રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં બનેલી દુર્ઘટનામાં પોલીસે સાઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યા બાદ આ કાંડમાં સંડોવાયેલા જવાબદારો સામે કાર્યવાહી કરી ધરપકડનો દૌર શરૂ કર્યો છે. અત્યાર સુધીમાં આ મામલે પાંચ આરોપીઓની ધરપકડ કરવામા આવી છે અને એક આરોપી પ્રકાશનું મોત થતાં આ કેસમાં હજુ એક આરોપી ફરાર હોય જેની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાંચની ટીમે ટીઆરપીગેમઝના જ્યાં ધમધમતું હતું તે જમીન માલીકની મોડી રાત્રે ધરપકડ કરી છે.
રાજકોટના કાલાવડ રોડ પર નાનામૌવા સર્કલ પાસે આવેલા ટીઆરપી ગેમઝોનમાં બનેલી દૂર્ઘટનામાં 30 લોકોએ જીવ ગુમાવ્યા હોય આ ઘટના અંગે તાલુકા પોલીસે સાઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો હતો જેમાં આરોપી તરીકે ધવલ ભરત ઠક્કર, યુવરાજસિંહ હરીસિંઘ સોલંકી, રાહુલ લલીત રાઠોડ, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા અને તેના ભાઈ કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા તેમજ તપાસમાં ખુલે તે તમામ સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી જેમાં ક્રાઈમ બ્રાંચની ટીમે ઘટના બાદ તુરંત જ યુવરાજસિંહ હરીસિંહ સોલંકી તેના મેનેજર નીતિન જૈન અને વેલ્ડીંગનું કામ સંભાળતા મેન્ટેનન્સની દેખરેખ રાખતા ગોંડલના રાહુલ લલીત રાઠોડને ઝડપી લીધો હતો
તેમજ અન્ય એક આરોપી ધવલ ભરત ઠક્કરને આબુથી ઝડપી લેવામાં આવ્યો હતો આ ઘટનામાં જેની સામે ગુનો નોંધાયો છે જેમાં આરોપી પ્રકાશ કનૈયાલાલ હિરનનું મોત થયું હોય હાલ આ મામલે કુલ 6 આરોપીઓ માંથી પોલીસે યુવરાજસિંહ, નીતિન જૈન, રાહુલ રાઠોડ અને ધવલ ઠક્કરની ધરપકડ બાદ ગઈકાલે મોડી રાત્રે ટીઆરપી ગેમઝોનના જગ્યાના માલીક કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. તેમજ આ બનાવમાં સંડોવાયેલ તેના ભાઈ અશોકસિંહ જગદીશસિંહ જાડેજાની શોધખોળ શરૂ કરી છે. ટીઆરપી ગેમઝોન ચલાવનાર યુવરાજસિંહ તથા અન્ય ભાગીદારોનો શું રોલ હતો તેમજ જગ્યા ભાડે આપનાર કિરીટસિંહે રહેણાક હેતુ માટેની આ જગ્યાને કોમર્શીયલ ઉપયોગ માટે ભાડે આપી દીધાનું તપાસમાં ખુલ્યું છે. આ મામલે ક્રાઈમ બ્રાંચની ટીમ વધુ તપાસ કરી રહી છે.
પકડાયેલા યુરાજસિંહ, નિતિન જૈન અને રાહુલ રાઠોડની 14 દિસની રિમાન્ડ મેળવી છે જ્યારે ધવલ ઠક્કરના 13 દિવસના રિમાન્ડ મંજુર થયા છે. જ્યારે વધુ એક આરોપી કિરીટસિંહ ઉર્ફે કિર્તિસિંહને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરવામા આવશે.
રાજસ્થાનથી ઝડપાયેલો ધવલ ઠક્કર 13 દિવસના રિમાન્ડ પર
રાજકોટમાં નાના મવા ચોક ખાતે આવેલા ટીઆરપી ગેમઝોનમાં લાગેલી ભયંકર આગમાં 32 વ્યક્તિના થયેલા મોતની કમકમાટી ભરી ઘટના અંગે તાલુકા પોલીસ મથકમાં ધવલ ભરત ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીત રાઠોડ સામે ફરિયાદ નોંધાવતા ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે ગેમઝોનના સંચાલક યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, મેનેજર નિતીન જૈન અને ગોંડલના રાહુલ લલીત રાઠોડની ઘરપકડ કરી હતી. જેમનો એક આરોપી ધવલ ઠક્કર રાજસ્થાનના આબુ રોડ ઉપર હોવાની બાતમીના આધારે પોલીસે ઉઠાવી લીધો હતો. પોલીસે ઝડપાયેલા આરોપી ધવલ ઠક્કરને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં બંને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષે સ્પે. પી.પી. તુષાર ગોકાણી, બાર એશો.ના પ્રમુખ બકુલ રાજાણી અને ઉપ પ્રમુખ સુરેશ ફળદુ દ્વારા કરવામાં આવેલી દલીલો ધ્યાને લઈ અદાલતે આરોપી ધવલ ઠક્કરના 13 દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો હતો.