પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું કે 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ 6 મહિનાની અંદર જ દેશના રાજકારણમાં મોટો ભૂકંપ આવશે. તેમણે કહ્યું કે બંગાળની મમતા બેનર્જી સરકાર રાજ્યની ડેમોગ્રાફી બદલવામાં લાગી છે.

પીએમ મોદીએ કહ્યું કે, તમારો એક મત દેશના રાજકારણની દિશા બદલી નાખશે. 4 જૂન બાદ આગામી 6 મહિનામાં એક મોટો રાજકીય ભૂકંપ આવશે.પીએમ મોદીએ કહ્યું કે વંશવાદી રાજનીતિના ભરોસો ચાલનારા અનેક રાજકીય પક્ષો આપોઆપ ખતમ થઈ જશે.

તેમના પોતાના જ કાર્યકરો થાકી ગયા છે. તેઓ પોતે જાણે છે કે દેશ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે અને તેમની પાર્ટીઓની શું સ્થિતિ છે. જો કે તેમણે એ ખુલીને ન કહ્યું કે તેઓ કયા રાજકીય ભૂકંપની વાત કરી રહ્યા છે. દક્ષિણ 24 પરગણા જિલ્લાના કાકદ્વિપમાં એક રેલીને સંબોધતા પીએમ મોદીએ આ વાત કરી. અહીં તેમણે ભાજપના ત્રણ બેઠકોના ઉમેદવારો માટે પ્રચાર કર્યો.

આ દરમિયાન ડાઈમન્ડ હાર્બર, મથુરાપુર અને જોયનગરના ભાજપના ઉમેદવારો પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે મમતાની સરકાર તૃષ્ટીકરણનું રાજકારણ કરે છે, સંતો પર હુમલો થાય છે. આ ઉપરાંત કેન્દ્રીય યોજનાઓને પણ રોકવામાં આવે છે. બંગાળમાં ઝડપથી ઘૂસણખોરી વધી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે આ લોકો ઈચ્છે છેકે ઘૂસણખોરો આવીને બંગાળમાં વસી જાય.














































































