ગેરકાયદે ગેમ ઝોનનું ડિમોલિશન એક ધારાસભ્યએ અટકાવ્યાનો ઘટસ્ફોટ
રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ક્રાઇમ બ્રાંચની ટીમ તપાસ કરી રહી છે. ત્યારે આ તપાસમાં આગામી દિવસોમાં ઇન્કમટેક્સની પણ એન્ટ્રી થાય તેવી શક્યતા દેખાઇ રહી છે. ગેમ ઝોનમાં ફી પેટે ઓનલાઇન જે રકમ ઉઘરાવવામાં આવી હતી અને જે બેન્ક એકાઉન્ટમાં આ રકમ જમા થતી હતી તે બેન્ક એકાઉન્ટ બંધ કરીને કર્મચારીઓના નામે ડમી એકાઉન્ટ ઉભા કરી મોટી આવક ઉભી કરી લેવાતી હોવાની માહિતી ક્રાઇમ બ્રાંચને મળ્યા બાદ આ અંગે ઇન્કમટેકસને પણ જાણ કરવામાં આવશે અને આ તપાસમાં હવે કરચોરી અંગે ઇન્કમટેક્સ વિભાગ તપાસ કરશે.

બીજી તરફ આ મામલે એક ધારાસભ્ય સામે પણ અંગુલી નિર્દેશ થયો છે. આ ઘટના બાદ સતત પડદા પાછળ રહેતા અને જાહેરમાં નિવેદન કરવામાં ડરતા આ ધારાસભ્યોએ ગેમ ઝોનમાં અનેક વખત તંત્રને ભલામણ કરી હોવાની વાત સામે આવી રહી છે. પોલીસ તંત્ર અને મહાનગરપાલિકામાં ભલામણને આધારે એનઓસી વગર આ ગેમ ઝોન છેલ્લા ત્રણ વર્ષથી ધમધમતું રહ્યું હોવાની ચોક્વનારી વિગતો સામે આવી રહી છે.

રાજકોટમાં ‘ડેથ ઝોન’ બનેલા ગેમ ઝોનના સંચાલકો યુવારજસિંહ હરિસિંહ સોંલકી તથા મેનેજર નીતીન જૈન તથા વેલ્ડીંગનું કામ સંભાળતા ટેક્નિક્લ મેનેજર રાહુલ લલીત રાઠોડ તેમજ યુવરાજસિંહના ભાગીદાર ધવલ ભરત ઠક્કર અને ગેમ ઝોન માટે જગ્યા આપનાર માલીક કિર્તીસિંહ ઉર્ફે કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે અને રિમાન્ડ ઉપર તમામની પૂછપરછ ચાલુ છે. બીજી તરફ આ મામલે હજુ એક આરોપી અશોકસિંહ જાડેજા ફરાર છે. રિમાન્ડ ઉપર રહેલા તમામની પૂછપરછમાં મોટા ખુલ્લાશા થઇ રહ્યા છે.

ગેમ ઝોનની આવક અને અન્ય બાબતો ઉપર ક્રાઇમ બ્રાંચની તપાસમાં ડમી એકાઉન્ટની વિગતો મળી છે. ગેમ ઝોનના સંચાલકોએ પોતાના કર્મચારીઓના નામે ડમી એકાઉન્ટ ખોલાવ્યા હતા અને ગેમ ઝોનમાં આવતા લોકો પાસેથી ઓનલાઇન પેમેન્ટ અલગ અલગ ખાતાઓમાં લેવામાં આવતુ હતુ. અમુક ખાતાઓની માર્યાદા જેટલી રકમ જમા થયા બાદ આ ખાતુ બંધ કરી બીજુ એકાઉન્ટ ખોલવામાં આવતુ હતું. જેથી આવકનો સાચુ આંક સામે ન આવે અને ઇન્કમટેક્સથી બચાવ માટે આ કિમીયો અપનાવવામાં આવ્યો હોવાનું સામે આવતા હવે આ કેસમાં ઇન્કમટેક્સ વિભાગની પણ એન્ટ્રી થાય તેવી શક્યતા છે.

ઇન્કમટેક્સ વિભાગ આ કરચોરી બાબતે તપાસ કરશે.
ટીઆરપી ગેમ ઝોન આગકાંડમાં જવાબદારો સામે કાર્યવાહી થઇ રહી છે. ત્યારે આ ઘટના બાદ એક ધારાસભ્ય સામે પણ આ ગેમ ઝોનની મંજુરી બાબતની ભલામણ થઇ હોવાનું અંગુલી નિર્દેશ થઇ રહ્યો છે. આ ધારાસભ્ય દ્વારા ગેમ ઝોનના ગેરકાયદેસર બાંધકામ બાબતે મહાનગરપાલિકાને ડિમોલેશન નહીં કરવા ભલામણ કરી હતી. જો આ ગેમ ઝોનનું ગેરકાયદેસર બાંધકામ અટકાવવામાં ધારાસભ્યએ ભલામણ ન કરી હોત તો આ ઘટના બનતી અટકી શકી હોત. આ ઘટના બાદ ભલામણ ધારાસભ્ય પણ જાહેરમાં ઓછા દેખાયા છે. અને મિડીયા સમક્ષ નિવેદન આપવામાં પણ ચેહેરો છૂપાવી રહ્યા છે. જો આ અંગેની તપાસ થાય તો ધારાસભ્યનો અસલી ચેહેરો સામે આવી શકે છે.













































































