ગુજરાત હાઇકોર્ટે કુલ 1578 જગ્યાઓ માટે બમ્પર ભરતી બહાર પાડી છે. જો કે આ પહેલાં અંગ્રેજી સ્ટેનોગ્રાફર અને ટ્રાન્સલેટરની કુલ 260 જગ્યા પર તાજેતરમાં જ ભરતી બહાર પાડવામાં આવી હતી. ત્યારે આજે ફરીથી જુદી-જુદી જગ્યાઓ માટે 1318 પોસ્ટ ઉપર નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આમ, સ્ટેનોગ્રાફર, ટ્રાન્સલેટર અને અન્ય મળીને ગુજરાતની કોર્ટમાં કુલ 1578 જગ્યા બહાર પાડવામાં આવી છે.

અગાઉ બહાર પાડવામાં આવેલી ટ્રાન્સલેટર અને સ્ટેનોગ્રાફરની ભરતી માટે હાઈકોર્ટ ઓજસ વેબસાઈટ પર અરજી કરવાની છેલ્લી તારીખ 26 મે છે. ત્યારે આ જગ્યાઓ કઈ છે, તેના માટેની લાયકાતથી લઈને પગાર ધોરણ શું છે? તેના પર નજર કરીએ.

1) અંગ્રેજી સ્ટેનોગ્રાફર
હાઇકોર્ટે અંગ્રેજી સ્ટેનોગ્રાફરની 54 જગ્યા બહાર પાડી છે, જેની લાયકાત ગ્રેજ્યુએશનની છે. આ પોસ્ટ માટે 18 વર્ષથી 35 વર્ષના ઉમેદવારો અરજી કરી શકશે, જેમાં અનામત વર્ગ પ્રમાણે ઉંમરમાં છૂટછાટ અને જગ્યાઓ અનામત છે. તેનું પે-મેટ્રિક્સ 39,900થી 1,26,600 રૂપિયા છે.

2) ડેપ્યુટી સેક્શન ઓફિસર
હાઈકોર્ટે ડેપ્યુટી સેક્શન ઓફિસરની કુલ 122 જગ્યા બહાર પાડી છે, આ પોસ્ટ માટેની લાયકાત ગ્રેજ્યુએટ અને ઉંમર 18થી 35 વર્ષની છે. અનામત મુજબ જગ્યાઓ અને ઉંમરમાં છૂટછાટ છે. તેનું પે-મેટ્રિક્સ 39,900 રૂપિયા છે.

3) કોમ્પ્યુટર ઓપરેટર
હાઈકોર્ટે કોમ્પ્યુટર ઓપરેટરની 148 જગ્યા બહાર પાડી છે, આની લાયકાત વિશે વાત કરીએ તો કોમ્પ્યુટર વિષયમાં ડિગ્રી કે ડિપ્લોમા જરૂરી છે. તેની વય મર્યાદા 18થી 35 વર્ષની છે અને અનામતના નિયમો મુજબ છૂટ મળવાપાત્ર છે. કોમ્પ્યુટર ઓપરેટર માટે પે-મેટ્રિક્સ 19,900થી 63,200 રૂપિયા છે.

4) ડ્રાઈવર
ડ્રાઈવર માટે 34 જગ્યા હાઈકોર્ટે બહાર પાડી છે, જેમાં લાયકાત ધોરણ-10 પાસ અને ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂરી છે. વય મર્યાદા 18થી 35 વર્ષની છે. પગાર ધોરણ 19,900થી 63,200 છે. અનામત મુજબ છૂટછાટ મળવાપાત્ર છે.

5) કોર્ટ ઓફિસ એટેન્ડન્ટ/ હોમ એટેન્ડન્ટ
કોર્ટ ઓફિસ એટેન્ડન્ટ/ હોમ એટેન્ડન્ટની 208 જગ્યા બહાર પાડવામાં આવી છે. આ પોસ્ટ માટેની વય મર્યાદા 18થી 35 વર્ષ છે. ઉંમર અને જગ્યાઓમાં અનામતના નિયમો લાગુ પડે છે. આ પોસ્ટનું પે મેટ્રિક્સ 14,800થી 47,100 રૂપિયા છે. આ પોસ્ટ માટે લાયકાત તરીકે ધોરણ-10 પાસ હોવું જરૂરી છે.

6) કોર્ટ મેનેજર
હાઈકોર્ટ દ્વારા કોર્ટ મેનેજરની કુલ 21 જગ્યા બહાર પાડવામાં આવી છે, કોર્ટ મેનેજર માટે પે-મેટ્રિક્સ 56,100 રૂપિયા છે. આ પોસ્ટ માટે મેનેજમેન્ટ વિષયમાં 55 ટકા સાથે માસ્ટર ડિગ્રી અને 5 વર્ષનો અનુભવ જરૂરી છે. ઉંમર 25થી 40 વર્ષની હોવી જોઈએ. વર્ગ પ્રમાણે ઉંમર અને જગ્યામાં અનામતના નિયમો લાગુ પડે છે.

7) ગુજરાતી સ્ટેનોગ્રાફર
ગુજરાતની જિલ્લા, લેબર અને ઔધોગિક કોર્ટમાં ગુજરાતી સ્ટેનોગ્રાફરની 521 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ પોસ્ટ માટેની લાયકાત જોઈએ તો ગ્રેજ્યુએશનની સાથે સાથે શોર્ટ હેન્ડ આવડવું અને કોમ્યુટરના જાણકાર હોવું જરૂરી છે. હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષા આવડતી હોવી જરૂરી છે. આ પોસ્ટ માટે વય મર્યાદા 21થી 40 વર્ષ છે, અનામતના જરૂરી નિયમો લાગુ પડશે.

8) પ્રોસેસ સર્વર /બેલીફ
હાઇકોર્ટે રાજ્યની જિલ્લા, લેબર અને ઔદ્યોગિક અદાલતોમાં 210 બેલીફની જગ્યાઓ બહાર પાડી છે, બેલિફ માટેનું પે-મેટ્રિક્સ 19,900થી 63,200 રૂપિયા છે. આ પોસ્ટ માટે ધોરણ-12 પાસની લાયકાત જરૂરી છે. અનામતના જરૂરી નિયમો લાગુ પડશે.

9) ટ્રાન્સલેટર
હાઇકોર્ટે ટ્રાન્સલેટરની 16 જગ્યા બહાર પાડી છે, આ માટેની લાયકાત ગ્રેજ્યુએશન છે. આ માટેનું પે-મેટ્રિક્સ 35,400થી 1,12,400 રૂપિયા છે. આ પોસ્ટ માટેની વયમર્યાદા 18થી 35 વર્ષ છે. અનામત મુજબ નિયમો લાગુ પડશે.

10) અંગ્રેજી સ્ટેનોગ્રાફર
હાઈકોર્ટે રાજ્યની નીચલી અદાલતોમાં અંગ્રેજી સ્ટેનોગ્રાફરની 245 જગ્યા બહાર પાડી છે, જેના માટે લાયકાત ગ્રેજ્યુએશન છે. આ પોસ્ટ માટે વય મર્યાદા 21થી 40 વર્ષ છે. ગુજરાતી, હિન્દી અને ઈંગ્લિશ એમ ત્રણ ભાષાની જાણકારી, કોમ્પ્યુટરની જાણકારી, શોર્ટ હેન્ડ આવડવું જરૂરી છે.

અગાઉ બહાર પાડવામાં આવેલી ટ્રાન્સલેટર અને સ્ટેનોગ્રાફરની જગ્યાઓ સિવાયની જગ્યાઓ માટે આગામી દિવસોમાં હાઈકોર્ટ ઓજસ વેબસાઈટ ઉપર ભરતી શરૂ થશે, જ્યારે ટ્રાન્સલેટર અને સ્ટેનોગ્રાફરની અગાઉની ભરતી માટે ફોર્મ 26 મે સુધી ભરાશે.










































