દેશભરમાં લોકો અવકાશ તરફ નજર કરતા થાય તેવું અભિયાન ચાલે છે તે અંતર્ગત લોકોને માહિતગાર કરવા જાણકારી આપવામાં આવે છે. અવકાશી ગ્રહો કરોડો માઈલ દૂર હોવાના કારણે કદી પણ માનવજીવન કે તેની દૈનિક ક્રિયામાં અવરોધરૂપ નથી. નિર્જીવ ગ્રહો માનવને કદી પણ નડતા નથી. ભારતમાં સદીઓથી લેભાગુઓ લોકોને ઊંધા માર્ગે વાળી ક્રિયાકાંડો તરફ દોરી જાય છે તેનું દુઃખ છે.

ચંદ્ર પૃથ્વીનો મિત્ર હોય માનવજીવન માટે સદાય ઉપકારક છે. ચંદ્ર આ દિવસે સ્પષ્ટ જોઈ શકાશે. ચંદ્ર-મંગળની હાથના આંગળામાં વીંટી જોઈએ ત્યારે નબળા મનના લોકોની છાપ ઉભી થાય છે. વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે કે ગ્રહો કે ગ્રહણો માનવજીવન સાથે સ્નાનસુતક સંબંધ નથી. અંતમાં, સોમવારે વહેલી પરોઢે અવકાશી નજારો નિહાળવા જાથા
અપીલ કરે છે. વિશેષ માહિતી માટે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવો.













































































