સીટના રિપોર્ટ બાદ જે કોઈ જવાબદાર ઠરશે તેઓને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહી: રાઘવજીભાઈ પટેલ
પ્રભારીમંત્રીએ જીલ્લા કલેકટર, પોલીસ કમિશ્ર્નર, મ્યુનિ.કમિશ્ર્નર અને હોસ્પિટલ અધિક્ષક સાથે બેઠક યોજી કામગીરીની વિગતો મેળવી
રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ આજે તાત્કાલીક રાજકોટ ખાતે દોડી આવેલ હતા અને તેઓએ ટીઆરપી ગેમઝોનની દુર્ઘટના બાદ જીલ્લા કલેકટર, પો.કમિશ્નર, મ્યુનિ. કમિશ્નર અને હોસ્પિટલના અધિક્ષક દ્વારા દુર્ઘટના અંતર્ગત કરવામાં આવેલી કામગીરી અંગેની અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજી સમીક્ષા હાથ ધરી હતી.

આ બેઠક દરમ્યાન પ્રભારીમંત્રી રાઘવજીભાઈ પટેલ મીડીયા સાથે વાતચીત પણ કરેલ હતી. તેઓએ આ તકે જણાવેલ હતું કે ટીઆરપી ગેમઝોનની ખૂબજ કરુણ ઘટનાને સરકારે અતિ ગંભીરતાથી લીધી છે અને મૃતકો તથા ઈજાગ્રસ્તો માટે તમામ પ્રકારની કાર્યવાહી કરવા સરકારી તંત્રને ખાસ સૂચના આપવામાં આવી છે. તેઓએ એમ પણ જણાવેલ હતું કે મૃતકો પ્રત્યે રાજય સરકારને પુરતી સદભાવના છે. તેમ જ મૃતકોના પરિવારજનોને દુખ સહન કરવાની ઈશ્ર્વર શક્તિ આપે તેવી ખાસ પ્રાર્થના છે.

રાઘવજીભાઈ પટેલે એવું પણ જણાવેલ હતું કે, મોટાભાગના મૃતકોના પરિવારજનોને રાજય સરકાર દ્વારા રૂા.4-4 લાખની સહાયનું ચૂકવણુ પણ તાત્કાલીક અસરથી કરી દેવામાં આવેલ છે. તેઓએ કહ્યું હતું કે આ ઘટનાની તપાસ માટે રચાયેલી સીટનો રિપોર્ટ આવ્યા બાદ જે કોઈપણ જવાબદાર ઠરશે તેઓને છોડવામાં આવશે નહી અને જવાબદારો સામે અતિ આકરા પગલા લેવામાં આવશે.















































































