સિવિલ હોસ્પિટલમાં બેરિકેડ તોડી નાખ્યા, પી.એમ. રૂમ તરફ ધસારો કરતા પોલીસ સાથે ઘર્ષણ
એક સાથે ડીએનએ ટેસ્ટ કરાવ્યા તો એક સાથે રિપોર્ટ કેમ નહીં? ત્રણ દી’થી ભૂખ્યા લોકોનો રોષાગ્ની ભડકયો
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલા અગ્નિકાંડમાં 30 લોકો જીવતા ભુંજાઇ ગયા હતા. જે ઘટનાને ત્રણ દિવસ થવા છતાં હજુ મૃતક સ્વજનોની ઓળખ ન મળતા સિવિલમાં રાહ જોતા પરિજનોએ સંયમ ગુમાવ્યો હતો અને લોકોમાં આક્રંદ સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્રણ દિવસથી ભુખ્યા લોકોએ રોષ સાથે બેરીકેડ તોડી પીએમ રૂમ તરફ ધસારો કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.

નાનામવા રોડ પર ટીઆરપી ગેમઝોનમાં શનિવારે સાંજે બનેલી અગ્નિકાંડની ગોઝારી દુર્ઘટનામાં અનેક પરિવારજનોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ગેમઝોનમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે ભોગ બનનારની ઓળખ મેળવવી પણ મુશ્કેલ બની હતી. મૃતકોની ઓળખ મેળવવા ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યા છે. જેના આધારે આજે બપોર સુધીમાં ચાર મૃતકોની ઓળખ મળતા પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા છે.

જો કે શનિવારે રાતથી જ ભોગ બનનાર મૃતકોના સ્વજનો સિવિલ હોસ્પીટલ ખાતે એકઠા થઇ પોતાના સ્વજનોના મૃતદેહની રાહ જોઇ રહ્યા છે. પરંતુ ત્રણ દિવસ થતા આખરે પરિજનોએ સંયમ ગુમાવ્યો હતો. પીએમ રૂમ તરફ જતા રસ્તે બેરીકેડ ગોઠવી રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જેથી પરિવારજનો સિવિલ કમ્પાઉન્ડમાં ત્રણ દિવસથી ભુખ્યા સ્વજનોના મૃતદેહની રાહ જોઇ રહ્યા છે.

જો કે પોલીસ યોગ્ય જવાબ આપતી ન હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ સંયમ ગુમાવતા બેરીકેડ તોડી પીએમ રૂમ તરફ ધસારો કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પરિવારજનોએ જણાવ્યું કે અમારા સ્વજનોના મૃતદેહ કયારે સોંપશો? એક સાથે ડીએનએ ટેસ્ટ કરાવ્યા તો એક સાથે રિપોર્ટ કેમ નહીં? તેવા સવાલ સાથે પોલીસ દબાણમાં હોવાના આક્ષેપો કર્યા હતા.

પોલીસ અધિકારીઓએ એક કલાકમાં જવાબ આપવાની ખાત્રી આપી પરિરવારજનોને સમજાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પીટલના પીએમ રૂમ બહાર મોટી સંખ્યામાં લોકો પોતાના ગુમ સ્વજનો માટે ટળવળી રહ્યા છે. અહીં હાજર એક સ્વજનોએ આક્રોષ સાથે જણાવ્યું કે અમે તંત્રને એટલુ જ કહીએ છીએ કે તમે લાવતાને શોધવા માટે શું કર્યું? અમે ડીએનએ ટેસ્ટ પણ આપેલા છે. છતા હજુ સુધી રિપોર્ટ આવ્યા નથી કે નથી તેની શોધખોળ થતી. આમા અમારે શું કરવું? તપાસ અધિકારીઓ પાંચ મિનિટ આપો, દશ મિનિટ આપો તેવો સમય જ માંગે છે પણ સરખો જવાબ આપતા ન હોવાનો આક્ષેપ કર્યો હતો.

પૈસા માગવા નથી આવતા, અમારા પરિજનનો મૃતદેહ માગવા આવીએ છીએ
અગ્નિ કાંડની ઘટનાના ત્રીજા દિવસે આખરે ભોગ બનનારના સ્વજનોએ સિવિલ હોસ્પીટલ ખાતે સંયમ ગુમાવ્યો હતો. પરિજનના સ્વજનો પોલીસ માટે પુછપરછ માટે જતાં યોગ્ય જવાબ મળતો ન હોવાથી આક્રોષમાં આવેલા સ્વજનોએ જણાવેલું કે અમે પૈસા માંગવા નથી આવત અમે અમાા પરિજનોના મૃતદેહ માંગવા આવીએ છીએ.

જેમ-જેમ રિપોર્ટ આવતા જશે તેમ સ્વજનને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે
સિવિલ હોસ્પીટલમાં મૃતકોના પરિવારજનોએ ધીરજ ગુમાવતા પોલીસ સાથે શાબ્દીક બોલાચાલી થઇ હતી જેને પગલે એસીપી રાધિકા ભારાઇ દોડી ગયા હતા. તેમણે જણાવ્યું કે મૃતકો અને લાવતા લોકોના ડીએનએ ટેસ્ટ કરી ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. જેમ જેમ રિપોર્ટ આવતા જશે તેમ સ્વજનોને મૃતદેહ સોંપાવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 4 રિપોર્ટ આવતા સ્વજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા છે. ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે. લોકોને સંયમ રાખવા અને સપોર્ટ કરવા અપીલ કરી હતી.









































































