રાજકોટમાં ટી.આર.પી. ગેમઝોનમાં લાગેલી આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અને ડીએનએ મેચિંગ બાદ તેમના સગાઓને સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગાંધીનગર એફ.એસ.એલ.માંથી ડી.એન.એ. મેચિંગનો રિપોર્ટ આવ્યા પછી સગાઓને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે.

મૃતકોના પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સત્વરે મળી રહે તે માટે 18થી વધુ સભ્યોની એફ.એસ.એલ ટીમ દિવસ-રાત કામગીરી કરી રહી છે. મોટરમાર્ગે સમય ના બગડે તે માટે તાત્કાલીક એર એમ્બ્યુલન્સ દ્વારા સેમ્પલ પહોંચાડવામાં આવ્યા હતા. આજે વધુ 6 મૃતદેહોની ઓળખ થઇ છે.

સોમવારે સાંજ સુધીમાં કુલ 13 મૃતદેહને ડી.એન.એ. મેચિંગના આધારે ઓળખવામાં આવ્યા છે. ઓળખ કર્યા બાદ 08 મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યા છે, જેમાં જીજ્ઞેશ કાળુભાઈ ગઢવી (ઉ.34), સ્મિત મનીષભાઈ વાળા (ઉ.22), સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (ઉ.21), સુનીલ હસમુખભાઈ સિદ્ધપુરા (ઉ.30), આશાબેન ચંદુભાઈ કાથડ (ઉ. 19), ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.36), વિશ્વરાજસિંહ જશુભા જાડેજા (ઉ.24), હિમાંશુ દયાળજીભાઈ પરમાર (ઉ.20)નો સમાવેશ થાય છે. એફ.એસ.એલ.નો રિપોર્ટ આવે ત્યારે પોલીસ દ્વારા દર્દીઓના સગાઓનો સામેથી સંપર્ક કરીને બોલાવી તેમને વિધિવત રીતે મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. મૃતદેહની સોંપણી કરવાથી લઈને અંતિમવિધિ સુધીની પ્રક્રિયામાં મદદ માટે એક નાયબ મામલતદાર અને એક પીએસઆઇ સહિતની પોલીસ ટીમ સાથે રહે તે પ્રકારે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ગઇકાલ સાંજ સુધીમાં 11 મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યા
1) સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા
2) સ્મિત મનીષભાઈ વાળા
3) સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા
4) જીગ્નેશ કાળુભાઇ ગઢવી
5) ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ
6) વિશ્વરાજસિંહ જશુભા જાડેજા
7) આશાબેન ચંદુભાઈ કાથડ
8) સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા
9) નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા
10) જયંત અનીલભાઈ ઘોરેચા
11) હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમાર













































































