Tuesday, March 18, 2025
HomeFeatureરાજયમાં મે માસમાં વિક્રમી અગનવર્ષા: પાછલા વર્ષોની ગરમીનો રેકોર્ડ તુટવાની સંભાવના

રાજયમાં મે માસમાં વિક્રમી અગનવર્ષા: પાછલા વર્ષોની ગરમીનો રેકોર્ડ તુટવાની સંભાવના

રાજકોટમાં 13મે 1977નાં રોજ પારો 47.9 ડીગ્રીએ પહોંચ્યો હતો: 2018 બાદ ફરી 2024માં પારો 44 ડિગ્રીને પાર રહ્યો

રાજ્યના કેટલાય શહેરોમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. તો છેલ્લા ત્રણ-ચાર દિવસથી સતત દિવસનું તાપમાન 44 ડિગ્રીએ રહે છે. ગરમી અને હવામાનની સ્થિતિ, પાછલા અનેક વર્ષના મે મહિનાની વિક્રમી ગરમીના રેકોર્ડને તોડી નાખે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં અત્યાર સુધીના મે મહિનાની સૌથી વધુ ગરમી 2016માં નોંધાઈ હતી. 20મી મે 2016ના રોજ અમદાવાદ શહેર રીતસરનું 48 ડિગ્રીમાં ધગધગ્યું હતું. હવામાન વિભાગના સત્તાવાર અહેવાલમાં 2022 અને 2023ના વર્ષના મે મહિનામાં નોંધાયેલ આંકડાઓ ઉપલબ્ધ નથી. જે આંકડાઓ ઉપલબ્ધ છે તે અનુસાર આ વર્ષે અમદાવાદમાં 19મી મેના રોજ નોંધાયેલ 44.9 ડિગ્રી તાપમાન, 2016 પછીના વર્ષમાં મે મહિનાની સૌથી વઘુ ગરમી છે.

વડોદરા શહેરમાં મે મહિનામાં સૌથી વઘુ ગરમી 2004મા નોંધાઈ હતી. 05 મે 2004ના રોજ વડોદરા શહેરમાં ગરમીનો પારો 46.2 ડિગ્રીએ પહોચી ગયો હતો. વડોદરામાં નોંધાયેલ 46.2 ડિગ્રી ગરમી મે મહિનાની સૌથી વધુ ગરમી છે. 2022 અને 2023ને છોડીને હવામાન વિભાગના સત્તાવાર આંકડાને જોઈએ તો, વડોદરામાં રવિવારે નોંધાયેલ 44 ડિગ્રી ગરમીએ પાછલા સાત વર્ષના મે મહિનાની ગરમીનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

કચ્છના ભૂજમાં મે મહિનાની ઓલ ટાઈમ હાઈ ગરમી 47.8 ડિગ્રી નોંધાઈ છે. આઝાદી પૂર્વે 1886માં 26મી મેના રોજ કચ્છના ભૂજમાં ગરમીનો પારો 47.8 ડિગ્રીએ પહોચી ગયો હતો. હવામાન વિભાગના 2022 અને 2023ના મે મહિના સિવાયના મે મહિનાના જાહેર કરેલા આંકડાને ધ્યાને લઈએ તો ગત રવિવાર 19મી મેના રોજ નોંધાયેલ 42.8 ડિગ્રી ગરમી 2021 કરતા વધુ નોંધાઈ છે.

ઉતર ગુજરાતના બનાસકાંઠાના ડીસામાં પણ 2016ના વર્ષમાં વિક્રમજનક ગરમી નોંધાઈ હતી. જે દિવસે અમદાવાદમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા, તે જ દિવસે ડીસામાં પણ ગરમીના પારો મે મહિનાના પાછલા અનેક વર્ષના રેકોર્ડને તોડીને 48 ડિગ્રીએ પહોચી ગયો હતો. 20મી મે 2016ના રોજ ડિસામાં 48 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.

જ્યારે 19મી મેને રવિવારે, 45 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. હવામાન વિભાગના 2022 અને 2023 સિવાયના મે મહિનામાં નોંધાયેલ ગરમીને ધ્યાને લઈએ તો, 2018 પછી ડીસામાં પરમ દિવસે સૌથી વધુ ગરમી નોંધાઈ છે. આમ દર ઉનાળામાં હવે બે વર્ષે ગરમી નવો વિક્રમ રચી રહી છે.  રાજકોટમાં મે મહિનામાં સૌથી વઘુ ગરમી 1977માં નોંધાઈ હતી.

રાજકોટમાં 13 મે 1977ના રોજ ગરમીનો પારો 47.9 ડિગ્રીએ પહોચી ગયો હતો. જો હવામાન વિભાગે જાહેર કરેલ 2022 અને 2023 સિવાયના આંકડાઓને જોઈએ તો, રવિવારે 44.1 ડિગ્રી 2018ના વર્ષ પછી પહેલીવાર નોંધાઈ છે. રાજકોટમાં છેલ્લે 2018માં ગરમીનો પારો 44.4 ડિગ્રીએ પહોચ્યો હતો.

સુરત શહેરમાં અત્યાર સુધીની સૌથી વઘુ ગરમી મહારાષ્ટ્રથી ગુજરાત અલગ થયા તે પહેલા નોંધાઈ હતી. સુરતમાં પહેલી મે 1956ના રોજ 45.6 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. સુરત શહેરમાં રવિવારે નોંધાયેલ 41.8 ડિગ્રી ગરમી પણ પાછલા કેટલાક વર્ષના મે મહિનાનમાં નોંધાયેલ ગરમી જેટલી જ કહી શકાય. હવામાન વિભાગના 2021- અને 2023ના આંકડાઓ સિવાયના સત્તાવાર આંકડા મુજબ, 2019 અને 2020ના મે મહિનામાં સુરતમાં 42 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!