દેશમાં હીટવેવથી ર૭૦ જેટલા મૃત્યુ થયા હોવાના અહેવાલો છે, તો ગુજરાતમાં આંધી અને વરસાદની આગાહી થઈ છે. દેશમાં આવતું ચોમાસુ સારુ રહેશે તેવા અનુમાનો પણ થઈ રહ્યા છે.

દેશભરમાં હીટવેવના કારણે છેલ્લા ર૪ કલાકમાં ર૭૦ લોકોના મોત થયા છે. તેમાંથી સૌથી વધુ ૧૬૪ મોત ઉત્તર પ્રદેશમાં અને બિહારમાં ૬૦ લોકોના મોત થયા છે. સૌથી વધુ ર૦ મોત ઔરંગાબાદ જિલ્લામાં થયા છે. પહેલું મોત દિલ્હીમાં થયું છે. જ્યારે બે મૃત્યુ હરિયાણામાં થયા છેે.

યુપીમાં સૌથી વધુ ૭ર મોત વારાણસી અને આસપાસના જિલ્લાઓમાં થયા છે. જ્યારે બુંદેલખંડ અને કાનપુર ડિવિઝનમાં ૪૭ લોકોના મોત થયા છે. તેમાં મહોબામાં ૧૪, હમીરપુરમાં ૧૩, બાંદામાં પાંચ, કાનપુરમાં ચાર, ચિત્રકૂટમાં બે, ફર્રુખાબાદ, જાલૌન અને હરદોઈમાં એક-એક મૃત્યુનો સમાવેશ થાય છે. આ સિવાય પ્રયાગરાજમાં ૧૧, કૌશામ્બીમાં ૯, ઝાંસીમાં ૬, આંબેડકર નગરમાં ૪, ગાઝિયાબાદમાં એક શિશુ સહિત ચાર, ગોરખપુર અને આગ્રામાં ત્રણ, પ્રતાપગઢ, રામપુર, લખીમપુર, શાહજહાંપુર અને પીલીભીતમાં એક-એકના મોત થયા છે.

દેશભરમાં હીટવેવના લીધે લોકો મરવા લાગ્યા છે. બિહારમાં ઘણી જગ્યાએ તાપમાનનો પારો ૪૪ ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયો હતો. રાજ્યમાં ૬૦ લોકોના મોત થયા છે. ઔરંગાબાદ આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ગરમીના મોજાને કારણે ર૦ લોકોના મોત થયા છે અને ર૦ થી વધુ લોકો વિવિધ હોસ્પિટલમાં દાખલ છે.

ઝારખંડના પલામુ જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં પ લોકોના મોત થયા છે. ઓડિશામાં પણ ઘણાં લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘણાં રાજ્યોની જેમ બિહાર, ઝારખંડ, ઓડિશા પણ ભારે ગરમીની ઝપેટમાં છે. ગઈકાલે બિહારમાં ઘણી જગ્યાએ દિવસનું તાપમાન ૪૪ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું. પલામુ જિલ્લામા મહત્તમ તાપમાન ૪૭.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. છેલ્લા ત્રણ દિવસથી પલામુનું મહત્તમ તાપમાન ૪૭ ડિગ્રીથી વધુ નોંધાઈ રહ્યું છે. સૂર્યોદય થતાં જ રસ્તાઓ પર ચાલવું મુશ્કે બની જાય છે. આ ઉનાળામાં, ઓડિશાના રાઉરકેલા શહેરમાં શંકાસ્પદ ગરમીના મોજાને કારણે દસ લોકોના મોત થયા હતાં.

સારા સમાચાર એ છે કે આ રાજ્યોને આજથી હીટવેવથી રાહત મળવાની આશા છે. બિહાર અને ઝારખંડમાં ભારે પવન સાથે વરસાદની શકયતા છે. બંને રાજ્યોના ઘણાં ભાગોમાં મોડી રાત્રે ગાજવીજ, વીજળી અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આગામી ચોમાસુ સારું રહેશે, તેવા અનુમાનો પણ થયા છે.

હવામાન ખાતાએ આજે દેશમાં કયાંય પણ હીટવેવની રેડ એલર્ટ જાહેર કર્યું નથી. હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, ચંદીગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં આગામી પાંચ દિવસ માટે તાપમાન વર્તમાન તાપમાન કરતા ર-૪ ડિગ્રી ઓછું રહી શકે છે.

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર અને ઓડિશામાં રાત્રે ગરમ હવામાન રહેશે. ગુરુવારે હરિયાણાના સિરસામાં દેશનું સૌથી વધુ તાપમાન ૪૯.૧ ડીગ્રી નોંધાયું હતું.

ચોમાસું ગુરુવારે (૩૦ મે) કેરળ પહોંચ્યું. આ સાથે અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને આસામમાં પણ ચોમાસાએ એન્ટ્રી કરી છે. ચોમાસું ર૭ જૂન સુધીમાં પહોંચવાની શક્યતા છે. આ વખતે ચોમાસું આગાહીના એક દિવસ પહેલા આવી ગયું છે. આઈએમડી એ ૩૧ મે સુધીમાં કેરળ પહોંચવાની આગાહી કરી હતી. ચોમાસાના વહેલા આગમનનું કારણ રામલ ચક્રવાત હોવાનું કહેવાય છે, જે ર૬ મે ના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં ત્રાટક્યું હતું.
અગાઉ ૩૦ મે, ર૦૧૭ ના મોરા વાવાઝોડાને કારણે ચોમાસું નિર્ધારિત સમય કરતા વહેલું આવી ગયું હતું. કેરસળમાં ર૦ર૩ માં ચોમાસાનો પ્રવેશ સાત દિવસના વિલંબ પછી ૮ જૂને થયો હતો. ચોમાસું સામાન્ય રીતે ૧ જૂને કેરળમાં પ્રવેશે છે, અને પ જૂન સુધીમાં દેશના મોટા ભાગને આવરી લે છે.

અંબાલાલની આગાહી
વાતાવરણ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં રાજ્યમાં હવે કાળઝાળ ગરમીનો રાઉન્ડ ધીરે ધીરે પૂર્ણ થશે, તેમજ રાજ્યમાં પવન અને ગરમીના કારણે બફારાનું પ્રમાણ વધે છે. રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગ રૂપે વરસાદ પડશે તેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ૪ થી ૬ જૂન વરસાદ પડશે. ૪ જૂનથી સમગ્ર રાજ્યમાં આંધી વંટોળનું પ્રમાણ વશે તેમજ ૧પ જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે. જેમાં ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યમાં સારો વરસાદ પડશે. સુરત, વલસાડ, નવસારી, તાપી, આહવા ડાંગમાં સારો વરસાદ પડશે તેમજ દ્વારકા, જૂનાગઢ, જામનગર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, પોરબંદરમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ૧૮ થી ર૦ જૂન વચ્ચે વરસાદની આગાહી છે તથા જુલાઈ અને ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, ખેડૂતો સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલા જ વાવણી કરતા હોય છે, જો કે ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલા પણ વરસાદ થશે. એટલે ૪ જૂન સુધીમાં પ્રી-મોન્સુન એક્ટિવિટી થશે અને વરસાદ થવાનું અનુમાન છે અને ત્યારપછી ૭ થી ૧૪ જૂન ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે, પરંતુ ખેડૂતો સારા પાક માટે રોહિણી નક્ષત્રમાં વાવણી કરતા હોય છે જ્યારે રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે. જેના કારણે ભેજ ઊડી જાય છે. ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે અને ભારે પવન ફૂંકશે. એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ નહીં તો ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ અન્યથા જો કોઈ કારણે વરસાદ ખેંચાય તો ખેડૂતો પોતાને થતા નુક્સાનથી બચી શકે છે.







































































