રાજકોટ ખાતેના ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાના ચોથા દિવસે આજે કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકોનાં સ્વજનો મળવા પહોંચતા જન આક્રોશનાં ભોગ બન્યા હતા. આ તકે ઉપસ્થિત મીડીયાના પત્રકારોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો જેનાં પ્રત્યુતરમાં પરસોતમ રૂપાલાએ રાજય સરકારે તપાસના આદેશ કર્યો હોવાનું જણાવી પોતે બીજા દિવસથી આ દુર્ઘટનામાં બધા સાથે સંપર્કમાં હોવાનો બચાવ કર્યો હતો.

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આજે કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, સિવિલ હોસ્પિટલ પહોંચી અગ્નિકાંડના મૃતદેહોના પી.એમ. અંગે ચાલતી કાર્યવાહી અંગેની માહિતી મેળવી હતી. સાથોસાથ મૃતદેહ મળવાની ચાર દિવસથી રાહ જોતા સ્વજનોને મળી સાંત્વના આપી હતી.

આ તકે ઉપસ્થિત પત્રકારોની પ્રશ્નોના પ્રત્યુતરમાં પરસોતમભાઈ રૂપાલાએ જણાવ્યુ હતું કે ગેમ ઝોનની દુર્ઘટનાની આગનીના બનાવમાં માર્યા ગયેલા 28માં વ્યક્તિઓના ડીએનએ સેમ્પલ આધારે સ્વજનોને મૃતદેહ સોંપવાની કાર્યવાહી ચાલી રહી છે જેમાં અત્યાર સુધીમાં 17 જેટલા સેમ્પલો મેચ થતાં 17 જેટલી ડેડબોડી પરિવારજનોને સોંપવામાં આવી છે. હજુ 10 જેટલા મૃતદેહોની ઓળખ થઈ નથી તે માટેની પ્રક્રિયા ચાલી રહી છે.

ગેમઝોનની કાર્યવાહી અંગે તેમણે જણાવ્યું હતું કે ગેમઝોન 4 વર્ષથી વ્યાજબી-ગેરવ્યાજબી અંગેની તપાસ માટે સીટની રચના થતા તપાસ ચાલી રહી છે. અન્ય 54 કલાક સુધી કેમ આવ્યા નહી? તેવા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે હું આ ઘટનાના બીજા દિવસે સવારના 8 કલાકથી સતત દેખરેખ રાખુ છું.

આ દુર્ઘટનાની તપાસમાં કોઈ કચાશ કરે નહી તે માટે ખુદ મુખ્યમંત્રી અંગત રસ લઈ રહ્યા છે. તેઓનું મોનીટરીંગ જોતા આ ઘટનામાં દાખલો બેસે તેવી કાર્યવાહી થશે. અધિકારીઓનું સસ્પેન્સ એ કાર્યવાહીનો એક ભાગ છે. એસઆઈટીના રિપોર્ટ બાદ સરકાર પરામર્શ કરી ગેમઝોનના નવા કાયદા અંગે નિયમો લાગુ કરશે.

આ તકે સિવિલ હોસ્પિટલમાં પીડિત પરિવારો માટે કોઈપણ જાણકારી-વ્યવસ્થા અંગેનાં પ્રશ્નો ઉઠાવી ચુંટણી સમયે ટેબલો નાખી ભાજપ કાર્યકરો માર્ગદર્શન આપતા હોય છે. અહી 4 દિવસથી કોઈ કાર્યકરો મદદે આવ્યા કેમ નથી આવ્યા? તેના જવાબમાં કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ જણાવ્યુ હતું કે, આવી ઘટના અચાનક બની હોય વ્યવસ્થામાં કોઈ નાની-મોટી ક્ષતિ રહી છે તેને સ્વીકારુ છું સાથે લોકોની લાગણી-માંગણી સરકારમાં ઉપર સુધી પહોંચાડીશ. સરકારે સીટની રચના કરી છે. દોષીત સામે એકશન લેવાશે તેમ પરસોતમ રૂપાલાએ અંતમાં મીડીયા સમક્ષ જણાવ્યુ હતું.

કેમ 3 દિવસે આવ્યા? બે દિ’થી રાજકોટમાં જ છુ, તંત્ર સાથે સંકલનમાં હતો
અગ્નિકાંડ દુર્ઘટનાના જ દિવસે આજે કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ સિવિલ હોસ્પિટલ પહોંચી ગેમઝોન અગ્નિકાંડમાં પીડિત પરિવારજનોની મુલાકાત લીધી હતી. આ વેળાએ તેમની સામે ગેરહાજરી અંગેના વેધક સવાલો ઉઠતા મંત્રી રૂપાલા ભીડાયા હતા.

આ તકે મંત્રી પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનાના બીજા દિવસે સવારે 8 કલાકથી હું સતત દેખરેખ રાખુ છું. બે દિવસથી તંત્ર સાથે સંકલનમાં જ છુ અહીં જે પ્રકારે કામગીરી ચાલી રહી હતી તેનાથી હું સંપૂર્ણ વાકેફ છું. તંત્ર અને લોકોની સાથે સતત સંપર્ક કરતો રહ્યો છું. જયાં જરૂર પડી ત્યાં સુચનાઓ આપી છે.

ચુંટણીમાં સમાજ તમારી સાથે હતો, પણ તમે સાથે ન રહ્યા: રોષ
વેરાવળનું દંપતી અને યુવતી પણ આગની ઝપટે ચડયા બાદ ગુમ થતાં સમાજના લોકો મીડીયા સામે આવ્યા’તા: વ્યથા ઠાલવી
ટીઆરપી ગેમઝોન આગકાંડ બાદ તેમાં જીવતા ભુંજાઈ ગયેલા લોકોના મૃતદેહો એટલા સળગી ગયા હતા કે તેમની ઓળખ મેળવવી પણ મુશ્કેલ બની હતી ત્યારે વેરાવળ પંથકમાંથી ધોબી સમાજનું દંપતી અને તેની સાળી પણ ગેમઝોનમાં આવ્યા બાદ દુર્ઘટના સમયથી ગુમ થયા હતા જે બાદ તેમના પરિવારજનો સીવીલ હોસ્પીટલે ત્રણેય લોકોના મૃતદેહની રાહમાં બેઠા છે.

દરમિયાન ગઈકાલે 48 કલાક બાદ પણ પરિવારજનોનો કોઈ પતો ન લાગતા ધોબી સમાજના યુવાનો મીડીયા સામે આવ્યા હતા અને આક્રોશ સાથે જણાવ્યું હતું કે ચુંટણી સમયે અમારી બાજુમાં રહેતા હતા અને જેવી ચુંટણી પુરી થઈ એટલે ગાયબ થઈ ગયા.

બાદમાં આજે અચાનક જ કેન્દ્રીયમંત્રી અને રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલા અચાનક જ પ્રગટ થતા ધોબી સમાજે આક્રોશ ઠાલવ્યો હતો અને આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ચુંટણીમાં ધોબી સમાજ તમારી સાથે હતો પણ તમારી જરૂર પડી ત્યારે તમે સાથે ન રહ્યા તેવી વેદના ઠાલવી હતી.






































































