ટીઆરપી ગેમ ઝોનમાં 28 લોકો જીવતા ભૂંજાઇ ગયા બાદ કોર્પોરેશન તંત્ર ગાંડુ થયુ
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગની દુર્ઘટનામાં 28 લોકોના મોત થતા તંત્ર સફાળુ જાગ્યું છે અને ગેરકાયદેસર બાંધકામ તેમજ ફાયર સેફ્ટીના સાધનો તેમજ ફાયર એનઓસી બાબતે ચેકીંગ કામગીરી શરૂ કરી હાલ પુરતા અટલ સરોવર સહિતના શહેર અને જીલ્લાના 19 ગેમ ઝોન તથા પર્યટક સ્થળો અને અલગ અલગ સ્થળે યોજવામાં આવેલા પ્રાયવેટ મેળાઓ અચોક્કસ મુદ્દત માટે બંધ કરી ફાયર વિભાગ સહિતના સંબંધીત સ્ટાફ દ્વારા સર્વની કામગીરી શરૂ કરવામાં આવી છે.

મહાનગરપાલિકા દ્વારા ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બાદ તમામ વિભાગ દ્વારા આ પ્રકારના ગમ ઝોન તેમજ વધુ લોકો એકઠા થતા હોય તેવા પર્યટક સ્થળો તાત્કાલીક ધોરણે બંધ કરાવી દીધા છે. રાજકોટ શહેરમાં અલગ-અલગ પ્રકારના નવ ગેમ ઝોન તેમજ જીલ્લામાં દસ સહિત 19 ગેમ ઝોન અને પર્યટક સ્થળોએ રજાના દિવસે વધુ લોકો ભેગા થતાં હોય આજે સવારે અટલ સરોવર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફાયર વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ અગ્નિકાંડના પગલે રાજ્ય સરકારની સુચના બાદ મહાનગરાપાલિકા દ્વારા આ પ્રકારની દુર્ઘટનાની સંભાવના વધુ હોય તેવા સ્થળોની ચકાસણી ગઈકાલથી જ શરૂ કરવામાં આવી છે. શનિવારે રાત્રીના જ શહેરા તમામ ગેમઝોન બંધ કરવામાં આવ્યા હતાં. પરંતુ અટલ સરોવર ખાતે પણ દરરોજ હજારોની સંખ્યામાં શહેલાણીઓ ઉમટતા હોય તેમજ અલટ સરોવરમાં રાઈડ્સ સહિતના સાધનોમાં પીવીસી મટીરીયલનો વધુ ઉપયોગ થયેલ હોવાથી દુર્ઘટના સર્જાઈ શકે કે કેમ તે મુદ્દે તપાસ કરવામાં આવશે તેમજ દરેક ગેમઝોનમાં ફાયર સેફ્ટીના સાધનો અને ફાયર એનઓસી મુદ્દે ચકાસણી કરી ગેમઝોન ખોલવાની મંજુરી અપાશે અન્યથા આ પ્રકારના ગેમઝોન કાયમી માટે બંધ કરાશે.

ફાયર વિભાગે વધુમાં જણાવેલ કે, હાલ શહેર અને જિલ્લા સહિતના 19 ગેમઝોન અને પર્યટક સ્થળોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. તેમજ લોકોને ફરિયાદો અને સુચનાના પગલે આ પ્રકારના ખાનગી ગેમઝોન કાર્યરત હશે તો તે પણ બંધ કરાવી ચકાસણી કરવામા આવશે. જ્યારે ફાયર એનઓસીના નિયમો હેઠળ આવતા જ્વનશીલ વસ્તુઓનો વપરાશ થતો હશે તો તે બંધ કરાવવામાં આવશે હાલ તમામ ઝોન અને અટલ સરોવર અચોક્કસ મુદત માટે બંધ કરાવવામાં આવ્યા છે. ફાયર વિભાગ દ્વારા હાલ લોકોને અપીલ કરી પોતાના વિસ્તારમાં નાના ગેમ પાર્લરો કે જ્યાં વધુ બાળકો એકઠા થતાં હોય તેની માહિતી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

સ્કૂલોના ડોમ અને ગાર્ડન રેસ્ટોરન્ટમાં થશે સઘન ચેકિંગ
ટીઆરપી ગેમઝોનમાં આગની દૂર્ઘટના બાદ મહાનગરપાલિકાનું ફાયર વિભાગ સફાળુ જાગ્યું છે. તમામ ગેમઝોન અને પર્યટક સ્થળો બંધ કરાવ્યા બાદ હવે ગાર્ડન-રેસ્ટોરન્ટમાં વાસના માંચડાઓ ઉભા કરી રાવટીઓ બનાવી છે જેમાં દરરોજ સેંકડોની સંખ્યામાં લોકો ભોજન લેતા હોય છે. આ વાસ તુરંત આગ પકડી લેતુ હોવાથી આ પ્રકારના ગાર્ડન રેસ્ટોરન્ટમાં તેમજ શાળાઓમાં અગાશી ઉપર ઉભા કરવામાં આવેલા પ્લાસ્ટીકના ડોમ નિયમ વિરુદ્ધ હશે તો દૂર કરવાની કાર્યવાહી આવતી કાલથી શરૂ કરવામાં આવશે. તેમજ અન્ય રેસ્ટોરન્ટ અને હોટેલોમાં પ્લાસ્ટીકના પાટીશન કે વધારાનું આગ પકડી લે તેવું બાંધકામ કરવામાં આવશે તો તેની ચકાસણી કરી દૂર કરવામા આવશે. તેમજ તમામ રેસ્ટોરન્ટ અને સ્કૂલોમાં ફાયર સેફ્ટીના સાધનો તેમજ ફાયર એનઓસી અંગે પણ ચેકીંગ કામગીરી હાથ ધરાશે.












































































