Tuesday, March 18, 2025
HomeFeatureભાજપ સંગઠન અને પદાધિકારીઓની ખુરશી જોખમમાં? પક્ષમાં હિટવેવ

ભાજપ સંગઠન અને પદાધિકારીઓની ખુરશી જોખમમાં? પક્ષમાં હિટવેવ

લાંબા સમયથી ફેરબદલની ચાલતી વાતો વચ્ચે અગ્નિકાંડ સર્જાતા વિવાદોની આગ વધુ ફેલાઇ ગઇ : અધિકારીઓની જેમ ચૂંટાયેલા લોકો પાસે પણ મંગાતા જવાબો : મોટા ધડાકા ભડાકાની ચર્ચા

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા કરૂણ અગ્નિકાંડના સરકારમાં ઘેરા પડઘા પડયા છે અને ગઇકાલથી પોલીસ, મનપા, માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ સામે સસ્પેન્સન, આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની એકસાથે બદલીના હુકમોએ સમગ્ર વહીવટી તંત્રને હચમચાવી નાખ્યું છે. આ સંજોગોમાં હવે શાસક પક્ષ ભાજપના પદાધિકારીઓ અને રાજકોટ ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉ5ર પણ ગાજ વરસે તેવી ચર્ચાઓ રાજકોટ કમલમથી માંડી અમદાવાદ કમલમ સુધી થવા લાગી છે.

મહાપાલિકામાં બીજી ટર્મમાં નિમાયેલા ભાજપના પાંચ પદાધિકારીઓમાં ફેરબદલ થઇ શકે છે તો સંગઠનમાં પણ  ફેરફાર આવી શકે તેવી થોડા સમયથી ચાલતી ચર્ચાને આ અગ્નિકાંડથી હવા મળી ગઇ છે.

મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપ શાસનની બીજી ટર્મમાં મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન, શાસક નેતા, દંડક અને 1પ પેટા સમિતિના ચેરમેનોની નિમણુંક થઇ હતી તે પૂર્વે ભાજપ સંગઠનમાં પણ મોટા ફેરફાર કરવા સાથે સરપ્રાઇઝ નિમણુંકો થઇ હતી. એક સમયે રાજકોટમાં સતાના કેન્દ્રમાં રહેલા નેતાઓને સાઇડ લાઇન કરી દેવામાં આવ્યા હતા. આ બાદ નવા સંંગઠન અને સતાના લોકોએ મહાપાલિકાની ધુરા સંભાળી છે. ચૂંટણી અગાઉ મનપામાં બધુ ઠીકઠાક ન હોવાની ચર્ચા વચ્ચે એક પદાધિકારી બદલાઇ રહ્યાની હવા ઉડી હતી. આ બાદ બધુ શાંત પડી ગયું હતું. બીજી તરફ રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે પરસોતમ રૂપાલા જાહેર થયા હતા અને તેમના ક્ષત્રીય સમાજ વિશેના નિવેદને  મોટો વિવાદ ઉભો કરી દીધો હતો.

છેલ્લા બેક મહિનામાં આ વિવાદ સહિત સત્તા અને સંગઠનની બાબતો, સાંસદના આક્ષેપો સહિતના સંજોગોમાં ભાજપમાં કંઇક ફેરફારો આવશે તેવી રાજકીય આગાહીઓ થવા લાગી હતી. દરમ્યાન ગત શનિવારે રાજકોટના ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડથી પુરૂ રાજય ધ્રુજી ઉઠયું છે. સરકાર ધડાધડ એકશન મોડમાં આવી ગઇ છે. બેજવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો ઉચ્ચ અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે. દરમ્યાન ભાજપ શાસનના પદાધિકારીઓ પણ ઓથોરીટીમાં આવે છે.

 સંગઠનની સૂચનાથી સતાના નિર્ણયો લેવામાં આવતા હોય છે. આ સ્થિતિમાં કોઇને કોઇ રીતે શાસન પક્ષની બેજવાબદારી સામે પણ આક્ષેપો થવા લાગ્યા છે. આથી  જો સરકાર અને પ્રદેશ ભાજપ વધુમાં વધુ કડક પગલા લે તો સત્તા અને સંગઠનમાં પણ ફેરફારની શકયતા નકારાતી નથી. આ અગ્નિકાંડના છાંટા રાજકીય લોકોની ખુરશી સુધી ઉડી શકે તેમ છે.

સત્તા અને સંગઠનની ફરિયાદો ઘણી વખત  પ્રદેશ સુધી મોકલવામાં આવી રહી છે. આ સંજોગોમાં અમુક લોકો મત ગણતરી બાદ કેટલાક ફેરફારો થાય તેવી આગાહી કરતા હતા. પરંતુ હવે સૌથી કરૂણ ઘટના બની છે ત્યારે આ ઘટનાના પડઘા રૂપે પણ સંગઠનના હોદ્દેદારો અને કેટલાક પદાધિકારીઓમાં ફેરફાર થાય અથવા પૂરી બોડી બદલવાનો આકરો નિર્ણય આવી શકે તેમ છે.

હાલ તો ચૂંટાયેલા લોકો, હોદ્દેદારો અને અધિકારીઓમાં જોખમની ચિંતા વચ્ચે કોનો વારો આવશે તેવી ચર્ચા ગરમા ગરમ બની ગઇ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!