રાજકોટના ગેમઝોનના અગ્નિકાંડ બાદ ખળભળેલી રાજય સરકારે રાજયવ્યાપી તવાઈ ઉતારી હતી અને તમામ આઠ મહાનગરોમાં હાથ ધરાયેલી તપાસનો રિપોર્ટ રાજય સરકારને સોંપી દેવાયો છે. આઠ શહેરોના કુલ 101માંથી 20 ગેમઝોન સીલ કરવામાં આવ્યા છે જયારે 81 હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે.

રાજકોટમાં 27 લોકોનો ભોગ લેનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ તપાસમાં કાયદાભંગ હોવાનો ખુલાસો થયો હતો. ફાયર એનઓસીથી માંડીને નીતિ નિયમોનો ઉલાળીયો થયો હોવાનું પ્રકાશમાં આવ્યુ હતું.

રાજકોટની દુર્ઘટનામાં મોટી જાનખુવારી અને વહીવટીતંત્રની બેદરકારીને કારણે રાજયભરમાં જબરો ઉહાપોહ થયો હતો તેને પગલે સરકારે રાજયભરમાં ગેમઝોન જેવા સ્થળોએ તપાસના આદેશ કર્યા હતા. રાજકોટ સહિત રાજયના આઠેય મહાનગરોમાં તંત્ર દ્વારા ફાયર એનઓસીથી માંડીને નીતિ નિયમોનો અમલ થાય છે કે કેમ જેવા મુદાઓની તપાસ કરવામાં આવી હતી તેનો રિપોર્ટ તૈયાર કરી લેવાયો છે. તમામ મહાનગરોના તંત્ર દ્વારા રાજય સરકારને રિપોર્ટ સોંપી દીધા છે.


રાજય સરકારના સૂત્રોએ કહ્યું કે આઠ શહેરોના 101 ગેમઝોનનો રિપોર્ટ આવ્યો છે. કાયદાનો ભંગ કરતા 20 ગેમઝોનને સીલ કરી દેવાયા હતા. બાકીના 81 કામચલાઉ ધોરણે બંધ કરાયા છે. અમદાવાદમાં 34માંથી 5 ગેમઝોનને સીલ કરાયા છે અને 29 હંગામી ધોરણે બંધ કરાયા છે. રાજકોટમાં 12માંથી 8 ગેમઝોનમાં સીલ લાગ્યા છે.











































































